*શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરતા પીએમ મોદી*
અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મા અંબા ના ઉપાસક અને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી બાયરોડ આવતા આ રૂટ પર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર એવા શક્તિદ્વાર પાસે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીનું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ અંબાજીની સ્વચ્છતા સાથે મંદિરના ચાચર ચોકની સુંદર સજાવટ કરવામાં આવી છે તથા મંદિરને અલગ અલગ પ્રકારના રંગ બેરંગી ફુલોથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરના ચાચર ચોકમાં ભજન મંડળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી,રાજ્ય સભા સાંસદ બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, પ્રવિણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, ડી.જી.પી. વિકાસ સહાય, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.