ભારતને વિશ્વગુરૂ બનાવવા ગાંધી વિચારો આવશ્યક છે.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એક ભારત શ્રેષ્ઠ ભારત સોસાયટી અંતર્ગત “દાંડીયાત્રાનું ઐતિહાસિક મહત્વ” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. અમદાવાદની એસ.વી કોલેજના પ્રિન્સીપાલ જગદીશ ચૌધરીએ મુખ્ય વક્તા તરીકે કહ્યું હતું કે ગાંધીજી ધ્વારા યોજાયેલી દાંડીયાત્રાથી સ્વતંત્રતા સંગ્રામમાં લોકજુવાળ ઉભો થયો હતો જેનાથી દેશના ગામડે ગામડામાં જુસ્સાથી લોકો આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા હતાં. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે ભારત દેશને વિશ્વગુરૂ બનાવવો હશે તો યુવાનોમાં ગાંધી વિચારો પ્રસ્થાપીત કરવા પડશે. મેરા ભારત મહાન ત્યારેજ બની શકશે જ્યારે દેશની દરેક નીતિમાં ગાંધી વિચારને કેન્દ્રમાં રખાશે. દેશની બધીજ સ્કુલો તથા કોલેજમાં દર વર્ષે એક પેપર ગાંધીજી ઉપર રાખવું જોઈએ. જેથી દેશના યુવાનો ગાંધી વિચારોને જાણી શકે તથા અપનાવી શકે. દેશ વ્યાપી આંદોલન ધ્વારા સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીના નેતૃત્વને લોકો સુધી પહોંચાડી સત્ય અને અહિસાનું મહત્વ સમજાવવું જોઈએ. આજના યુવાનોએ ગાંધીજીને રોલ મોડેલ તરીકે અપનાવી મૂલ્યનિષ્ઠ બનવા પ્રયત્ન કરવો જોઈએ. આ કાર્યક્રમનું સંચાલન પ્રા. મહેશ સોનારાએ કર્યું હતું.