નર્મદા જિલ્લામા આજદિન સુધી હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત કુલ-૯૬૪૯ ને કોરોના વિરોધી રસી અપાઇ

નર્મદા જિલ્લામા આજદિન સુધી હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત કુલ-૯૬૪૯ ને કોરોના વિરોધી રસી અપાઇ : જિલ્લાની સિધ્ધિ ૮૦ ટકા

મસૂરી ખાતેની મારી તાલીમ બાદ તા.૧૫ મી એ સોમવારે રાજપીપલામા હાજર થઇને મેં પ્રથમ કામ કોરોના વિરોધી કોવિડ વેક્સીન લેવાનું કર્યું છે
– જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ
—————
કોરોના વિરોધી રસી સુરક્ષિત હોઇ, કેન્દ્ર-રાજય સરકારે નક્કી કરેલ અગ્રતાક્રમ મુજબ તમામને કોરોના વિરોધી વેક્સીન લેવા જિલ્લા કલેક્ટર શાહનો
ભારપૂર્વક જાહેર અનુરોધ
—————

રાજપીપલા,તા 16
દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીન અન્વયે આજે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત અન્ય ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના વિરોધી આ રસી સુરક્ષિત હોઇ, કેન્દ્ર-રાજ્ય સરકારે નક્કી કરેલ અગ્રતાક્રમ મુજબ તમામને વેક્સીન લેવા શ્રી શાહે ભારપૂર્વક જાહેર અનુરોધ કર્યો છે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીમાં ભારત અને રાજ્ય સરકાર સતતપણે ચિંતીત છે.વેક્સીન બનાવવાની કામગીરી અને વેક્સીન આપવાની કામગીરીમાં શ્રેણીબધ્ધ રીતે આયોજન કરીને કેન્દ્ર-રાજ્ય સરકાર અગ્રેસર બનીને કામ કરી રહી છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઇ હતી, જેમાં ૮૨ ટકાથી વધુ કામગીરી થઇ છે. હાલ ચાલી રહેલાં બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં મહેસૂલી અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓનો સમાવેશ થાય છે, તેમા પણ ૮૦ ટકા જેટલી કામગીરી થઇ ગઇ છે અને આ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી શાહે વધુમાં જણાવ્યા મુજબ, ભારત અને રાજ્ય સરકારે જે અગ્રતાક્રમ નક્કી કરેલ છે તે ક્રમ પ્રમાણે તમામે વેક્સીન લેવી જોઇએ. જેથી કરીને પોતાની જાતને પણ સુરક્ષિત કરી શકીએ. તેની સાથોસાથ ફેમીલી અને આજુબાજુના લોકોના સંપર્કમાં આવે છે તેને પણ સુરક્ષા આપી શકીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, ફ્રન્ટ લાઇન વર્કર તરીકે મારે પણ તા.૧ લી ફેબ્રુઆરીના રોજ કોરોના વેક્સીન લેવી જોઇએ, પરંતુ ભારત સરકારના પ્રોગ્રામ અનવ્યે લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી એડમિનીસ્ટ્રેશન, મસૂરી ખાતે મારી ટ્રેંનીગ હતી જે પૂર્ણ કરીને આજે હાજર થઇને મેં પ્રથમ કામ કોવિડ વેક્સીન લેવાનું કર્યું છે. કોરોના વેક્સીન અચૂક લેવી જોઇએ. વેક્સીન પ્રત્યે કોઇપણ પ્રકારની મિસઇન્ફોર્મેશન હોય તો તેનાથી ખોટી રીતે દોરાવું ન જોઇએ. કોરોના વેક્સીન સુરક્ષિત છે, મેં પોતે પણ રસી લીધી છે તેમજ અગ્રાતાક્રમ પ્રમાણે જેનો જેનો વારો આવે તેને અવશ્ય કોવિડ-૧૯ વેક્સીન લેવાનો તેમણે જાહેર અનુરોધ કર્યો છે.

કોવિડ વેક્સીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશીયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાની કાળજી રાખવા જણાવ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે કોવિડ વેકસીન સંદર્ભે જિલ્લામાં થયેલી કામગીરી અંગે જિલ્લા આરોગ્યતંત્ર પાસેથી અદ્યતન જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામા આજદિન સુધી કુલ-૯૬૪૯ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કરોએ કોવિડ-૧૯ વેક્સીનનો લાભ લીધો છે. જિલ્લામા કોવિડ-૧૯ વેક્સીન અન્વયે ૮૦ ટકા જેટલી કામગીરી થઇ હોવાની પણ તેમણે જાણકારી આપી હતી.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત, ફીઝીશીયન ડૉ. જે.એલ.મેણાત વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

તસવીર: જ્યોતિ જગ તાપ, રાજપીપળા