ભારતમાં ઉદ્યાન બનાવવાની કળા પાંચ હજાર જૂની છે. તે સમયના રાજાઓ અને સત્તાધીશોને ગાર્ડન આર્ટનું ઉંડાણપૂર્વક જ્ઞાન હતું. પૌરાણિક કથાઓમાં ઋષિ મુનિઓ ધ્યાન ધરવા માટે બેસતાં એ સ્થળ પર પ્રફુલ્લિત વાતાવરણ પસંદ કરતાં. ભારતમાં હજારો વર્ષથી ગાર્ડનની સમજ હતી.
કામદેવની કથાઓ હજી હૈયે છે. આ કથાઓમાં ગાઢ વનરાજી, સુગંધિત હવા અને સ્વચ્છ વાતાવરણના વર્ણનો લખાયેલા છે. કામદેવની પ્રકૃતિમાં ઉપવનો વણાયેલા રહેતા.
ગાર્ડન આર્ટ કેવી હશે? ગાર્ડન બનાવતી વેળા શું ધ્યાનમાં રાખવામાં આવતું હોય? ગાર્ડન ડિઝાઇન કરતી વેળા ઘણી બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. જેમ કે, સમાજની આર્થિક ભૌતિક સ્થિતિ, જે તે વિસ્તારનું હવામાન, માનવસભ્યતાનો વિકાસ, માનવસ્વભાવ, સંસ્કૃતિ, રહેણીકરણી, જમીનનું બંધારણ, પાણીની સંભાવના અને માળીકામના જાણકારો….. અસંખ્ય બાબતો વિચારવામાં આવતી હશે.
આપણા રામાયણ અને મહાભારતમાં ગાર્ડન હોવાના ઉલ્લેખ છે. એ સમયે પણ ગાર્ડન ડિઝાઇન વિશે ઘણો અભ્યાસ થયો હતો. મહાભારત મુજબ કમળ સમગ્ર આર્યાવતમાં ઉપલબ્ધ હતું. દરેક સ્થળ પર તલાવડીઓના ઉલ્લેખ મળે છે. પૌરાણિક સાહિત્યમાં ગાર્ડનમાં વૃક્ષો, ફૂલો, લતાઓ અને નાના તળાવોના વર્ણનો લખાયેલા છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ હડપ્પા સંસ્કૃતિમાં ગાર્ડન હોવાના ઉલ્લેખો છે, તેમના ઘરવપરાશના સાધનો પર વૃક્ષોના ચિત્રો દોરવામાં આવતા હતાં.
કાલીદાસ યુગમાં દરેક કથાઓમાં ઉપવનોનું મહત્વ બતાવ્યું છે, અનેક કથાઓ બગીચાના સુંદર વાતાવરણમાં આગળ વધતી હોય એવી કથાઓ છે. ઉપવન અને બગીચા વચ્ચે નાનો ફેર છે, પણ હેતુ માનવજીવનને પ્રકૃતિના સૌંદર્ય સાથે શાંતિ આપવાનો છે.
કાલીદાસના કુમારસંભવ કે મેઘદૂત હોય કે શુદ્રકનું મૃચ્છકટિકમ હોય, બગીચાઓ એક મહત્વના પાત્ર તરીકે ઉપસી આવે છે. આ સાહિત્યકારોએ બગીચાઓના માધ્યમથી માણસજાતના વિકાસને ખૂબીપૂર્વક વણી લીધો છે.
આપણા સમાજજીવન તથા મનોવિજ્ઞાનના મોઘેરા શિક્ષક એવા વાત્સાયને તો ચાર પ્રકારના બગીચાની કલ્પના લખી છે. પ્રમોદયા પ્રકારના બગીચામાં રાજા અને રાણી એકાંત જીવનની મજા માણતા. ઉદયન બગીચામાં રાજા ટાઇમપાસ કરવા માટે રખડવા નીકળતા. વૃક્ષવાટિકામાં પ્રધાનો અને પ્રજા ફરે અને નંદનયાન બગીચા ખાસ ઇશ્વરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા હતાં.
બગીચાઓનું બુદ્ધ યુગમાં મહત્વ વધવા લાગ્યું હતું. આશરે પચ્ચીસસો વર્ષ પહેલાં ચીની પ્રવાસી હ્યુ એન સંગ ભગવાન બુદ્ધના જન્મસ્થાન પર ગયો હતો, ત્યાં સુંદર બગીચા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના કથન મુજબ સ્વચ્છ પાણીના નાના તળાવો હતાં, જેમાં કમળને ઉગાડવામાં આવતા હતાં. આ પાણી ગાર્ડનિંગ માટે વપરાતું હતું. બૌદ્ધ વિહાર અને સ્મારકોની આસપાસ સુંદર બગીચા બનાવવામાં આવ્યા હતાં.
ભારતમાં ગાર્ડનિંગ આર્ટને વૈજ્ઞાનિક રીતે વિકસાવવામાં મૌર્ય શાસનનો ફાળો સવિશેષ હતો. સમ્રાટ અશોકે બનાવેલા સ્તૂપોની આસપાસ ગાર્ડન આર્ટ વિકસી હતી. રસ્તાની બંને તરફ વિશાળ વૃક્ષો વાવવાની પ્રણાલી અશોકે શરૂ કરી હતી. સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મ સાથે ભારતમાંથી ગાર્ડન આર્ટ થાઇલેન્ડ, કોરિયા, ચીન થઈ છેક જાપાન સુધી પહોંચી હતી.
દક્ષિણ ભારતમાં ચૌલ રાજાઓએ ગાર્ડન આર્ટને પ્રોત્સાહન આપતા દક્ષિણ ભારતમાં નવી શૈલી વિકાસ પામી હતી. દક્ષિણ ભારતના વિશાળ મંદિરોની આસપાસ બગીચા બનાવવાની પ્રથા હતી.
ભારતમાં મુસ્લિમ શાસન આવતા પ્રારંભમાં પર્શિયન સ્ટાઇલના ગાર્ડન બનતા હતી, જેની ઘણી સજાવટ ઇરાન સાથે મળતી હતી. ચૌદમી સદીમાં સુલતાન ફિરોઝ શાહને ગાર્ડનનો ખૂબ શોખ હતો. તેણે દિલ્હીની ભૂમિ પર બારસો જેટલા બગીચા બનાવ્યા હતાં. બાગ અને બગીચો શબ્દ મૂળે ફારસી ભાષામાંથી ઉતરેલા છે.
મુઘલ સામ્રાજ્ય શરૂ થયા પછી ગાર્ડન માટે ફરી સુવર્ણયુગ આવ્યો હતો. મુઘલ સમયમાં ભારતનો વ્યાપાર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો હતો. આફ્રિકા, ચીન, જાપાન, પોર્ટુગીઝ, ફ્રેન્ચ કે બ્રિટિશ જેવા યુરોપ સહિત અનેક વિસ્તારોના વેપારીઓ પોતાના વિસ્તારના ઝાડ ફૂલ વગેરે ભારત લાવતા, પરિણામે ભારતમાં વૃક્ષ સંપદા વધવા લાગી હતી.
મુઘલ શાસનમાં બાબરે ગાર્ડન બનાવવાનો પ્રારંભ કર્યો હતો. બાબરે આગ્રામાં રામબાગ અને જોરા બાગ બનાવ્યા હતાં. મુઘલયુગમાં મુખ્યત્વે બે પ્રકારના બગીચા બનતા હતાં, એક શાસક પરિવારના આનંદ પ્રમોદ માટે તથા બીજા કબરો તથા સ્થાપત્યોની આસપાસ બગીચા બનતા.
મુઘલ સમ્રાટ અકબરે ફતેહપુર સિક્રીમાં તથા સિકન્દરા ગાર્ડન, આગ્રામાં બનાવ્યા હતા. તેના સમયમાં નસીમબાગ નામનો ગાર્ડન કાશ્મીરમાં બનાવ્યો હતો.
જહાંગીરને ગાર્ડનિંગનું ઘણું જ્ઞાન હતું. તેની પત્ની નૂરજહાંને બગીચાઓ ગમતાં. જહાંગીરે લાહોરનો શાલીમાર ગાર્ડન સહિત કાશ્મીરમાં, આગ્રા, અલ્હાબાદ તથા ઉદયપુરમાં બગીચાઓ બનાવ્યા હતાં.
શાહજહાંએ દિલ્હીમાં શાલીમાર ગાર્ડન, ચશ્મે શાહી ગાર્ડન શ્રીનગરમાં તથા આગ્રામાં ફોર્ટ ગાર્ડન બનાવ્યા હતાં. તાજમહાલ આસપાસ સુંદર ગાર્ડન બન્યા હતાં. શાહજહાંના સરદાર અસફખાને શ્રીનગરમાં દાલ લેક પર નિસાતબાગ બનાવ્યો હતો, જે કદાચ ભારતનો પ્રથમ ટેરેસ ગાર્ડન કહી શકાય.
ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકને પણ ગાર્ડનિંગનો શોખ હતો. તેણે પંજાબમાં આજે પણ અત્યંત મશહૂર એવો પિંજોરી ગાર્ડન તથા ઔરંગાબાદમાં વિશાળ ગાર્ડન બનાવ્યો હતો.
મુઘલ શાસનમાં વટેમાર્ગુ આરામ કરી શકે એ માટે રોડ સાઇડ ગાર્ડન બનવાની શરૂઆત થઈ હતી. સારા આર્કિટેચરલી વર્ક તથા એસ્થેટિકલી ડિઝાઇન હોવાને લીધે આજે પણ ભારતમાં બનતા ગાર્ડનમાં મુઘલ શૈલીની અસરો હોય છે.
આ જ અરસામાં રાજા માનસિંહે પણ વિશાળ સરોવર સાથે બગીચા બનાવ્યા હતાં. જયપુર, જોધપુર જેવા સ્થળો પર રાજપુત શૈલી સાથે ગાર્ડન જોવા મળે છે.
ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યનો ઉદય થતાં ફરી ગાર્ડન શૈલીમાં ફેરફારો આવ્યા. બ્રિટિશરો યુરોપિયન શૈલી મુજબ ભારતમાં ગાર્ડન બનાવ્યા અને ભારતના રાજાઓએ આ શૈલીને વિવિધ ભારતીય પરંપરા સાથે વધુ વિકસાવી.
હૈદર અલીએ બનાવેલા લાલબાગને તથા મહારાજા રણજિતસિંહના અમૃતસર ગાર્ડનને બ્રિટિશરોએ પોતાની શૈલીથી વધુ વિકસિત કર્યો હતો.
બ્રિટીશ શૈલીમાં ગાર્ડનમાં લોનનું મહત્વ વધ્યું. ગાર્ડનને વધુ આકર્ષક બનાવવા માટે રોક આર્ટ આવી. બ્રિટિશરોએ ગાર્ડન તથા પ્લાન્ટ ડેવલપમેન્ટ માટે બોટોનિકલ ગાર્ડન બનાવવાના શરૂ કર્યા, જેણે ભારતના ગાર્ડનની આર્ટને નવી દિશા આપી. ભારતમાં કલકત્તા, દાર્જિલિંગ, લખનૌ,સહારનપુર, દહેરાદૂન, ઉટી, કોઇમ્બતૂર સહિત અનેક સ્થાનો પર ભવ્ય બોટોનિકલ ગાર્ડન બનાવ્યા, જે આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સ્વતંત્ર ભારતમાં પર્યાવરણ પર ભાર મૂકાવા લાગ્યો, પરિણામે સ્વચ્છ હવા અને હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ ધ્યાનમાં રાખીને નવા ગાર્ડન બનવા લાગ્યા. આઝાદ ભારતમાં પૌરાણિક ભારતીય પ્રથા સાથે મુઘલ તથા બ્રિટીશ શૈલીનું ફ્યુઝન કરીને સુંદર બગીચાઓનું નિર્માણ થવા લાગ્યું.
ભારતના શ્રેષ્ઠ બગીચાઓની વાત થાય ત્યારે મૈસુરનો કાવેરી નદી પર આવેલો મ્યુઝિકલ ફાઉન્ટેન ધરાવતો વૃંદાવન ગાર્ડનનો ઉલ્લેખ પહેલા ક્રમે થાય છે. ચંદિગઢ પાસેના પિંજોરી ગાર્ડન, દિલ્હીના શાલીમાર ગાર્ડન, દાર્જિલિંગના રોક ગાર્ડન, ચંદીગઢનો સ્કલ્પચર ગાર્ડન, રાષ્ટ્રપતિ ભવનનો મુઘલ અને બ્રિટીશ શૈલીના કોમ્બિનેશનથી બનેલો મુઘલ ગાર્ડન, શ્રીનગરના પાણીની ચેનલો સાથેના શ્રેષ્ઠત્તમ બગીચાઓને યાદ કરવા જ પડે….
આધુનિક ભારતના મુંબઇ શહેરને પાણી પુરૂ પાડતા પહાડી પર બનેલો હેંગિગ ગાર્ડન, જલિયાંવાલા કાંડને શ્રદ્ધાંજલિ આપતો સુંદર બગીચા કે ભારતના તમામ બોટોનિકલ ગાર્ડનને આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં.
દુનિયાના તમામ દેશોના બગીચા જે તે સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે. બગીચાઓમાં થતી ગંદકી, તોડફોડ અને નુકશાન પરથી જે તે વિસ્તારના લોકોની માનસિકતા સમજી શકાતી હોય છે. ભારતમાં મહાન સંસ્કૃતિ સાથે અદભૂત બગીચાઓ જોડાયેલા છે.
*ભારતનો પ્રસિદ્ધ સયાજી બાગને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તે સમયની એંસી નેવું હજાર વહાલા નગરજનોને ભેટ આપ્યો હતો. અગિયાર માર્ચે શહેરને બગીચાઓ અને લીલોતરી પ્રદાન કરનારા મહારાજાનો જન્મદિવસ છે…..*
સર સયાજીરાવ ગાયકવાડે બેન્ડ સ્ટેન્ડ સાથે તે સમયના કમાટીબાગનું સન 1879ની આઠમી જાન્યુઆરીના રોજ લોકાર્પણ કર્યું હતું. બેન્ડસ્ટેન્ડ સાથે અવર્ણનીય ચિત્રો સાથે મ્યુઝિયમ અને ઇટાલિયન ફેલિચીના અદભૂત સ્થાપત્યો ભેટ આપ્યા. સયાજીબાગની મહાનતા લખવામાં દશ આર્ટિકલ ઓછા પડે એવા ગાર્ડન આર્ટને પ્રોત્સાહન આપનારા સર સયાજીરાવને વંદન…
લેખન અને સંપાદન
Deval Shastri🌹