અમદાવાદ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં એક બાળકના જન્મના પ્રમાણપત્રમાં સરનામું લખવાનુ હોય તેમાં પાકિસ્તાન લખી નાંખ્યુ હતુ. સરકારી કામકાજમાં આળસ ખંખેરતા અધિકારીઓ આવી મોટી ગફલત કરે તે નવી વાત નથી. પછી તે જન્મનું પ્રમાણપત્ર હોય કે સરકારી અન્ય દસ્તાવેજો હોય આવી ગફલતને કારણે મનપાના સ્ટાફની બેદરકારી ખુલીને સામે આવી ગઈ હતી.
આજે અમદાવાદ કોર્પોરેશનના જન્મ-મરણ નોંધણીના અધિકારીએ એક એવી મોટી ભૂલ કરી છે કે આજનો ટાઉન ઓફ ધ મુદ્દો બન્યો છે. જન્મ-મરણ નોંધણીના અધિકારીએ અમદાવાદના એક બાળકને પાકિસ્તાનમાં જન્મ્યો હોવાની ભુલ ભરેલી માહિતી નાખી દીધી છે.
બાળકના બર્થ સર્ટિફિકેટમાં ઉલ્લેખાયેલા સરનામામાં પાકિસ્તાન લખવામાં આવ્યું છે. સમગ્ર મામલાને લઈને જન્મ-મરણ નોંધણી વિભાગના મોટા પગાર લેતા અધિકારીઓ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. વટવામાં રહેતા અરબાઝ ખાન પઠાણ અને મહેકબાનુના બાળકનો જન્મ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં થયો હતો.
આ બાળકનો જન્મ 1 ઓક્ટોબર, 2018ના રોજ વી.એસ.હોસ્પિટલમાં થયો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા AMCના જન્મ-મરણ વિભાગમાં 8 ઓક્ટોબરે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતું. વટવા સ્થિત સરકારી આવાસમાં રહેતા પરિવારના સરનામામાં AMC દ્વારા પાકિસ્તાન લખવામાં આવતા ફરી એક વખત જન્મ-મરણ વિભાગના અધિકારીઓ સામે સવાલ થઈ રહ્યા છે.
સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અને એએમસીના પૂર્વ વિપક્ષ નેતા બદરૂદ્દીન શેખે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માગ કરી છે.