રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમ યોજાયો

“આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણીના પ્રારંભની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે
– સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી

વિશ્વના દેશો ભારત સાથે સંબંધો રાખવા ઉત્સુક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમીતભાઇ શાહના નેતૃત્વ હેઠળ આગામી વર્ષેામાં ભારત વિશ્વગુરૂ બનશે
– ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા

વૈશ્વિક કોરોનાની મહામારીમાં કોવિડ-૧૯ ની કોરોના વિરોધી રસીનો જથ્થો પાડોશી દેશો સહિત વિશ્વના અન્ય દેશોને પણ પૂરો પાડવાની બાબત પ્રત્યેક ભારતવાસી માટે ગૌરવંતી બની છે

રાજપીપલા,તા 13

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે “આઝાદીકા અમૃત મહોત્સવ” ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આજે તા.૧૨ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરાયેલાં પ્રારંભની સાથોસાથ ગુજરાતમાં હાથ ધરાયેલી રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી અને ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી, સહિતના પદાધિકારીઓ/ અધિકારીશઓ, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત શહેર અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગ્ટય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીબાપુની તસ્વીરને સુતરની આંટી પહેરાવી સુતરાંજલિ અર્પી હતી. આ પ્રસંગે પ્રધાનમંશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સાબરમતી આશ્રમ ખાતેના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો સહિત સહુ કોઇએ નિહાળ્યું હતું.

સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણીના પ્રારંભની સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણની આહૂતિ આપનાર રાષ્ટ્રપુરૂષો અને વીર શહીદોની ગૌરવગાથાની સ્મૃતિ તાજી કરતાં ઉમેર્યું હતું કે, તેઓએ ભોગવેલી અનેક યાતનાઓ બાદ આપણને મહામૂલી આઝાદી મળી છે. આ તકે તેઓશ્રીએ સૌને ભાવાંજલિ અર્પવાની સાથે નતમસ્તકે વંદન કર્યું હતું. મંગલપાંડે, તાત્યાટોપે, કવિ નર્મદ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, શ્યામજી કૃષ્ણ વર્મા, ચાફેકર બંધુઓ સહિત નામી-અનામિ અનેક ક્રાંતિવીરોએ તેમના બલિદાનો આપ્યાં છે. આઝાદી પછી ૭૫ વર્ષ પૂર્ણ થાય છે, તે નિમિત્તે આ અમૃત મહોત્સવના માધ્યમથી ભારતનો ભવ્યકાળ ખંડ આઝાદીનો ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષમાં અનેક વિર ક્રાંતિકારીઓએ આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેનો ઇતિહાસ દરેક આવનારી નવી પેઢી સુધી પહોંચે, ત્યારબાદ આઝાદીના ૭૫ વર્ષનો અનોખો ઇતિહાસ અનેક લોકોએ આ દેશના વિકાસ માટે કામ કર્યું છે. અને તેની સાથોસાથ આજે સાંપ્રત પરિસ્થિતિમાં આપણે કુલ-૭૫ વર્ષ આઝાદી પછી કયાં પહોંચ્યાં છીએ અને ૧૯૪૭ ના શતાબ્દી એટલે કે ૨૦૪૭ ના વર્ષે એટલે કે હવે ૨૫ વર્ષ પછી હિન્દુસ્તાન વિશ્વગુરૂ બને તેનો જે પાયો આજે નાંખ્યો છે, તેનો મેસેજ જનજન સુધી પહોંચે, વિદ્યાર્થીઓ સુધી પહોંચે પ્રત્યેક બાળક સુધી પહોંચે અને અનેકવીર ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા લઇ ભારત માટે કેવી રીતે જીવવું અને ભારત માટે કેવી રીતે બલિદાન આપવું તેવા પ્રકારની એક વિચારધારા- દિશા અને તે પ્રકારનું ઝનૂન- પ્રબળ ભાવના દરેક વિદ્યાર્થીઓના મનમાં ઉદભવશે તેવો Öઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ડભોઇના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, આજથી ૯૧ વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીએ દાંડીયાત્રા શરૂ કરીને તા. ૫ મી એપ્રિલ, ૧૯૩૦ ના રોજ દાંડી પહોચ્યાં હતા અને તા. ૬ ઠ્ઠી એપ્રિલે દાંડી ખાતે ચપટી મીઠુ ઉપાડીને સત્યાગ્રહ કરીને આઝાદીની લડતનો પ્રારંભ કર્યો હતો. ગાંધીબાપુએ તે વખતે દાંડીયાત્રાના માર્ગમાં ૧૦૦ વર્ષના માજીને કહ્યું હતુ કે, “કાગડા-કુતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહી ફરૂં તેની સ્મૃતિ પણ તેમણે તાજી કરી હતી.

શ્રી શૈલેષભાઇ મહેતાએ વધુમાં કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભીલ-આદિવાસી સમાજનું યોગદાન પણ મહત્વનું રહ્યું છે. આઝાદી બાદ જે રીતે આપણો દેશ વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે અને વિશ્વના દેશો ભારત સાથે સંબંધો રાખવા ઉત્સુક છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના નેત્તૃત્વ હેઠળ આગામી વર્ષોમાં ભારત વિશ્વ ગુરૂ બનશે તેમ જણાવી હાલની કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીમાં કોરોના વિરોધી રસીનો જથ્થો આપણે પાડોશી દેશો સહિત વિશ્વના અન્ય દેશોને પણ પુરો પાડી રહ્યાં છે, જે માટે આપણે સૌ ગૌરવ લઇ શકીએ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની સાથે પ્રત્યેક ભારતવાસી માટે આ બાબત ગૌરવવંતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આજના પ્રસંગે વડાપ્રધાનશ્રીએ આપેલા સંદેશ મુજબ દરેક સ્કૂલ-કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને આઝાદી વખતના બલિદાનોની પ્રેરક ગાથા તેમના સુધી પહોંચે અને આગામી વર્ષોમાં આપણે શતાબ્દિ વર્ષની ઉજવણી તરફ જઇ રહ્યાં છીએ અને વિશ્વગુરૂ બનવાની દિશામાં પણ જ્યારે દેશ આગેકૂચ કરી રહ્યો છે, ત્યારે આ દેશનો યુવાવર્ગ પોતાનું યોગદાન આપે તેવા પ્રધાનમંત્રીશ્રીએ આપેલા સ્પષ્ટ નિર્દેશ-મેસેજને પણ શ્રી મહેતાએ દોહરાવ્યો હતો.

આ પ્રસંગે સાગબારાના બી.આર.સી શ્રી નાનસિંગભાઇ વસાવાએ “ બ્રિટીશ રૂલ્સ સામે ભીલ – આદિવાસી સમાજના પડકારો” વિષયક વકતવ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજના વિશેષ યોગદાનની ગાથા રજૂ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં પૂ. ગાંધીબાપુનું પ્રિય ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે “ રજૂ થયું હતું. કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ, પૂ. ગાંધીબાપુના જીવન કવનને વણી લેતી નાટ્યકૃતિ તેમજ તેરી મીટ્ટિ મે મિલ જાવા દેશભક્તિ ગીતની કૃતિ રજૂઆત થકી કાર્યક્રમ સ્થળે દેશદાઝ અને રાષ્ટ્ર ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા