રેલ પરિવહન સુવિધાના નવા યુગમાં પ્રવેશ કરશે કેવડીયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિવિધ પ્રવાસન આકર્ષણો પછી કેવડીયાનાં વિકાસનો નવો આયામ :

રેલ પરિવહન સુવિધાના નવા યુગમાં પ્રવેશ કરશે કેવડીયા
પ્રતિદિન ૧ લાખ પ્રવાસીઓની મુલાકાતનું માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનું સ્વપ્ન પૂર્ણ થવા તરફ મહત્વનું કદમ

ક્યારેક નવાગામથી જાણીતું કેવડીયા પ્રવાસનનાં નવાધામ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે દેશભરનાં પ્રવાસીઓને રેલવેથી કેવડીયા પહોંચવાની સરળ સુવિધા આપવાનો પ્રધાનમંત્રીનો સંકલ્પ થશે સાકાર

રાજપીપલાતાં 15

આગામી તા.૧૭/૦૧/૨૦૨૧થી કેવડીયા-વડોદરા રેલવેલાઇનનું ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઇ-લોકાર્પણ કરશે,આ પ્રસંગે ગુજરાત રાજયનાં દિર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે. કેવડીયા રેલમાર્ગે જોડાતા જ પ્રવાસીઓનાં પરિવહનમાં વધુ એક સુવિધાનો ઉમેરો થશે, અગાઉ કેવડીયા રોડ તેમજ હવાઇ માર્ગે અને હવે રેલમાર્ગે પણ જોડાતા પ્રવાસીઓ ઝડપથી કેવડીયા પહોંચી શકશે.
સમગ્ર ભારતને એકતાંતણે જોડીને સમગ્ર વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશો આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડીયામાં સ્થાપીને દુનિયાને ભારતની એકતા, ક્ષમતા અને દ્રઢતાનો પરિચય કરાવીને કેવડીયાને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પાર પાડયુ છે, આજે કેવડીયા વિશ્વનાં નકશામાં ચમકી રહ્યુ છે અને દુનિયાભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે.
દેશભરનાં પ્રવાસન રસિકોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસન સ્થળો જોવા અને જાણવાની ઉત્સુકતા જાગી છે.જેને અનુલક્ષીને વિશ્વની સહુથી વિરાટ સરદાર પ્રતિમાના પ્રેરક અને સ્થાપક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખૂણેખૂણેથી પ્રવાસીઓને કેવડીયા આવવાની સરળતા થાય તે માટે વિવિધતામાં એકતાનાં સૂત્રને સાકાર કરતી આ ભૂમિને રેલ પરિવહનની સુવિધાથી જોડવાનો સંકલ્પ કર્યો હતો, જે હવે પૂરો થવા જઈ રહ્યો છે.હવે કેવડીયા રેલ યુગમાં પ્રવેશે અને દેશના રેલવે નેટવર્કમાં બી શ્રેણીના રેલવે સ્ટેશન તરીકે તેનું નામ અંકિત થાય એ ઐતિહાસિક ઘડી માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનાં કેવડીયા ખાતે જ કરવા પાછળ દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત બને અને આદિવાસી વિસ્તારમાં પ્રવાસન થકી વિકાસને વેગ મળે તે પવિત્ર ઉદ્દેશ્ય હતો તે આજે પરિપૂર્ણ થયેલ છે. પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ સરળતાથી કેવડીયા પહોંચી શકે તે માટે અલગ-અલગ પરિવહન માર્ગ વિકસાવવા માટે સરકાર કટિબધ્ધ હતી અને તે મુજબ રોડ માર્ગ,હવાઇ માર્ગ અને હવે રેલ માર્ગની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા હવે દેશનાં મુખ્ય શહેરો જેવા કે, દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, સુરત અને વડોદરાથી ટ્રેન મળી શકશે.
ઇતિહાસ સાક્ષી છે કે, વિશ્વભરમાંથી જયારે પણ કોઇ અંતરિયાળ વિસ્તારમાં ટ્રેઇનની સુવિધા ઉપલબ્ધ થાય છે, ત્યારે તે સમગ્ર વિસ્તારની સામાજીક – આર્થિક કાયાપલટ કરી નાંખે છે. રેલમાર્ગ સ્થિત સ્ટેશનો ઉપર રોજગારીની સીધી અને આડકતરી વિપુલ તકો ઉભી થાય છે. રેલવેસ્ટેશન તથા તેની આસપાસના વિસ્તારમાં દુકાનો,ફેરીયાઓ,કુલી,સફાઇ કામદારો,વાહનચાલકો વગેરે માટે આવકનો કાયમી સ્ત્રોત ઉભો થાય છે. કેવડીયા મુકામે સ્ટેશનનો વિકાસ થતા અને બ્રોડગેજ લાઇનથી જોડાણ થતા આ આદિવાસી વિસ્તારનો ઝડપભેર વિકાસ સુનિશ્ચિત બન્યો છે.

તસ્વીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા