ચીકદા અને આસપાસના ૨૫ ગામોના સ્વસહાય મહિલા જૂથોની પસંગી મુજબની સ્વરોજગારલક્ષી તાલીમ-સાધન સહાય-ઉત્પાદન-બજાર વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ કરાવી મહિલાઓને આર્થિકરીતે પગભર કરાશે

-કેન્દ્રિય વિદેશ મંત્રીના અંગત સચિવ વિજય અરોરા
ચીકદા ખાતે મશીનથી રૂની દિવેટ બનાવવાની તાલીમ સંદર્ભે પ્રત્યક્ષ નિદર્શન

મહિલાઓને જાણકારી સાથે પુરૂં પડાયેલું માર્ગદર્શન રૂની દિવેટ બનાવવા ઉપરાંત શિવણ મશીન, મશાલા, અથાણાં, પાપડ, સેનેટરી નેપકીન્સ વગેરે જેવા સ્વરોજગારલક્ષી ઉત્પાદનની તાલીમ માટે મહિલાઓએ વ્યકત કરી પસંદગી-પ્રતિબધ્ધતા

એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ નર્મદા અંતર્ગત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા કાર્યક્રમ અન્વયે કેન્દ્રિય વિદેશ સચિવ એસ.જયશંકરના અંગત સચિવ વિજય અરોરા, પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના ડેપ્યુટી જનરલ મેનેજર રાજીવ શર્મા, સહિત અન્ય મહાનુભાવો સહિત અંદાજે ૫૦૦ થી પણ વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં આજે દેડીયાપાડા તાલુકાના ચીકદા ગ્રામ પંચાયત ખાતે મુખ્યમંત્રી ગ્રામોધોગ યોજના અંતર્ગત યોજાયેલી રોજગાર શિબિરને દિપ પ્રાગટય ધ્વારા ખૂલ્લી મૂકાઇ હતી.

વિજય અરોરાએ રોજગાર શિબરને ખૂલ્લી મૂકતાં જણાવ્યું હતું કે, મહિલાઓના સશકિતકરણ થકી તેમના જીવનમાં શ્રેષ્ઠ બદલાવ લાવવાની સાથે તેમનું જીવન ધોરણ ઉંચુ આવે તે દિશામાં સરકાર કટિબધ્ધ છે. ચીકદા ગામની સ્વસહાય જુથની બહેનોને ધર આંગણે તેમની પસંદગી મુજબની સ્વરોજગારલક્ષી તાલીમ પૂરી પાડીને જે તે ચીજવસ્તુના ઉત્પાદન અને તેના વેચાણની બજાર સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પૂજા વિધીમાં ઉપયોગમાં લેવાતી રૂની દિવેટ બનાવવાની તાલીમ બાદ ઉત્પાદન કામગીરી થકી રોજના અંદાજે રૂા.૨૫૦/- થી રૂા.૩૦૦/- ની આવક તેમાંથી મેળવી શકાશે. અમદાવાદની સંસ્થા ધ્વારા કપાસનો જથ્થો કાચી સામગ્રી રૂપે પુરી પડાશે તેમજ દિવેટ બનાવવાના મશીનની સાધન સહાયની સુવિધા પણ મહિલાઓને ઉપલબ્ધ કરાવાશે, તેમ અરોરાએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ગ્રામોધોગ યોજના અંતર્ગત આજની આ રોજગાર શિબિરમાં આસપાસના ૨૫ જેટલા ગામોની સ્વસહાય જુથની અંદાજે ૫૦૦ જેટલી મહિલા સભ્યોએ ઉપસ્થિત રહીને રૂની દિવેટ સિવાય પોતાની પસંદગી મુજબના પાપડ, મશાલા, શિવણ મશીન, અથાણાં, સેનેટરી નેપકીન્સ વગેરે જેવા સ્વરોજગાર માટેની દર્શાવેલી પસંદગી મુજબ આ દિશામાં પણ જુદા જુદા કલ્સ્ટરની મહિલાઓને તાલીમ સહિતની સ્વરોજગારલક્ષી સાધન સહાય પુરી પાડવાના પણ પ્રયાસો કરીને આ બહેનોને આર્થિક રીતે પગભર કરાશે.

આ પ્રસંગે અમદાવાદની દિપ વિજય ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સંચાલકો તરફથી દિવેટ મશીનના નિદર્શન થકી દિવેટ ઉત્પાદન અંગેની પ્રત્યક્ષ જાણકારી અને સમજ અપાઇ હતી. દિવેટ ઉત્પાદનની બારે માસ સતત માંગ રહેતી હોઇ, તેના માર્કેટીંગ કે બજાર વ્યવસ્થાની કોઇ મુશ્કેલી નથી તેમ જણાવી ઉપસ્થિત મહિલાઓને દિવેટ ઉત્પાદનની કામગીરી માટે પ્રોત્સાહિત કરાયા હતાં.