રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી.
જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના હસ્તે થનારૂં ધ્વજવંદન.
પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે યોજાયેલી બેઠક .
રાજપીપલા,તા. 21
નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્ય મથક ખાતે કરાશે. આ દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધુન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડ યોજાશે.
પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં ઉજવણીના સુચારા આયોજન માટે સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે હિમકરસિંહે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડી આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની પણ તેમણે ખાસ સુચના આપી હતી.
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ. એમ. ડિંડોર,નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યા મુજબ સદરહું ઉજવણી પ્રવર્તમાન કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવા વગેરે જેવા ધારાધોરણના પાલન સાથે મર્યાદિત આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાશે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા