અનેરો સંબંધ. – ભાવિની નાયક.

અનેરો સંબંધ ભાવિની નાયક
સવારે 6 વાગે એલારામ વાગ્યું. શીતલ અને ચાર્મી લગભગ સવા છ સુધી પોતાના રૂમમાંથી બહાર આવી ગયાં હતાં. શીતલ શાક સમારવા લાગી. જ્યારે ચાર્મી ચા બનાવવા લાગી. ઘરમાં રેડિયો પર જુના ગીતો વાગતા હતા. શીતલ અને ચાર્મી અમુક લીટીઓ સાથે ગણગણતાં હતાં.ત્યાંજ શીતલે ચાર્મીને ટકોર કરતા કહ્યું, આજે જલ્દી નીકળવું પડશે ચાર્મી. મંદિરે જવાનું છે.હા મેં બધી તૈયારી રાતે જ કરી નાખી છે.ચિંતા ન કરશો. ચાર્મી ચાના બે મગ લઈ ડ્રોઈંગ રૂમમાં આવી.શીતલ કઈ વિચારતી હતી અચાનક ચાર્મીના આવવાથી ગીતની કડી ગાવા લાગી.ચાર્મી સમજી ને પણ અણસમજ બની રહી.
બન્ને જણાએ સાથે ચા પીતા પીતા સમાચારોની ચર્ચા કરી.થોડીઘણી વાતો પછી રસોડામાં જઈને બન્ને સાથે રસોઈ બનાવવા લાગ્યા.આજે ઘરમાં શિરો બનવાનો હતો.મંદિરમાં પ્રસાદ ધરાવવા માટે.બન્ને રસોઈ પતાવીને નાહવા ગયા.તૈયાર થઈને આવ્યા ત્યારે શીતલે ચાર્મીને ટોકી.કેમ સફેદ કપડાં?ચાર્મી બોલી આજે રોહિતની પુણ્યતિથિ છે એટલે.મારા રોહિતને તું રંગબેરંગી કપડાં પહેરે એ ગમતું.જા જલ્દી ચેન્જ કરી નાખ.હું ટિફિન તૈયાર કરું છું.એ સમયે એક જુવાનજોધ મૃત્યુ પામેલા પુત્રની માં બોલતી હતી કે એક સહેલી બોલતી હતી એ અંદાજવું મુશ્કેલ હતું.
રોહિત શીતલનો એકનો એક દીકરો.એ નાનો હતો ત્યારેજ તેના પિતાનું અવસાન થયું હતું.શીતલે એકલે હાથે એને મોટો કર્યો હતો.રોહિત ભણવામાં હોંશિયાર હોઈ એક કંપનીમાં કંપની સેક્રેટરીની નોકરી કરતો હતો. થોડી બચત અને તેના પપ્પાના પૈસા ભેગા કરીને તેમણે આ ખુબજ સુંદર ઘર ખરીદ્યું હતું. જ્યારે ચાર્મીનું ઘરમાં આગમન થયું ત્યારે શીતલને જાણે એક બહેનપણી મળી ગઈ.શીતલ પણ જોબ કરતી .ત્રણેય જણા ખૂબ આનંદથી જીવતાં હતાં.પણ કુદરતને એ મંજુર નતું.લગ્નના એક જ વર્ષમાં રોહિત એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો.તેના ગયા પછી ચાર્મીના માતાપિતાએ તેને ખૂબ સમજાવી પણ એ શીતલને છોડી જવા તૈયાર ન જ થઈ.આખરે બન્ને બહેનપણી બની જીવવા લાગ્યા.જોબ સાથે જાય,શોપિંગ સાથે જાય,રેસ્ટોરન્ટ અને ફિલ્મ જોવા પણ સાથે જ જાય.આમ બન્ને એકબીજાની ખુશીમાં ખુશ રહેતા.
શીતલ અને ચાર્મી નીકળ્યાં. મંદિરે પૂજા કરી સામાન આપ્યો.અચાનક ચાર્મી કોઈને જોઈને એકદમ ખુશ થઈ ગઈ.સામે પક્ષે એક યુવાન પણ ચાર્મીને જોઈને હસ્યો.અભિનીત તું અહીંયા ક્યાંથી? તેણે શીતલની ઓળખાણ કરાવી.અભિનીત તેનો કોલેજનો મિત્ર હતો.જે પુનાથી જોબ માટે મુંબઈ આવ્યો હતો.જ્યારે શીતલ ચાર્મી ના સાસુ છે એવી જાણ અભિનીતને થઈ ત્યારે તે થોડો ખચકાયો.પણ શીતલે બાજી સંભાળી લીધી.
ત્રણેય જણા ડિનર સાથે લેવાનો વાયદો લઈને છુટા પડ્યા. સાંજે અભિનીત ઘરે આવ્યો.ત્રણેય જણાએ ડિનર સાથે લીધું.આ દરમિયાન અભિનીતે તેના વિશેની લગભગ બધીજ વાત કરી લીધી.તેના પિતાનું અવસાન થતાં તે એકલો મુંબઈમાં. રહે છે.
આજના દિવસે આ અભિનીતનું મળવું એ શીતલ માટે જાણે કંઈક સંકેત હતો.બન્ને જણ ખૂબ સારી રીતે વાત કરતાં હતાં.ચાર્મી તેની સાથે ખૂબ હળીમળીને વાત કરતી હતી.અભિનીતના ગયા પછી થોડી ભૂતકાળની વાતો કરી બન્ને પોતપોતાના રૂમમાં સુવા ગયાં. કોણ જાણે કેમ પણ એક વિચારે શીતલની ઊંઘ આજે ઉડાડી દીધી હતી.એ દિવસ પછી એ અભિનીતને બે ત્રણ વખત મળી.અને ચોથી મુલાકાતમાં તેણે ચાર્મી સાથે તેના લગ્નનો પ્રસ્તાવ મુક્યો.આ સાંભળી અભિનીત સુન્ન થઈ ગયો.મનમાં રહેલા શબ્દો વાંચી શકવાની શીતલની આવડત સફળ રહી.હવે વારો હતો ચાર્મીને મનાવવાનો.જે ખૂબ મુશ્કેલ હતું.
રવિવારની એક સવારે શીતલે ચાર્મી સાથે આ વિષય પર વાત કરી તો ચાર્મી ભડકી અને રડવા લાગી.એ જોઈને શીતલ ખૂબ દુઃખી થઈ.પણ તેના ભવિષ્યનો વિચાર કરીને શીતલ તેને ફરી સમજાવવા લાગી.લગભગ એક મહિના પછી શીતલની મહેનત સફળ થઈ.પણ ચાર્મી અને અભીનીતે એ એક શરત મૂકી કે લગ્ન પછી તે અભિનીત સાથે અહીંયા જ રહેશે. અને પોતાનાથી શીતલને ક્યારેય અલગ નહિ કરે.આ સાંભળી શીતલને ચાર્મી પ્રત્યેનું માન વધી ગયું.અને અભિનીત રૂપે તેને પોતાનો રોહિત મળ્યાની ખુશી પણ થઈ.લગ્ન નિર્વિઘ્ને પત્યા. હવે શીતલે હોમમિનિસ્ટરની જવાબદારી સ્વીકારી.તેણે તેના પુત્ર અને વહુ જાણે ફરી મળ્યાં.