પુરુષોના મનમાં મહિલાની માનવાચક છબીનું ચિતરામણ થશે તે દિવસ જ સાચો મહિલા દિન કહેવાશે. નહીંતર બાકી તો મનથી નહીં પણ મજબૂરીથી ઊજવાતા આ દિવસનો કોઇ અર્થ રહેતો નથી. પુરુષ પ્રધાન દેશમાં મહિલા દિનની ઉજવણી વર્ષમાં એકવાર કરવામાં આવે તે બહુ સારી બાબત છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ દિવસને ખૂબ મહત્વ આપવામાં આવે છે. મને એકવાતનું ખૂબ આશ્ચર્ય થયું, 8 માર્ચને આપણે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવીએ છીએ. વધારે જાણકારી મેળવવા માટે મે વિકીપીડીયાનું પેજ ખોલ્યું તો જોવા મળ્યું કે આ દિવસને ઇન્ટરનેશનલ વુમન્સ ડેની સાથે સાથે ઇન્ટરનેશનલ વર્કીંગ વુમન્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. જોકે આ બે શબ્દો તો દર વર્ષે જોવા મળે છે, પણ આ વખતે તેનો ભેદ ઉકેલવાની ઇચ્છા થઇ. આ બે વાક્યો વચ્ચેનો ભેદ સમજતા મને થોડી વાર લાગી. સીધી રીતે સમજવું હોય તો ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે તેમાં દરેક પ્રકારની મહિલાનો સમાવેશ કરી શકાય. તે નોકરી કરતી મહિલા પણ હોઇ શકે અને ગૃહિણી પણ હોઇ શકે કે પછી તે નાની બાળકીથી લઇને વૃદ્ધા પણ હોઇ શકે. પણ ઇન્ટરનેશનલ વર્કીંગ વુમન્સ ડેનો અર્થ ફક્ત પહેલી નજરે હું એટલો જ કરી શકી કે તેને ફક્ત નોકરીયાત મહિલાઓ માટેનો દિવસ કહી શકાય. જોકે આ બે વાક્યોમાં મને ફક્ત વર્કીંગ શબ્દ જ ખૂંચ્યો. આજના સમયની મહિલા ખૂબ જ આગળ વધી ગઇ છે. છેલ્લા બે દાયકાથી તો દરેક ક્ષેત્રમાં તે અગ્રેસર જોવા મળી રહી છે, ત્યારે વર્કીંગ પ્લેસ પર પણ તેમના આ દિવસને તેમના માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે. જોકે સાથે મનમાં એવો સવાલ પણ ઊભો થાય છે શા માટે ફક્ત એક જ દિવસે મહિલાઓને માન આપવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં ઝઝૂમતી અને ટોચના સ્થાને પહોંચેલી મહિલા, પુરુષોની કેટકેટલાય પ્રકારની હરકતોનો ભોગ બને છે. તેમાં પણ ન્યાય મેળવવા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો શું ફક્ત 8 માર્ચ સિવાયના દિવસોમાં તેમને માન કેમ આપી શકાતું નથી. વર્કીંગ શબ્દની વાત કરું તો, ફક્ત નોકરી કરતી મહિલાઓ માટે જ આ દિવસને સ્પેશિયલ બનાવવો જોઇએ તેવું નથી. ઘરમાં રહેતી ગૃહિણી વિશે વિચારો તો તે પણ એકરીતે નોકરીયાત મહિલા જ કહેવાય છે. નોકરીયાત મહિલા અને ગૃહિણી બંનેમાં ફરક માત્ર એટલો છે, કે ઓફિસમાં કામ કરનારી મહિલાને દર મહિને પગાર મળે છે, જ્યારે ઘરે રહીને કામ કરનારી મહિલાને કોઇ પગાર મળતો નથી. આજની મહિલા ઘર અને ઓફિસ બંને ક્ષેત્રને સંભાળે છે, પણ હજીપણ આપણા ગામડાઓમાં અને કેટલાક શહેરોમાં પણ મહિલાઓ ઘરે રહીને ઘર-પરીવારને સાચવવાની જવાબદારી નિભાવી રહી છે. સારું ભણતર અને સારી નોકરી મળતી હોવા છતાંય તે પોતાના કુટુંબને સાચવવામાં પોતાની પહેલી ફરજ સમજે છે. પુરુષ પોતાની સાથે કામ કરનારી કર્મચારી મહિલાઓને મહિલા દિન નિમિત્તે ખાસ વિશ કરે છે અને કેટલાક તો ભેટસોગાદો પણ આપે છે. કોઇ ઓફિસનો બોસ હોય તો તે પોતાની ઓફિસની તમામ મહિલા કર્મચારીઓ માટે ખાસ પાર્ટી રાખે છે. જોકે આ બધી બાબતોનો અર્થ કેટલો. શું કોઇ પતિએ ક્યારેય તેના ઘરને સાચવનારી, તેના માતા-પિતાની કાળજી લેનારી, પોતાના સંતાનોનો યોગ્ય ઉછેર કરનારી કે પતિને સાચવનારી પત્ની માટે ક્યારેય મહિલા દિન નિમિત્તે તેને વિશ કર્યું છે.? તેના માટે કોઇ સરપ્રાઇઝ પાર્ટી રાખી છે.? જવાબ કદાચ નામાં આવી શકે છે. દરેક પુરુષ પોતાની સહકર્મચારીને માન આપે કે મહિલાદિન નિમિત્તે તેને વિશ કરે કે ભેટસોગાદ આપે તે કોઇ ખોટી બાબત નથી પણ સાથે જ તેણે તેના ઘરની, પોતાની પત્નીને ક્યારેય ભૂલવી જોઇએ નહીં. ઘરની જવાબદારીઓ સંભાળવી સૌથી અઘરી અને કપરી બાબત છે. જે ઘરમાં મહિલા નથી હોતી તે ઘરની સ્થિતીનું વર્ણન કરવું પડતું નથી, તે દેખાઇ જ જાય છે. પતિએ તેની પત્નીને હંમેશા તેના કામના વખાણ કરવા જોઇએ. આ દિવસે ખાસ તેને વિશ કરીને તેનું જીવનમાં અને કુટુંબમાં શું મહત્વ છે, તે કહેવું જોઇએ, જેથી તમારી ઘરની ગૃહિણીને તમે તેની કેટલી કદર કરો છો, તેનો અહેસાસ થશે. બાળકો પણ જેમ શાળામાં ટીચર્સ ને કે અન્યોને વિશ કરે છે, તે રીતે પોતાની માતાને પણ વિશ કરીને સરપ્રાઇઝ ગીફ્ટ કે પાર્ટી આપવી જોઇએ. બાળકો માટે તેમની માતાએ શું કર્યું છે. તે ક્યારેય ભૂલવું જોઇએ નહીં. મહિલા વિનાનું જીવન કેવું હોય છે, તે તો જેના ઘરમાં સ્ત્રીના હોય તે જ સમજી શકે છે. મહિલા દિન આખા વિશ્વમાં ઊજવાય છે, પણ કેટલો મનથી ઉજવાય છે, અને કેટલો ઊજવવા માટે કે દેખાડો કરવા માટે ઊજવવામાં આવે છે, તે તો ખ્યાલ આવી જ જાય છે. આખું વર્ષ મહિલાઓને જે સ્થળે હેરાનગતિ થતી હોય, ત્યાં ફક્ત વર્ષનો એક દિવસ તેને મહત્વ આપવામાં આવે તો તે કેટલું યોગ્ય ગણાય છે. ઘર હોય કે ઓફિસ મહિલાઓ દરેક ક્ષેત્ર માં પોતાનું બેસ્ટ આપવાનો સદંતર પ્રયત્ન કરે છે. પરંતુ તેમ છતાંય પુરુષના મનમાં તેની કિંમત આજેપણ કેટલી છે, તે માપવી મુશ્કેલ છે. મહિલાઓ ઓફિસમાં હોય કે ઘરમાં કાર્ય કરતી રહે તે સૌને ગમે છે, તેના વખાણ પણ થતાં હોય છે, પણ જો તે આગળ નીકળવાનો પ્રયત્ન કરે કે, ઉપરવટ જાય તો બંને સ્થળોએ તેને દબાવી દેવાના પ્રયત્નો કરવામાં આવે છે. સાચા અર્થમાં વુમન્સ ડે ત્યારે જ ઊજવાશે જ્યારે મહિલાઓ પુરુષોના તમામ પ્રકારના અત્યાચારોમાંથી બચી જશે અને તેનું જીવન નિશ્ચિંત બની જીવી શકશે. પુરુષોના મનમાં મહિલાની માનવાચક છબીનું ચિતરામણ થશે તે દિવસ જ સાચો મહિલા દિન કહેવાશે. નહીંતર બાકી તો મનથી નહીં પણ મજબૂરીથી ઊજવાતા આ દિવસનો કોઇ અર્થ રહેતો નથી.
Related Posts
*અંબાજી ભાદરવી મહાકુંભનો આજે ચોથો દિવસ, જય અંબેના નાદ સાથે ગુંજયું અંબાજી અને અરવલ્લીની ગિરિમાળાઓ*
*અંબાજી ભાદરવી મહાકુંભનો આજે ચોથો દિવસ, જય અંબેના નાદ સાથે ગુંજયું અંબાજી અને અરવલ્લીની ગિરિમાળાઓ* અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિ…
અમદાવાદ આઈશા આપઘાત કેસ મામલો: આઇશાના પતિ આરીફની કરાઈ ધરપકડ. કાલે સવારે અમદાવાદ લાવવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ વટવા વિસ્તારમાં રહેતી આઈશા નામની એક યુવતીએ સાસરિયા અને પતિના ત્રાસના કારણે આપઘાત કરી કર્યો હતો. આ બનાવને…
રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે*.
*આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે…