સર્વ રોગ હરનારી ગળોનું આયુર્વેદિક મહત્વ સમજાવીને ભાજપના બોપલ ઘુમા મંડલ દ્વારા ગળોના રોપાઓ આપવામાં આવ્યા
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :
આયુર્વેદના જાણકારો જેને સર્વ રોગ હરનારી તરીકે ઓળખાવે છે તે વનસ્પતિ એટલે ગળો. અમદાવાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી બોપલ ઘુમા મંડલ દ્વારા સોમવારે સાઉથ બોપલના સોસાયટી વિસ્તારમાં ગળોના ૫૦૦ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. વૃશાલી દાતાર દ્વારા લોકોને ગળોનું મહત્વ સમજાવીને લીમડાના ઝાડ પાસે ગળો રોપવા માટે સુચન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાજપના દર્શન પટેલ, દિનેશ પાવરા, જીજ્ઞેશ પટેલ, પ્રજ્ઞેશ પટેલ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બોપલના વૃશાલી દાતારે જણાવ્યુ હતુ કે, ગળોને કળીયુગની સંજીવની કહેવામાં આવે છે અને ગળોને ઉત્તમ જડીબુટ્ટી માનવામાં છે. ગળોએ સહેલાઇથી મળી આવતી અખૂટ સંપતિ છે. અતિ મહત્વની ગણાતી ઔષધિ ગળો સર્વ રોગોમાં ઘણી ઉપયોગી છે. ગળોનો વેલો થાય છે.તેના વેલા બીજાં મોટાં ઝાડ અને ખેતરોની વાડ ઉપર ચઢે છે. ગળો વર્ષાયુ છોડ છે અને તેના વેલાનો ટુકડો કાપીને વરસાદના સમયે રોપવાથી ઉગી જાય છે. સાઉથ બોપલના સોસાયટી વિસ્તારના લોકોને ૫૦૦ ગળોના રોપાઓ આપીને લીમડાના ઝાડ પાસે ગળો રોપવા માટે સુચન કરવામાં આવ્યુ છે.