નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા
નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ સહિત જિલ્લાના અધિકારીઓ,કર્મચારીઓ તેમજ જિલ્લાના પોલીસકર્મીઓએ કોરોના ક્સીનેશનનો લીધો લાભ
રાજપીપલા,તા 1
દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કરનું પ્રથમ તબક્કામાં રસીકરણ પૂર્ણ થયાબાદ ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના બીજા દિવસે નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, જનસંપર્ક અધિકારી એચ.કે.ગઢવી સહિત જિલ્લાના અધિકારી,કર્મચારીઓ તેમજ પોલીસકર્મીઓએ આજે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લઇને અનુકરણીય પહેલ કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લાના તિલકવાડા,સાગબારા તાલુકા આરોગ્ય કેન્દ્ર તેમજ દેડીયાપાડા, ગરૂડેશ્વર-સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ગરૂડેશ્વર સરદાર હોલ એસઆરપી ગૃપ ખાતેથી આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયાં છે.
નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૭૦૦ જેટલાં લાભાર્થીઓને વેક્શીનેશન આપવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. જિલ્લામાં ગઇકાલથી ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કોવિડ-૧૯ વેક્સીનેશન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ૪૪૮ જેટલાં પોલીસકર્મીઓએ રસીનો લાભ લીધો છે. આજે મે પણ કોવિડ-૧૯ ની રસી લીધી છે. વેક્સીનેશનની પ્રક્રિયા વાતોવાતોમાં ક્યારે પૂર્ણ થઇ ગઇ તે ખબર ના પડી. જિલ્લાના અધિકારીશ,કર્મચારી સહિત જિલ્લાના પ્રજાજનોને અપીલ કરતાં કહ્યું કે, જ્યારે પણ આપનો વારો આવે ત્યારે અવશ્ય રસી લેજો, ગભરાવાની કોઇ જરૂર નથી. કોવિડ-૧૯ વેક્શીનેશન બહું મોટું પ્રોટેક્શન છે તેમજ બીજા લોકોને જ્યારે આપણે મળીએ ત્યારે આપણા થકી તેમને કોરોના થવાની શક્યતા નિર્મૂળ થઇ જાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના ઘણા વિકસીત દેશો છે કે, તેમના સુધી કોવિડ-૧૯ ની રસી નથી પહોંચી. આપણે સદનસીબ છીએ કે આપણે ભારતીય છીએ અને આપણા સુધી રસી પહોંચી છે, આ તક ઝડપી લેવા અને વેક્શીનેશન બાદ પણ કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાંની વ્યાસે જાહેર અપીલ કરી છે.
જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, કોરોના વેક્શીનની રસી મે પણ લીધી છે. આ વેક્શીન સંપૂર્ણપણે સેફ છે. જેનાથી કોઇપણ પ્રકારની તકલીફ થતી નથી તેમજ દરેકને રસી લેવી જોઇએ. તેની સાથોસાથ જનસંપર્ક અધિકારી એચ.કે.ગઢવીએ પણ જણાવ્યું હતું કે, કોરોના વેક્શીનની રસી લીધાબાદ મને કોઇપણ પ્રકારની આડઅસર કે તેને લગતી કોઇ પણ બાબત મારી સાથે બની નથી. તમામ અધિકારી,કર્મચારીએ સહિત સંબંધકર્તા તમામે તેમનો ક્રમ આવ્યેથી રસી લેવી જોઇએ અને કોવિડ વેક્શીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાંની કાળજી રાખવા જણાવ્યું હતું.
કોવિડ-૧૯ હોસ્પિટના સ્ટાફનર્સ સુશ્રી વૈભવીબેન પંચોલી દ્વારા કોવિડ-૧૯ ની રસી લેવા આવી રહેલ લાભાર્થીઓને સમજૂત કરતાં જણાવ્યું હતુ કે, તમોને કોવિડ-૧૯ ની રસી આપવામાં આવી છે, કોઇપણ પ્રતિકૂળ ઘટના બને તો નજીકના આશા, આરોગ્ય કાર્યકર અથવા મેડિકલ ઓફિસરનો સંપર્ક સાધવા, કોવિડ-૧૯ રસીના બીજા ડોઝની તારીખ અને સમય વિશે જાણકારી એસએમએસ દ્વારા રજીસ્ટર મોબાઇલ નંબર પર આવશે. તેમજ રસીકરણ પછી પણ કોવિડ અનુરૂપ વ્યવહારોને અનુસરવાનું ચાલુ રાખવા અંગેનું પણ તેમણે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા