તારીખ:23 જાન્યુઆરી 2021,શનિવારના રોજ,બપોરે 2-00 કલાકે,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન ઘ્વારા જાણીતા કવિશ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ’છબી અવાજની’ના વિમોચન નિમિત્તે માત્ર આમંત્રિત ભાવકો-કવિઓની ઉપસ્થિતિમાં કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાવ્યસંગ્રહ’છબી અવાજની’નું વિમોચન જાણીતા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના વરદહસ્તે કરવામાં આવ્યું.કાર્યક્રમમાં કવિશ્રી પ્રફુલ્લ રાવલે કાવ્યસંગ્રહને આવકાર આપીને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.કવિશ્રી જયંત ડાંગોદરાએ કાવ્યસંગ્રહ વિશે તેમજ પોતાની સર્જનયાત્રા વિશે વિગતે વાત કરી.કવિસંમેલનમાં કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ,શ્રી પ્રફુલ્લ રાવલ,શ્રી જયંત ડાંગોદરા,શ્રી જાતુષ જોશી,શ્રી અનિલ ચાવડા,શ્રી તેજસ દવે,શ્રી ચેતન શુક્લ ઉપસ્થિત રહ્યાં.કાર્યક્રમનું સંચાલન કવિશ્રી તેજસ દવેએ અને આભારવિધિ ઓમ કોમ્યુનિકેશનના કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું હતું.કાર્યક્રમને માણવા કવિશ્રી ભાવિન ગોપાણી,કૃણાલ શાહ,ઈંગિત મોદી,વિરલ દેસાઈ,લવ સિંહા,રાહુલ બી.શ્રીમાળી,રાગિણીબેન,યોગેશ ભટ્ટ તેમજ કવિશ્રી જયંત ડાંગોદરાના પત્ની કવિતા ડાંગોદરા અને દીકરીઓ શ્લોકા ડાંગોદરા અને હિમાની ડાંગોદરા ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ 27 જાન્યુઆરી,બુધવારના રોજ ,સાંજે 7-00 વાગે યુટુબમાં સાહિત્ય વિમર્શ ચેનલ અને ઓમ કોમ્યુનિકેશનના ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવશે.
કવિસંમેલનમાં ઉપસ્થિત કવિઓએ કાવ્યસંગ્રહ’છબી અવાજની’ની એક કવિતા અને બીજી સ્વરચિત કવિતાનો પાઠ કર્યો હતો.
(1) હર્ષ બ્રહ્મભટ્ટ :
*કાવ્યસંગ્રહની કવિતા :
ભાડાપટે ઉજાગરાઓ આપવાનું બંધ કર,
થાકી ગયેલી રાતને રંજાડવાનું બંધ કર.
*સ્વરચિત કવિતા :
એની આંખોથી જ્યારે આદર વરસે,
એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે.
(2) પ્રફુલ્લ રાવલ :
*કાવ્યસંગ્રહની કવિતા :
અવકાશ જેવો હું
ભળી જાઉં છું તારા આવાસમાં
હવે તું જ કહે
તને શોધું તો ક્યાં શોધું?
*સ્વરચિત કવિતા :
ભલે,આજે નહીં તો કાલે,
સંવાદની શક્યતા તો ખોલ
કંઈક તો બોલ;
(3) જયંત ડાંગોદરા :
*કાવ્યસંગ્રહની કવિતા :
ના કશું એમાં પછી ઉમેરવાનું હોય છે,
શૂન્યને એવી રકમથી છેદવાનું હોય છે.
(4) જાતુષ જોશી :
*કાવ્યસંગ્રહની કવિતા :
જૂના ઘરમાં પ્રવેશવાનું રહેવા દેજે,
નેવાનાં જળ ઉલેચવાનું રહેવા દેજે.
*સ્વરચિત કવિતા :
પીઢ ને ડાહી બધીય વાત ખોટી છે…. મન ઉપરતો બાળપણની ધૂળ ચોંટી છે.
(5) તેજસ દવે :
*કાવ્યસંગ્રહની કવિતા :
ઉછીની સુગંધો લઈને ફરે છે,
હવા તોય કેવી બડાઈ કરે છે.
*સ્વરચિત કવિતા :
તમને છાંયો આપીને પછી ધોમધોમ તડકામાં તોય અમે પાડી ના રાડ,
અમે માળો બાંધ્યો ને પછી એવું થયું કે તમે સોદામાં માંગ્યું’તું ઝાડ.
(6) અનિલ ચાવડા :
*કાવ્યસંગ્રહની કવિતા :
વધુમાં વધુ એક ખ્વાબ માંગે છે,
આટલામાં હિસાબ માંગે છે.
*સ્વરચિત કવિતા :
જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે,
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.
(7) ચેતન શુકલ :
*કાવ્યસંગ્રહની કવિતા :
વર્તુળ માર્ગ સાથે લગાવ લઇ ગયો છે,
હોડીનો એક હિસ્સો તળાવ થઈ ગયો છે.
*સ્વરચિત કવિતા :
ઘણી માટી અમે એક ઈંટ ખાતર કેળવેલી છે,
તમે એક ભીંતની અંદર ઘણી ભીંતો ચણેલી છે.