*દિલ્હીમાં મહિલા સબ-ઇન્સ્પેક્ટરની હત્યા, હત્યારા પોલીસ અધિકારીએ પણ આપઘાત કરી લીધો*

દિલ્હી પોલીસને સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારી જાણકારી મળી છે. મહિલા SIને ગોળી મારનાર પણ દિલ્હી પોલીસનો સબ ઇન્સ્પેક્ટર નીકળ્યો.

*નવી દિલ્હી* રાજધાની દિલ્હીની રોહિણી (Rohini) વિસ્તારમાં એક મહિલા પોલીસ અધિકારીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગોળી મારનાર પોલીસ અધિકારીએ પણ જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આરોપી મહિલા સાથે દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરના પદ પર તૈનાત હતો. શનિવારે આરોપી દીપાંશુનો મૃતદેહ હરિયાણાના કરનાલમાંથી મળી આવ્યો છે.

નોંધનીય છે કે પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયાલ પોલીસ મથકમાં તૈનાત એસઆઈ પ્રીતિ અહલાવત રોહિણી વિસ્તારમાં મૃત મળી આવી હતી. રોહિણી ઈસ્ટ મેટ્રો સ્ટેશન નજીક તેણીને ગોળી મારવામાં આવી હતી. મૃતક પ્રીતિ વર્ષ 2018માં દિલ્હી પોલીસમાં ભરતી થઈ હતી. ઘટના શુક્રવાર રાત્રે 9:30 વાગ્યાની છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી જાણકારી મેળવવાની શરૂ કરી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. એસઆઈ પ્રીતિને ગોળી મારનાર વ્યક્તિ તેનો જ સાથી દિલ્હી પોલીસનો ઇન્સ્પેક્ટર હતો. શનિવારે આરોપી સબ ઇન્સ્પેક્ટર દીપાંશુનો મૃતદેહ હરિયાણાના કરનાલમાંથી મળી આવ્યો છે. હાલ પોલીસ આ મામલાની વધારે તપાસ કરી રહી છે.