વિધવાએ 5 દાયકાની લડત બાદ 43 વિઘા જમીન માટેનો જંગ જીત્યો
જમીનને લઈને ગમે એટલા કાયદાનું મસમોટું એલાન કરવામાં આવે પણ અમલીકરણ સામે કાયમી એક સવાલ ઊભો રહે છે. આવી જ એક ઘટના બની છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાંથી. જ્યાં આશરે પાંચ દાયકા સુધી પોતાના હકની લડાઈ લડ્યા બાદ એક વિધવા મહિલાએ જમીનનો જંગ જીત્યો છે. નડિયાદમાં એક 73 વર્ષની મહિલાના પતિના અવસાન બાદ વિધવાના ભાગે આવતી 43 વિઘા જમીન એના ભાઈઓએ પચાવી પાડી હતી. જે મેળવવા માટે વિધવાએ પાંચ દાયકા સુધી સરકારી કચેરીના ધક્કા ખાધા અને સંઘર્ષ કર્યો.
50 વર્ષ બાદ આ મહિલાને એના ભાગની જમીન મળી. પુરાવાઓ એકઠા કરવામાં મહિલાની જિંદગીનો ખાસ્સો એવો સમય પસાર થઈ ગયો. આ ઉપરાંત મહિલાએ બનાવટી દસ્તાવેજના ડૉક્યુમેન્ટ પણ તંત્ર સામે મૂકયા હતા. એક લાંબી લડાઈ બાદ મહિલાની મહેનત રંગ લાવી છે. છેત્તરપિંડીના પુરાવા પ્રાપ્ત કરવામાં ભલભલાની ધીરજ ધ્રુજી જાય. પણ આ મહિલાએ પોતાના હક માટે કરેલા સંઘર્ષને દાદ દેવી પડે. સમગ્ર હકીકત છતી થયા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. લીલાબેનની ઉંમર હાલ 73 વર્ષની છે. જેના લગ્ન વર્ષ 1967માં ખેડા તાલુકાના અરેરા ગામે રહેતા સંપતસિંહ મહિધા સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિ સંપતસિંહનું બીમારીના કારણે મૃત્યું થતા લીલાબેન એકલા પડી ગયા હતા. પછી તેઓ પોતાના પિયર ચાલ્યા ગયા. વિધવા તરીકેનું જીવન પસાર કરતા હતા ત્યારે વર્ષ 1968માં એક એવી જાણ થઈ કે, સાસરામાં પતિની એક પૈતૃક જમીન અરેરામાં પડી છે. સમાજમાં વિધવાના પુનઃવિવાહની રીત ન હોવાથી લાંબો સમય એકલતામાં પસાર કર્યો. પતિના મૃત્યુ બાદ આ જમીન એની પત્નીને મળવા પાત્ર છે. આ વિષય પર જ્યારે લીલાબેને પોતાના દીયર મહિપતસિંહને પૂછ્યું તો મહિલાને ગોળગોળ જવાબ આપીને મુદ્દો ટાળ્યો હતો. આ પછી મહિલાની આશંકા વધુ પ્રબળ બની ગઈ.
પછી લીલાબેને આ પ્લોટ અંગે પૂછપરછ કરવાનું શરૂ કરી દીધું. પ્લોટનું કદ અને ચોક્કસ લોકેશન અંગે પુરાવા શોધવાનું શરૂ કરી દીધું. સરકારી કચેરીના ધક્કા ખાઈને આ પ્લોટ અંગે વિગત ભેગી કરી. બીજી તરફ મહિપતસિંહના પરિવારમાંથી અન્ય સભ્યો પણ જમીનના વારસદાર બાળકો વિના અવસાન પામ્યા. ચાર દાયકા બાદ મામલતદાર કચેરીમાંથી લીલાને અંતે એ તમામ દસ્તાવેજ મળ્યા. જેમાં એવું દર્શાવ્યું હતું કે, પતિના ભાગની 43 વિઘા જમીનનો માલિક એનો દીયર હતો. જ્યારે આ વાત જાણવા મળી ત્યારે મહિલાને પણ આંચકો લાગ્યો. પછી આ જમીન દીયરના નામે કેવી રીતે થઈ એ અંગે તપાસ શરૂ કરી. પછી જાણવા મળ્યું હતું કે, દીયરે જમીન અંગેના બનાવટી દસ્તાવેજ અને પ્રમાણપત્રો તૈયાર કરીને જમીન પડાવી લીધી હતી. વારસાના ખોટા પ્રમાણપત્રમાં લીલાબેન કે પતિનું નામ ન હતું. પતિના મોત અંગે કોઈ જાણ કરવામાં પણ આવી ન હતી. મહિલાએ કહ્યું કે, ખેડા ક્લેક્ટરની ટીમ આ અંગેની કોઈ તપાસ કરે એ પહેલા આ બનાવટી દસ્તાવેજ તૈયાર થયા હતા. તા.18 ડિસેમ્બર 2020ના રોજ સમગ્ર કેસની કાયદેસરની તપાસ શરૂ થઈ. જમીન પચાવી પાડવા માટે મહિપતસિંહે છેત્તરપિંડી કરી હોવાનું ખૂલ્યું. નડિયાદ ગ્રામ્ય પોલીસે મહિલાની અરજીના આધારે મહિપતસિંહ સામે કાયદેસરનો ગુનો નોંધીને પગલાં લેવામાં આવ્યા. પછી લીલાબેનને આ જમીનની માલિકી અપાવવા માટે પગલાં લેવાના શરૂ થયા. અંતે પાંચ દાયકાના અંતે પત્નીને પોતાના ભાગની જમીન મળી.