પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે એક એવા આરોપીની સામે કેસ ફાઈલ કર્યો છે જે પોતાની કાર પર ઉદ્યોગપતિ રતન ટાટાની કારની નંબર પ્લેટનો ઉપયોગ કરી રહી હતી. આ પોલ ત્યારે ખૂલી જ્યારે તેણે ટ્રાફિક નિયમનો ભંગ કરતા પોલીસે રતન ટાટાને ચલણ મોકલી દીધું હતું.
આરોપી મહિલા પોતાની કાર પર રતન ટાટાની કારની નંબર પ્લેટનો ઉપયોગ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ એવું કહેવું હતું કે, આ વાતની એમને ખબર ન હતી કે, એની કાર પર લગાવેલી નંબર પ્લેટ રતન ટાટાની કારની નંબર પ્લેટ છે. મહિલાએ એવું પણ કહ્યું કે, કોઈ જ્યોતિષીએ એને કાર પર આ ખાસ નંબર પ્લેટનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. પછી તેણે આ નંબર પ્લેટનો ઉપયોગ પોતાની કારમાં કર્યો હતો. મુંબઈ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે બની હતી અને આરોપી મહિલા હતી. જોકે, એ સમયે એને પૂછપરછ માટે સ્ટેશને લઈ જવામાં આવી ન હતી. બુધવારે પોલીસે એને પોલીસ સ્ટેશને હાજર થવા માટે કહ્યું હતું. પૂછપરછ બાદ એની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં મુંબઈ પોલીસે આ મહિલા સામે IPC 420 અને 465 અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રતન ટાટા પર ટ્રાફિકના નિયમભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, હકીકતમાં તેમણે કોઈ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો જ ન હતો. મુંબઈના વર્લી વિસ્તારમાંથી ટ્રાફિકના નિયમ ભંગ બદલ ઉદ્યોગપતિ ટાટાને ચલણ મોકલી દેવાયું હતું. જેની સામે ટાટા ગ્રૂપના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમની કારને ટ્રાફિકના કોઈ નિયમ ભંગ નથી કર્યા.
આટલું જાણ્યા બાદ કેસ ગંભીર થઈ ગયો હતો. પોલીસે cctv ફૂટેજની તપાસ કરી.જ્યાંથી ઈ ચલણ ઈસ્યું થયું હતું. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, એક કારે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે. જેના પર રતન ટાટાની કારની નંબર પ્લેટનો નંબર હતો. પોલીસને જાણવા મળ્યું કે, આ મહિલા રતન ટાટાની કારની નંબર પ્લેટના નંબરનો ઉપયોગ કરીને ફરી રહી હતી. પોલીસ આ મહિલા સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ મહિલા સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈની માટુંગા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપીએ જ્યોતિષી અંકનો લાભ લેવા માટે મૂળ નંબર પ્લેટમાં ફેરફાર કર્યા હતા. પછી નકલી નંબર પ્લેટનો ઉપયોગ પોતાની કારમાં કર્યો હતો. રતન ટાટાના નંબર પર મોકલેલું ઈ ચલણ હવે આરોપીના નામે ટ્રાંસફર કરી દેવામાં આવ્યું છે. લોકોને એક અપીલ છે કે, કોઈ કાળે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ ન કરો.