કાઢું ઘૂમાડા પેનથી, સિગરેટથી કાગળ લખું, કોને ખબર ક્યાં લઇ જશે, આખર મને દિવાનગી?…………….
(સત્ય ઘટના)
આ વરસે એકલાં ગુજરાતમાં જ દસ હજાર જેટલાં નવાં દર્દીઓનો કેન્સરની જમાતમાં ઉમેરો થયો છે. કોઇ યુવાન દર્દીને જીભનું કેન્સર થાય ત્યારે એની જવાબ કાપી નાખતી વખતે ખુદ તબીબો પણ અવાચક બની જાય છે
ડો. સનતભાઇ શાહ. ગુજરાતના ખ્યાતનામ તબીબ. (નામ બદલ્યું છે, પણ ઘટના જેમની તેમ બનેલી છે.) વ્યવસાયે હિમેટોલોજીસ્ટ. સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો લોહીનાં બુંદે-બુંદના જાણકાર. એનિમિયા હોય કે બ્લડ-કેન્સર, લોહીની ભયંકરમાં ભયંકર બિમારીએ પણ આ નિષ્ણાત તબીબ આગળ પોતાની ચહેરા પરનો બુરખો ઉતારવો જ પડે!
એક વાર અચાનક એમના મોટા બહેન શાંતાબહેનનાં ઘરે જઇ ચડયા. કોઇ પૂર્વયોજિત મુલાકાતે નહીં, પણ બસ, એમ જ.
એક દર્દીના ઘરે વિઝીટે જવાનું થયું. રસ્તામાં બહેનનું ઘર પડતું હતું એટલે ગાડી ઊભી રાખી. રોજીંદી વ્યસ્તતામાંથી સમય કાઢીને બહેનને મળવાનું ભાગ્યે જ બનતું હતું.
શાંતાબહેન તો ભાઇને જોઇને ખુશ થઇ ગયાં, પણ ડોકટર બહેનની હાલત જોઇને રાજી ન થઇ શક્યા. બારણું ખોલવામાં જ શાંતાબહેનની શ્વાસ ચડી ગયો. “આવ, ભઇલા” એટલું પણ માંડ બોલી શકાયું.
ધીમે દિવાનખંડમાં મૂકેલી પાટ પર જઇને બેઠાં. એ ક્રિયાને ‘બેઠા’ એમ કહેવા કરતાં ‘ફસડાઇ પડયાં’ એમ કહેવું વધારે યોગ્ય ગણાય.
ડો. સનતભાઇને આવી હાલતમમાં પણ મજાક સૂઝી. એમને ખબર હતી કે મોટા બહેન ટી.વી. જોવાના જબરદસ્ત રસિયા છે. એટલે એમણે જાહેરખબરની જબાનમાં જ ખબર-અંતર પૂછયા: “યે ક્યા હાલ બના રખ્ખા હૈ? કુછ લેતે ક્યું નહીં?”
બહેન ફિક્કું હસ્યાં: “લઊં છું ને! ત્રણ મહીનાથી બાજુના ફિઝિશિયનની સારવાર ચાલે છે. ડોકટર હોશિયાર છે અને ભલો પણ છે. તારું નામ સાંભળીને ફીનો રૂપિયો પણ નથી લેતો.”
“શું આપ્યું સારવારમાં?”
“આયર્ન અને વિટામીનની ગોળીઓ. લોહીનો રિપોર્ટ કહે છે કે મને પાંડુરોગની બિમારી છે.
હિમોગ્લોબિન ઘટી ગયું છે. પણ હેં ભાઇ, ત્રણ- ત્રણ મહિનાની સારવાર પછી પણ હિમોગ્લોબિન ન વધે એવું બને?”
“બને, પણ જવલ્લે! અને તો પછી એ સારવારને કેઇસ નથી રહેતો, પણ શોધખોળનો વિષય બની જાય છે. લાવો, તમારાં રિપોર્ટ્સ. હું જોઇ જાઉં…”
બીજી જ મિનિટે ડો. સનતભાઇના હાથમાં બહેનનું લોહી હતું, મતલબ કે લોહીનીં રિપોર્ટ્સ હતા.
શાંતાબહેનની વાત સાચી હતી અને પેલા ફિઝિશિયનની સારવાર પણ સાચી હતી. અને રિપોર્ટ્સ દુનિયાની દસમી અજાયબી જેવો નજર સામે હતો. એનિમિયાના તમામ સંભવિત કારણોની છાનબિન થઇ ચૂકી હતી. બધે ઠેકાણે બઘું જ સલામત હતું. કરમિયાં પણ ન હતાં. તો પછી આમ કેમ? આકાશ મૂશળધાર વરસે અને ધરતી કોરી ધાકોર રહે એ કેમ બને?
સામાન્ય ડોકટર હોત તો અવશ્ય થાપ ખાઇ જાત, પણ આ તો લોહીનો પરખંદો હતો. ઝીણીમાં ઝીણી શક્યતા પણ એની નજરમાંથી છટકી ન શકે. એણે શાંતાબહેનને ધારદાર નજરે તીર જેવો એક જ સવાલ પૂછયો: “બહેન દાંતે તમાકુ ઘસો છો?”
“ના, પણ ભાઇ! તમાકુવાળી ટૂથ-પેસ્ટ રોજ ઘસું છું. એનાથી જરા સારું લાગે છે.” શાંતાબહેને ભાઇના હાથમાં બાજુમાં પડેલી જાણીતી કંપનીની તમાકુ-યુક્ત ટૂથપેસ્ટ ધરી દીધી.
ડોકટરે કપાળે હાથ દીધો.
શાંતાબહેનનો વાર્તાલાપ હજુ ચાલુ જ હતો: “ભાઇ, ડોકટરનું કહેવું એમ થાય છે કે આવતી કાલે હોસ્પિટલમાં ભરતી કરીને એક બાટલો લોહી મારા શરીરમાં ચડાવી દેવું. હું આજકાલમાં તને ફોન કરવાની જ હતી, પણ ત્યાં તો તું જ આવી ગયો.”
ડો. સનતભાઇ આવી ગયા એ ખરેખર સારું થયું. કારણ કે એમણે પહેલું કામ પેલા મિત્ર ફિઝિશિયનને ફોન કરવાનું કહ્યું: “શાંતાબહેનને બ્લડ-બોટલ ચડાવવાનું આપણે મુલત્વી રાખીએ છીએ.”
“કેમ, તમને શું લાગે છે?”
“મને લાગે છે કે એમની તકલીફનું મૂળ આ ટૂથપેસ્ટ છે. તમાકુનો ઉપયોગ દુનિયાભરમાં સ્મોકીંગ માટે થાય છે, માત્ર આપણે ત્યાં જ એને ચાવવા માટે કે દાંતે ઘસવામાં વપરાય છે.”
“પણ એનાથી તો કેન્સર થઇ શકે; પરંતુ એનિમિયા…?”
“એ જ નવાઇની વાત છે. આપણે ડોકટરો પણ જે વાત નથી જાણતા એ આ છે. તમારૂ ખાવાથી કે એનો રસ ગળા નીચે ઊતારી જવાથી હોજરી તેમજ આંતરડાની આંતર્ત્વચાને ભયંકર નુકશાન થાય છે. શરૂઆત એસિડિટીથી થાય છે, પછી ચાંદા પડે છે, એ રૂઝાય અને પછી નવાં ચાંદાં પડે; આવું વારંવાર થવાથી ‘સબમ્યુકસ ફાઇબ્રોસિસ’ થાય છે. એટલે કે એ ત્વચા સૂકાઇને જાડી, બરછટ બની જાય છે.”
“હવે સમજાયું.” ફિઝિશિયન મિત્ર પણ મેડિસિન ભણેલા હતા. એમને એકડો આપો તો પાછળ કેટલાં મીંડાં મૂકાય એની પૂરેપૂરી જાણકારી હતી એમની પાસે. એમણે ડો. સનતભાઇએ શરૂ કરેલી વાત ઝીલી લીધી: “આંતરડાની દિવાલ એક વાર નકામી થઇ જાય એટલે ભૂખ મરી જાય. જે કંઇ અન્ન લેવાય, એનું શોષણ બંધ થઇ જાય. લોહીમાં ફિક્કાશ આવી જાય. એના નિવારણ માટે જે કંઇ દવા, ગોળી કે કેપ્સ્યૂલ અપાય એ પણ શોષાયા વગર ઝાડામાંથી નીકળી જાય. શાતાંબહેનનાં કિસ્સામાં આમ જ થયું. હવે શું કરીશું?”
આ સવાલ હતો અઘરો, પણ એનો જવાબ સાવ સહેલો હતો. શાંતાબહેને સ્વહસ્તે જ તમાકુવાળી ટૂથપેસ્ટ ઊઠાવીને બારીની બહાર એનો ઘા કરી દીધો. ફકત બે મહિનામાં જ એમનું હિમોગ્લોબિન છ ગ્રામ પ્રતિશત હતું એમાંથી વધીને અગ્યાર ગ્રામ પ્રતિશત થઇ ગયું.
આપણી બહેનોએ ચેતી જવા જેવી આ ઘટના છે. આવો જ એક બીજો બનાવ પણ આપણી આંખ ખોલી નાખે એવો છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા થોડા સમય પહેલાં ધોળકા ખાતે એક નિદાન-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામિણ વિસ્તારના બાળકો એમાં હિસ્સો લે એ માટે દરેક બાળકને એક સારી ટૂથપેસ્ટ અને એક ટૂથબ્રશ ભેટમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું. મફત મળતી આ ચીજોની લાલચે અસંખ્ય બાળકો ઊમટી પડયાં.
એ બધાંના દાંતની તપાસ કરતા જાણવા મળ્યું કે એમાંના સિત્તેર ટકાથી પણ વઘુ બાળકોના મોંની અંદરની ત્વચામાં ‘સબમ્યુકસ ફાયબ્રોસિસ’ થઇ ચૂકયું હતું. અને એ તમામ બાળકો નિયમિત પણે દિવસમાં ત્રણથી ચાર પડીકી ગૂટખા ચાવી જતા હતાં. આ બઘું બાળ-ધન છથી સાતની વચ્ચે હિમોગ્લોબિન ધરાવતું હતું.
ગુજરાત કેન્સર હોસ્પિટલના તબીબો ડો. પંકજ શાહ અને હિમેટોલોજીસ્ટ ડો. ભરત પરીખ ત્યાં હાજર હતા; એમણે નિરાશાથી માથું ઘૂણાવ્યું: “ભારતને ખતમ કરવા માટે પાકિસ્તાનના આતંકવાદની કોઇ જરૂર જ નથી, આપણી ગુટખા સંસ્કૃતિ જ આ કામ માટે પૂરતી છે.” ગામડાનાં ચોખ્ખા હવા-પાણી અને ગાય-ભેંશોના તાજા ઘી- દૂધની અસરને આ સીગારેટ, તમાકુ અને માવા- મસાલાના આક્રમણે તહેસ-નહેસ કરી દીધી છે.
ગુજરાત કેન્સર રિસર્ચ સેન્ટરનો છેલ્લો અહેવાલ જણાવે છે કે આ વરસે એકલાં ગુજરાતમાં જ દસ હજાર જેટલાં નવાં દર્દીઓનો કેન્સરની જમાતમાં ઉમેરો થયો છે. કોઇ યુવાન દર્દીને જીભનું કેન્સર થાય ત્યારે એની જવાબ કાપી નાખતી વખતે ખુદ તબીબો પણ અવાચક બની જાય છે.
દર વર્ષે (એકત્રીસમી મેનો દિવસ) “નો ટોબેકો ડે” તરીકે વિશ્વભરમાં ઊજવાઇ છે. આ વખતે એનું ઘ્યેય પેસીવ સ્મોકિંગને અટકાવવાનું છે. આપણે તો ઘૂમ્રપાનથી દૂર રહીએ જ, પણ આપણી હાજરીમાં જો કોઇ બીજું જણ ઘૂમ્રપાન કરતું હોય તો એને પણ અટકાવીએ.
ગંગાને શુઘ્ધ કરવી હશે તો એકાદ-બે ઘાટની સફાઇ કર્યે નહીં ચાલે, ગંગોત્રીને જ શુઘ્ધ કરવી પડશે.
લેખક . ડો. શરદ ઠાકર