મ્યુનિસિપલ કમિશનરશ્રીનું સર્વ સમાવેશક ડ્રાફ્ટ બજેટ: મેયરશ્રી રીટાબેન પટેલ

નવા સમાવાયેલા વિસ્તાર સહિત મહાનગર પાલિકા વિસ્તાર માટે માળખાકીય સુવિધાના આયોજન બજેટમાં કરાયા છે: રીટાબેન પટેલ
ગામડાઓમાં મહાનગર પાલિકા દ્વારા હાલમાં કોઇ પ્રકારે નવો ટેક્સ લાગુ કરવામાં આવ્યો નથી: ગ્રામ પંચાયતની વેરા પદ્ધતિ જ હાલ અમલમાં છે: મેયરશ્રી

ગાંધીનગર:
મ્યુનિસિપલ કમિશનરશ્રી રતનકંવર ચારણગઢવી દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવેલા વર્ષ 2021-22ના ડ્રાફ્ટ બજેટને મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા સર્વ સમાવેશક કહેવામાં આવ્યુ હતું. મેયરશ્રીએ જણાવ્યું કે સરકારે મહાનગર પાલિકાનું હદ વિસ્તરણ કર્યાના પગલે શહેર વિસ્તારમાં ભળેલા 18 ગામ, પેથાપુર શહેર અને 7 ટીપી વિસ્તાર સહિત સમગ્ર મહાનગર પાલિકા વિસ્તારમાં ગાંધીનગર શહેરના જેવી તમામ માળખાકીય સુવિધાઓના આયોજનો કમિશનરશ્રી દ્વારા બજેટમાં સમાવવામાં આવ્યા છે. મેયરશ્રી રીટાબેન પટેલે આમ કહેતાં ઉમેર્યુ કે આટલા વર્ષો સુધી ગ્રામ્ય વિસ્તારને માળખાકીય સુવિધાઓના મુદ્દે જે સમસ્યાઓ વેઠવી પડી છે, તે તમામનો ઉકેલ બજેટમાં કમિશનરશ્રી દ્વારા અપાયો છે અને સેક્ટરો સહિત સમગ્ર મહાપાલિકા વિસ્તાર માટે લોક કલ્યાણ, માળખાકીય સુવિધા અને વિકાસના કામને ન્યાયીક અને જરૂરતના હિશાબે સમાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મહાનગર પાલિકા દ્વારા નવા ભળેલા વિસ્તારમાં કોઇ નવો ટેક્સ લાગુ કરવામાં આવ્યો નથી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા જે વેરા વસૂલવામાં આવતા હતાં, તે પદ્ધતિ જ હાલમાં યથાવત છે.
મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યું કે નવા વિસ્તારો માટે સ્વાભાવિક રીતે જ રસ્તા, સફાઇ, ઘન કચરાના નિકાલ, ગટર લાઇન, નર્મદાના પાણી, સ્ટ્રીટલાઇટ સહિત આયોજન કરવામાં આવ્યા છે, કેમ કે આ પૈકીના ઘણા વિસ્તારોમાં આવી સુવિધા ગાંધીનગર શહેર જેવી નથી. તેથી પરુતા પ્રમાણમાં રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, ફાયર ચોકી, જાહેર શૌચાલય, ટ્રાફિક આઇલેન્ડ સહિતના જાહેર સુવિધાની યોજનાઓ આપવામાં આવી છે. સેક્ટર વિસ્તારમાં ટ્રાફિકના વધેલા ભારણને લઇને રસ્તા પહોળા કરવા, નવા બાગ બગીચા અને હયાતના નવીનીકરણ, સેક્ટરોના એપ્રોચ રોડ ફોરલેન કરવા, શાળાઓના નવીનીકરણ, ગરીબ આવાસ યોજના, 24 કલાક પાણીની યોજના, આગામી દાયકાઓની સ્થિતિ નજર સામે રાખીને નવી ગટર વ્યવસ્થા સહિતના આયોજન બજેટમાં સમાવવામાં આવ્યા છે.