રાજકોટ શહેરમાં આવીતકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં શહેરમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવા માટે કોંગ્રેસ નેતાઓ જ્યારે પોલીસ પાસે ગયા હતા ત્યારે મંજૂરી ન મળતા કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓ જિલ્લા પંચાયત પાસે ધરણા પર બેસી ગયા હતા. પોલીસે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા સહિતના મોટા નેતાઓ તથા અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આ તમામને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પણ કોંગ્રેસ નેતાઓ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા પર બેસી ગયા હતા. એટલું જ નહીં ભાજપની સામે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને પોલીસ વાન સુધી લઈ ગઈ હતી. આ અંગે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ખેડૂત સંમેલનને નિષ્ફળ બનાવવા માટે ભાજપ પોલીસના જોરે અટકાયત કરાવે છે. લોકશાહી દેશમાં સૌને વિરોધ કરવાનો પૂરો હક્ક છે. પોલીસે કોંગ્રેસના નેતાઓની ટિંગાટોળી કરીને અટકાયત કરી છે. એ સમયે કોંગ્રેસ નેતાઓએ નારેબાજી કરી હતી કે, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીં. આ ઉપરાંત હાય રે ભાજપ હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. તા.16મી જાન્યુઆરી એ પણ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીએ ખેડૂત સભા માટેની એક મંજૂરી પણ માગી હતી. તા.22 જાન્યુઆરીના રોજ રાજકોટમાં ખેડૂત સભાનું આયોજન હતું. પણ બે દિવસથી ખેડૂત આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ સાથે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન હોવા છતાં પણ ખેડૂતોને આયોજન કરવાની મનાઈ શા માટે?
જોકે, દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે દસમી વખત સરકાર સાથે તેમજ પદાધિકારીઓ સાથેની બેઠક અનિર્ણાયક રહી હતી. છેલ્લા 55 દિવસથી ખેડૂતો દિલ્હીની જુદી જુદી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. હાલમાં જુદા જુદા સંગઠનના ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. તેમાં તેઓ જુદા જુદા મુદ્દાઓ પર વિચારણા કરીને આગળ નિર્ણય જાહેર કરશે. જોકે, કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ક્યાં સુધી ખેડૂતો આ રીતે રસ્તાઓ પર બેસીને આંદોલન કરતા રહેશે. સાથે મળીને વચ્ચેનો રસ્તો શોધવો પડશે. ખેડૂતો પોતાની માગ પર અડગ રહ્યા છે. કેન્દ્ર સરકારે એક વર્ષ સુધી આ કાયદો સસ્પેન્ડ રાખવા માટે પણ તૈયારી દર્શાવી હતી. પણ ખેડૂતોએ આ પ્રસ્તાવ પણ ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે, આ કેસમાં પોલીસ નિર્ણય લઈ શકે છે. હવે જોવાનું એ છે કે, પોલીસ તરફથી શું પગલાં લેવામાં આવશે.