*શાકભાજીના ભાવો તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની*

રાજ્યમાં શાકભાજીના ભાવોમાં ઘરખમ ઘટાડો થયો છે. શાકભાજીના ભાવો એકાએક તળિયે બેસી જતાં ખેડૂતોને સારી આવકની આશા પર પાણી ફરી વળ્યું છે. જથ્થાબંધ બજારોમાં શાકભાજી વેચવા પહોંચેલા ખેડૂતોને કિલોએ માંડ માંડ બે રૂપિયા મળે છે. જેથી પડતર કિંમત પણ નીકળતી નથી.
રાજ્યમાં શાકભાજીના ભાવો એકાએક ઘટી ગયા છે. થોડા દિવસો પહેલા છૂટક બજારમાં 80થી 100 રૂપિયે કિલો મળતું શાક આજે 30થી 40 રૂપિયે કિલો મળી રહ્યું છે. સામાન્ય લોકોને ભલે શાક સસ્તુ મળતું હોય. પરંતુ બજારમાં આસાનીથી મળતાં શાકભાજી પકવવાની મહામહેનત કરતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. અમદાવાદના માર્કેટ યાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચવા આવી રહ્યાં છે. પરંતુ એવી સ્થિતિ છે કે કિલોએ માંડ બે રૂપિયા મળતાં પડતર કિંમત પણ નીકળતી નથી. ખેડૂતોને ઘરના પૈસા જોડવાનો વારો આવ્યો છે.