ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વેક્સિનેશનનો
આરંભ મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરની ઉપસ્થિતિમાં કરાયો
———————————–
ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રથમ વેક્સિન
સીવિલ સર્જન શ્રી નિયતીબેન લાખાનીને અપાઇ
————————————
ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં આજે કુલ- ૧૦૦ પ્રથમ હરોળના
કોરોના વોરિયર્સને કોવિડ- ૧૯ની રસી અપાઇ
————————————-
ગાંધીનગર: શનિવાર:
ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં આજથી કોવિડ- ૧૯ વેક્સિનેશન કાર્યક્રમનો આરંભ થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતેથી રાજયના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરની ઉપસ્થિતિમાં કોવિડ- ૧૯ વેક્સિનેશન કાર્યક્રમનો આરંભ થયો હતો. સિવીલ હોસ્પિટલ ખાતે કુલ ૧૦૦ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને આજરોજ વેકિસન આપવામાં આવી હતી. પ્રથમ વેક્સિન ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવીલ સર્જન શ્રી નિયતીબેન લાખાનીને આપવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા દશ માસથી ભારત દેશ સહિત સમગ્ર વિશ્વ કોરોનાની મહાબિમારી સામે લડી રહ્યું છે. સૌ કોઇ વેક્સિન કયારે આવશે, તેની આતુરતાથી રાહ જઇ રહ્યા હતા. આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીના ટીકાકરણનો આરંભ થઇ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ રોગની રસી શોધવાનું કામ કઠિન છે, પણ આપણા દેશના વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ દિવસ – રાત મહેનત કરીને આ રસી શોધી કાઢી છે. ભારતની જનસંખ્યા વધુ હોવા છતાં પૂરા આત્મ વિશ્વાસ અને શ્રધ્ધા સાથે ટીકાકરણના આ કાર્યક્રમમાં આપણે સૌ સફળ થઇશું. સમગ્ર વિશ્વ માટે આ આયોજન ઉત્તમ દષ્ટાંત રૂપ બનશે.
ગુજરાત રાજયને ૫ લાખ ૪૧ હજાર કરતાં વધુ કોવિડ- ૧૯ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, તેવું કહી મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજયના કોરોના વોરિયર્સની લડાઇના પ્રથમ હરોળના વોરિયર્સ એટલે કે મેડિકલ સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને આપવામાં આવશે.
કોરોનાની મહાબિમારી દરમ્યાન ગાંધીનગર સિવીલ હોસ્પિટલની ઉમદા કામગીરી બદલ અભિનંદન આપીને મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કોરોના સામેના જંગમાં સિવીલ હોસ્પિટલના ર્ડાકટર, નર્સ અને અન્ય આરોગ્ય સેવા સાથે સંકળાયેલ કર્મનિષ્ઠ કર્મયોગીઓએ પોતાના સ્વાસ્થ અને પોતાના પરિવાર અને નાના ભૂલકાઓની ચિંતા કર્યા વગર સતત આ જંગમાં સામેલ રહ્યા છે. તેવા સર્વ ઉપસ્થિત કર્મયોગીઓને તેમના આ યોગદાન બદલ અભિનંદન આપીને ફરજ બજાવતા બજાવતા મૃત્યૃ થયેલા સર્વે આરોગ્ય કર્મચારીઓને શ્રધ્ધા સમુન અર્પણ કર્યા હતા.
વેક્સિનેશન કાર્યક્રમના આરંભે કોવિડ-૧૯ ની ફીલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાક દરમ્યાન દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દીલ્હીથી કોવિડ-૧૯ રસીકરણ બાબતે દેશના નાગરિકોને સંબોધન કર્યું તે કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોરોના વેક્સિનના ૪,૭૨૦ ડોઝની ફાળવણી કરવામાં આવી છે. આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ૧૦૦ વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન શ્રી નિયતીબેન લાખાની, ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણ, મેડિકલ કોલેજના ડે. સી.ઇ.ઓ. શ્રી ર્ડા. બિપીન નાયક સહિત આમંત્રિત મહાનુભાવો અને સિવીલ હોસ્પિટલના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
——————————————–