પ્રિયતમને પામવા સજના હૈ મુજે સજના કે લિયેને સંસ્કૃત સાહિત્યમાં “નેપથ્યયોગ” કહ્યો છે. નાટ્યકલામાં નેપથ્ય શબ્દ પ્રચલિત છે. સજના માટે હેરસ્ટાઇલ સજવી જરૂરી છે.
વર્ષાઋતુમાં સ્ત્રીઓ વાળને ખૂલ્લા રાખી આકર્ષિત બનતી. કાલિદાસ મુજબ દુષ્યંતે શકુંતલાને ખુલ્લા વાળ સાથે જોઇ અને પ્રેમમાં પડ્યા, તો દશરથ પત્નીના ખુલ્લા વાળ જોઇ બાણ ચલાવવાનું ભૂલી ગયા હતાં, યે સિર્ફ અપને સાથ નહીં હોતા….
વાળ બાંધવાના પણ વર્ણનો છે. ખભા સુધી, પીઠ સુધી કે લૂઝ ચોટલો, કાલિદાસ તો આ સ્ટાઇલ પર દીવાના હતાં. તેમના સાહિત્યમાં હેર સ્ટાઇલ ખાસ ભાગ ભજવતી.
ખજૂરાહોમાં અનેક સ્થાપત્ય પર વાળ બાંધવાની વિવિધતા જોવા મળે છે. શરદ મિન્સ વેલેન્ટાઈનમાં વાળને માલતીના ફૂલોથી સજાવતી હતી, ફેશન તો ભારતીય સંસ્કૃતિની રગ રગમાં છે….
ચલો વેલેન્ટાઈન પર ફેશનનો તડકો કરીએ….
પ્રેમ અને પ્રેમની તૃપ્તતા જો માનવજાત ઇચ્છે તો પૂર્ણત્વ તરફ દોરી શકે છે. પૂછો ઓશોજીને…
માણસ દુનિયા ફરવા જાય પણ એકસમયે તો ઘર યાદ આવે. ઘરમાં પણ શું? ઘરનું ભોજન અને ઘરમાં શાંતિ માટે પોતાના માટે બનેલી પથારી, એટલે જાણે પોતાના બનાવેલા વિશ્વનો અંત….
ભારતીય સાહિત્યએ જેટલી પ્રેમની વાતો કરી છે એટલી જ મનભરીને બેડરૂમ ટૉક લખી છે. બેડરૂમમાં શું હોવું જોઈએ એની તો વિસ્તૃત ચર્ચા લખી છે. પથારીની પાસે પુષ્પો, હળવો અગ્નિ (દીવો), સુવાસ ફેલાવતું દ્રવ્ય અને હા, પ્રેમીજનોઓ માટે ખાસ….પાનની પેટી.
મહેમાનો માટે મંદિર જેવા રુમ હોવા જોઈએ તો યુવા પ્રેમી દંપતિ માટે સિઝન મુજબ પુષ્પોનો ઉપયોગ સાથે અનેરું એકાંત… માથું દુખતું હોય તો એકાંત મળે એવો બેડરૂમ અને પ્રેમની, સોરી વાસનાની આગ હોય તો ઠંડક હોય તેવો રૂમ…
વસંતિયાના વાયરા હોય કે વેલેન્ટાઈનની મજાની વાત કરતાં કરતાં આપણે તો સીધી શયનની જ વાત કરવા લાગ્યા….આપણા રચનાકારોએ આડીઅવળી વાતો વિના કામને મોક્ષ સાથે બેસાડ્યો છે. મનુષ્ય જીવનની આ મહત્વની જરૂરિયાત પર સીધી અને સાચી વાત લખી છે, સેક્સ એજ્યુકેશન આપવું કે નહીં ની એકવીસમી સદીની ચર્ચા કર્યા વિના સીધું જ સમજાવી દીધું કે પ્રસન્ન જીવન માટે બેડ અને બેડરૂમ કેવો હોવો જોઈએ, તેમાં કઇ વસ્તુ જરુરી છે….
જેમ ભોજનથી શ્વસનની પ્રક્રિયા જીવન માટે અગત્યની છે, એ જ રીતે જીવનમાં શયન પણ અગત્યનું છે. શયન માટે સાદી જરૂરિયાત નથી પણ ખાસ વીઆઈપી જરૂરિયાત હોય છે…. નહીં તો જિંદગીની પથારી ફરી જાયને આપણે જોતાં રહી જઇએ……
આપણા ઓરિજિનલ મેથ્સ ટિચર વરાહમિહીરે તો કહ્યું છે કે, રાજ્યમાં નગર, નગરમાં ઘર અને ઘરમાં આનંદદાયક પથારીથી ઉત્તમ કોઈ સુખ નથી. આપણા સાહિત્ય મુજબ તો માણસની ઉંમર, આર્થિક પરિસ્થિતિ, જરૂરિયાત મુજબ પથારી, બેડ હોવો જોઈએ. કાલીદાસના કુમાર સંભવમા સફેદ ચાદરવાળા બેડની કલ્પના લખવામાં આવી છે. ઋતુસંહારમા તો દરેક સિઝન મુજબ બેડ હોવો જોઈએ. ગરમીમાં ચંદનની સુવાસ હોય, તો ઘરની અગાસીમાં ચંદ્ર શીતલતા ફેલાવતો હોય. પુષ્પ શૈયા તો કોમન હતી. પુષ્પ સૈયા પણ સિઝનલ પુષ્પો મુજબ હોય. આ પુષ્પોની કિંમત વધતાં આધુનિક યુગમાં સુહાગરાત અને મૃત્યુશૈયા જ ફૂલશૈયા બની.
એ યુગમાં ફૂલ કે પુષ્પપર્ણોનો બેડ બનાવી આનંદ માણવો એટલે અંતરના આનંદને કુદરત સાથે જોડવો…..
પથારી પણ માનવીની ખાસ મિત્ર છે. સુખ દુઃખ, મિલન, તડપ, અય્યાસી, ભોગ, સન્યસ્તમૂડ…. બધા માટે અલગ અલગ શયન વ્યવસ્થા લખવામાં આવી છે. સેક્સ માટે ફૂલશય્યા, સેક્સમાં પાગલ માટે કમલશય્યા, વૈભવી શયન માટે મહાર્હશયન, બાળક જેવા નાજુક માટે નવપલ્લવ શયન, ઉપવાસી માટે કુશશયન, સાધુ માટે મુસલ શયન….તો મૃતદેહ માટે ચંદનૈધસચિતા શય્યા…..
આ બધી શય્યામાં પ્રિયતમોની સય્યા, બેડ સૌથી મધુર.. જેમાં નૃત્ય, ગીત, રસભોજન, સંગીત વાદ્ય તથા જે પ્રેમમા મદદરૂપ થાય એ બધી કળાઓ ભેગી થઈ ને જે રચના કરે તે સર્વોત્તમ….પુરુષ અને સ્ત્રીની અપૂર્ણતાથી પૂર્ણત્વ તરફ, દ્વૈતથી અદ્વૈત તરફ કે એકત્વથી બહુત્વ માટે જે શય્યા અને શયનની સજાવટ કરવામાં આવી છે તે માનવજાતની અદ્ભુત કલા છે.
Deval Shastri 🌹