નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર : મતદાન કરવા સૌ બન્યા છે તત્પર

નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો કરશે
મતાધિકારનો આદર : મતદાન કરવા સૌ બન્યા છે તત્પર

મૂકબધિરને સંભળાય છે લોકશાહીનો સાદ અને પ્રજ્ઞાચક્ષુને
સૂઝે છે મતદાન મથકનો રાહ

પાંચથી છ વર્ષની નાની વયે જ દ્રષ્ટિ ગુમાવનાર અને મતદાનની પવિત્ર ફરજથી ક્યારેય અળગા ન રહેનાર બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિર્ટીના મદદનીશ પ્રો. રિધ્ધીબેન સોની કહે છે કે, રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે
મતદાન કરવું ખૂબ જ આવશ્યક છે

તનથી અશકત પણ મનથી સશકત લોકશાહીના સૈનિકો મતદાન કરીને
વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પબધ્ધ

રાજપીપલા,તા 25

નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો પણ આ વખતે મતદાન કરવા તત્પર બન્યા છે.નર્મદા જિલ્લાનાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ સહિતનાં દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ કદાચ ઓછું હશે, પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતૂટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે, સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો-અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ઘગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને ટેકણ લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગ થતી બચાવે છે. આમ, તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીનાં આ સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પબધ્ધ છે.

અમદાવાદના રહીશ અને હાલ રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિર્વસિર્ટીમાં મદદનીશ પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા સુશ્રી રિધ્ધીબેન જ્યેશભાઇ સોનીને માત્ર ૫ થી ૬ વર્ષની નાની વયે જ કેન્સર થતાં જ તેમને બંન્ને આંખો ગુમાવવી પડી. પરંતુ તેમનું મનોબળ ખૂબ જ મજબૂત છે તેઓ કહે છે કે, દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પણ મતદાનની પવિત્ર ફરજથી હું ક્યારેય અળગી રહી નથી. રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે મતદાન કરવું ખૂબ જ આવશ્યક હોવાની સાથે તમામને મતદાન કરવાનો તેમણે પ્રેરક સંદેશ આપ્યો છે.

મૂળ રાજસ્થાન રાજ્યના વતની પરતું હાલ છેલ્લા ૧૫ વર્ષથી વાંદરીયા ગામમાં આવેલ શ્રી વશિષ્ટ આશ્રમમાં રહેતાં અને સન્યાશી જીવન વિતાવી રહેલાં ૫૦ વર્ષીય સંત બાવાજી ધર્માનંદ આત્માનંદજી કહે છે કે, હું જન્મથી જ એક પગે દિવ્યાંગ છું. પરંતુ લોકશાહીને મજબૂત કરવા માટે મેં દર વખતની ચૂંટણીમાં મતદાન કર્યું છે અને મતદાન કરવું તે આપણી ફરજ પણ છે. તેની સાથોસાથ તેમણે નાગરિક બંધુઓને અવશ્ય મતદાન કરવાની હિમાયત કરી છે.

કલીમકવાણા ગામના જન્મથી જ મૂકબધિર એવા સંજયભાઇ વેચાભાઈ તડવીએ તેમનો અંગૂઠો અને ઠપ્પો મારવાની નિશાની દર્શાવીને આગામી ચૂંટણીમાં મતદાન કરવાની તત્પરતા અને ઉત્સાહ દર્શાવે છે. પોતે મૂકબધિર હોવા છતાં મતાધિકાર મળવાની સાથે જ પ્રારંભથી આજદિન સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે, ત્યારે તેમની સાંકેતિક ભાષામાં પોતાના અન્ય મૂકબધિર સાથીઓ અને પ્રત્યેક મતદારને તેમની સાઈન લેગ્વેંજ થકી અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો છે.

ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામના દિવ્યાંગ ધર્મેશભાઈ રજનીકાંતભાઈ તડવી પોતાનો પ્રેરક સંદેશ આપતા કહે છે કે, લોકશાહીના મહાપર્વમાં સહુએ મતદાન કરવું જોઈએ. હું દિવ્યાંગ હોવા છતાં, દર વખતની ચૂંટણીમાં મતદાન કરવા જાઉ છુ. તા. ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ યોજાનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની સાથે સૌ કોઇને મતદાનમાં ભાગ લેવાની તેમણે હિમાયત કરી છે. તેવી જ રીતે, મકવાણા ફળિયાના રહીશ સુશ્રી પુષ્પાબેન કિરણભાઈ તડવીએ કહ્યું હતું કે, હું જન્મથી જ જમણા પગે દિવ્યાંગ છું. પરંતુ હું જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદાન કરવાનું ચૂકતી નથી. મતદાનના દિવસે મતદાન કરવાનું ચૂકશો નહિં તેવો પ્રેરક સંદેશો તેમણે પ્રત્યેક મતદારને આપ્યો છે.

સાંજરોલી ગામના દિવ્યાંગ સુશ્રી રંજનબેન જગદીશભાઈ તડવી જન્મથી જ ડાબા પગે દિવ્યાંગ હોવા છતાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદાન કરવા અવશ્ય તેઓ જાય છે અને તેમણે દરેક ભાઈઓ-બહેનોને કરેલી અપીલમાં આગામી તા. ૨૮ મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સામાન્ય ચૂંટણીઓનાં મતદાનમાં અવશ્ય ભાગ લઇને એક નાગરિક તરીકે સૌ મતદારોને નૈતિક ફરજ અદા કરવાનો સંદેશો આપ્યો છે.

જુનવદ ગામનાં નિશાળ ફળીયાના રહીશ અશ્વિનભાઈ મણીલાલભાઈ તડવી કહે છે કે, હું જન્મથી જ બંને પગે દિવ્યાંગ હોવા છતાં એકપણ વાર એવું નથી બન્યું કે તેઓ મતદાનથી વંચિત રહ્યા હોય. લોકશાહીના આ મહાપર્વમા પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અને બીજાઓને પણ મતદાન કરાવજો તેવી લાગણી સાથે મતદારોને અપીલ કરી હતી. તેવી જ રીતે નાંદોદ તાલુકાના જીતનગર ગામના જુના ફળિયાના રહેવાસી સુશ્રી જ્યોત્સનાબેન સૂકાભાઈ વસાવાને જમણા પગે દિવ્યાંગતા હોવા છતાં દર વખતની ચૂંટણીઓમાં મતદાન કરવા જાય છે. તેઓ કહે છે કે, અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને આગામી તા.૨૮ મીની ચૂંટણીમાં પણ અવશ્ય મતદાન કરશે જ તેવા દ્રઢ નિર્ધાર સાથે આપણને સૌને પણ મતદાન માટેની પ્રેરણા આપી રહ્યાં છે.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા