મારા હૈયાના આકાશે આવે ઉતરાણ અને રંગીન પતંગો એમાં આવે ને જાય ખટમીઠી ઠંડીના વિસરાતા સંગાથે મારી અગાશીમાં અજવાળાં થાય.

મારા હૈયાના આકાશે આવે ઉતરાણ
અને રંગીન પતંગો એમાં આવે ને જાય
ખટમીઠી ઠંડીના વિસરાતા સંગાથે
મારી અગાશીમાં અજવાળાં થાય.

અવસરના આનંદે અંતરમાં મારા,
ઉત્સવના અનેરા રંગો રેલાય
કોરા આકાશમાં પતંગોના સાથિયા
ને સોનેરી યૌવનના ફાગો ખેલાય
દિશા પવનની હજી પકડીને ત્યાં જ,ઢાલ આ મારી કોઈ ખેંચીને જાય

એની સાથે ના સંબંધે લેવાતા પેચમાં
ખેંચ કે ઢીલના રીવાજો બદલાય
મારી પતંગના સઘળાય રંગો
એની પતંગમાં જઈ ને વિખરાય
ચીક્કીના ગોળ જેવા મીઠા એ સ્મરણોને, યાદ કરી આજેય એ મીઠું મલકાય….
પૂજન મજમુદાર