ગુજરાતમાં ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો નથી. ? – દિલીપસિંહ ક્ષત્રિય.

ગુજરાતમાં જયારે જયારે કોઈ પણ ચૂંટણી આવે એટલે પક્ષ પલ્ટાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠે આપણે રાજ્યસભાની ચૂંટણી વખતે જોયું, પેટા ચૂંટણી યોજાઈ એનું કારણ પણ પક્ષ પલટો હતો અને પેટા ચૂંટણી વખતે પણ પક્ષ પલટો કરી ને જતા કોંગ્રેસીઓ ને જોયા, ગુજરાતમાં વર્ષોથી બેજ પક્ષ છે છતાં આવાગમનની ટકાવારી કાઢીએ તો મોટા ભાગના કોંગ્રેસીઓ જ સમય જતા કેસરિયો ધારણ કરી લે છે, કોંગ્રેસીઓની કેસરિયા કરવાની ટકાવારી ભાજપીઓનો પંજાને સાથ આપવાની ટકાવારી કરતા ઊંચું છે. હાલ આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોરશોરમાં ચાલી રહી છે અને આજ ચૂંટણીઓ માં ફરી એક પક્ષ છોડી ને બીજા પક્ષનો ખેસ પહેરવાની હોડ લાગી ગઈ છે, એમાંય કોંગ્રેસીઓ તો જાણે કેસરિયા કરવા તલપાપડ જ હોય એવું લાગી રહયું છે. આખી સ્થિતિ જોતા એક વાત સ્પષ્ટ દેખાઈ આવે કે હવે ભાજપના નેતાઓને પોતાના જ નેતાઓ પર વિશ્વાસ નથી રહ્યો, જે રીતે કોંગ્રેસ માંથી આવેલા નેતાઓ ને ભાજપ માં રાતો રાત ટિકિટ અપાઈ રહી છે એ જોતા તો એવું લાગે છે એ દિવસો દૂર નથી કે જયારે ભાજપ નું સંપૂર્ણ કોંગ્રેસી કરણ થઇ ગયું હશે, નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ વ્યવસ્થા પર પૂર્ણ વિરામ મુકવાની વાત તો કહી પણ અમલ જોઈએ તો નહિવત છે, ઘણી જગ્યા એ રાતો રાત કોંગ્રેસ છોડી ને આવેલા ને ભાજપે ટિકિટ આપી દીધી છે.

હા એ વાત અલગ છે કે ગુજરાતમાં પક્ષ પલ્ટાનું રાજકારણ લાવવાનો શ્રેય ભાજપને નથી જતો,ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ ચીમનભાઈ પટેલ આવ્યા ત્યારથી શરૂ થયું. એ પહેલાં ગુજરાતના રાજકારણમાં કેટલાક અંશે નૈતિકતા હતી. ચીમનભાઈના આવ્યા પછી ગુજરાતમાં તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ અને પછી એ વધુ તીવ્ર બનતી દેખાઈ.એમાંય શંકરસિંહ વાઘેલાએ આ તડજોડની રાજનીતિ ને ચરમસીમા પર પહોંચાડી.

નરેન્દ્રમોદી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા એ દરમિયાન ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ એટલું દેખાતું નથી પણ તેઓ કેન્દ્રમાં ગયા એ પછી તેમણે પણ એ જ મૉડલ અપનાવ્યું છે.હાલની સ્થિતિ એવું કહે છે કે જે રણનીતિ સાથે ભાજપ ચૂંટણીમાં ઊતરે છે એ જોતાં લાગે છે કે આ જીત માટે નહીં પણ વિપક્ષને ખતમ કરી નાખવા માટેની યોજના છે.ગુજરાતના રાજકારણમાં છેલ્લાં દસ વર્ષથી પક્ષપલટાની પ્રોસેસ ચાલે છે. ભાજપનું ઘોષિત સૂત્ર જ છે કે કૉંગ્રેસ મુક્ત ભારત,મહત્વનું છે કે કૉંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર નરેન્દ્ર મોદીએ 2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે આપ્યું હતું.કૉંગ્રેસ મુક્ત ભારતના આ આહ્વાન પછી 2014 અને 2019 એમ બન્ને લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત હાંસલ થયો.

ભાજપ છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે બીજા પક્ષના નેતાઓ ને પોતાના પક્ષમાં આવકારે છે ખાસ કરી ને હાલ મિશન બંગાળ માં જે રીતે પાર્ટી પ્રવેશ થઇ રહયો છે એ જોતા તો એવું લાગે છે કે આ વિરોધ પક્ષને ખતમ કરવાનું એક મૉડલ છે, જેથી વિરોધ પક્ષો એટલા નબળા થઈ જાય કે આવનારાં 15-20 વર્ષો સુધી ફરીથી ભાજપ સામે ઊભા ન થઈ શકે.2019 લોકસભાની ચૂંટણી બાદ આ જ યોજના ભાજપે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ અપનાવી હતી.ગુજરાતમાં 2001થી ભાજપનું શાસન છે. એ પછી મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મણિપુર, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં સરકાર બનાવી.

ભાજપની છાપ કૅડર બેઝ્ડ પાર્ટી તરીકેની છે.ભાજપનું જે પ્રણાલીગત મૉડલ હતું એ પ્રમાણે ભાજપ કૅડર બેઇઝ્ડ પક્ષ હતો અને જેમાં આરએસએસમાંથી આવતા સમર્થ લોકોને પક્ષમાં પદ આપવામાં આવતા હતા.પણ અમિત શાહે પક્ષ પ્રમુખની કમાન સાંભળી ત્યારે આ આખી વ્યાખ્યા જ બદલી નાખી, એમના સમયમાં પક્ષમાં વ્યવહાર દૃષ્ટિતાનું વલણ જોવા મળ્યું હતું .કેમકે શાહ ને કદાચ એવું લાગતું હતું કે જે જીતે એ નેતા પછી એ ગમે તે પક્ષ નો હોય,જીત મહત્વ ની છે,હાર ને કોઈ યાદ રાખતું નથી,એમ પણ વિજેતાઓ નો જ ઇતિહાસ લખાય છે.

આ સ્થિતિ થી ભાજપ ને હાલ ફાયદો થઇ રહ્યો છે પણ ભાજપ ના નેતાઓ ને ખ્યાલ નથી કે આ સ્થિતિ થી બીજા પ્રશ્નો એવા સર્જાશે કે ભાજપના કાર્યકરો ને એક સમયે લાગવા લાગશે કે એમના નેતાઓ તમામ લોકોને ટિકિટ આપી શકવાના નથી,ખાલી મહેનત કરવાનો કોઈ ફાયદો નથી,સરવાળે લાંબા ગાળે ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થઇ શકે,પાર્ટીની વિચારધારા આનાથી નબળી પડી શકે છે. કદાચ આજ કારણો ને લઇ ને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ટિકિટ ન આપી શકવા બદલ માફી પણ માંગી હતી.

ખેર,ભાજપ ના નેતાઓ ને હાલ આ સ્થિતિ ની ચિંતા થતી હોય એવું લાગતું પણ નથી,કે ભાજપ ના નેતાઓ આ બાજુ ચિંતન કરતા હોય એવું પણ દેખાતું નથી,એમને માટે તો હાલ જીતનો ફોર્મ્યુલા જ અમલ માં મુકવો એવો વણલખ્યો નિયમ બની ગયો છે,અને એ જીત માટે પક્ષ અને એની વિચારધારા મહત્વની નથી,નેતા ક્યાં પક્ષ માથી આવે છે,એનું બેકગ્રાઉન્ડ શું છે ? એની વિચારધારા શું છે એ ભાજપ માટે મહત્વ ના લાગતા નથી,એમને મન તો હાલ જીત અપાવે એટલે પત્યું,અને આ વિચાર ગુજરાતની લાંબા ગાળા ની જીતથી મૂર્તિમન્ત થયો છે,