જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા.

જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા.
કિસાન સન્માન નીધિ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના ૯૧,૪૬૩ ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં ડી.બી.ટી થી રૂા.૧૮ કરોડથી વધુની રકમ જમા થઇ
જિલ્લાના ૫ તાલુકાઓમાં મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણ સહિત વિવિધ યોજનાકીય ૧૨૪૪ લાભાર્થીઓને કિટ્સ અને સાધન સહાયનું કરાયું વિતરણ.
રાજપીપલા,તા.26
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેઇજીના જન્મદિને આજે રાષ્ટ્રીય સુશાસન દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગુજરાતના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે સંસદસભ્ય જસવંતસિંહ ભાભોર, ગરૂડેશ્વર તાલુકામાં એપીએમસી ખાતે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, તિલકવાડાની પ્રાથમિક શાળા ખાતે પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણભાઇ તડવી, દેડીયાપાડા તાલુકામાં કૃષિ પોલીટેકનીક કોલેજ ખાતે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના પૂર્વ અધ્યક્ષ રમણભાઇ જાની અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા તેમજ સાગબારા તાલુકામાં પાનખલાની સરકારી કોલેજ ખાતે પૂર્વ વન રાજ્ય મંત્રી મોતીસિંહ વસાવા અને ગુજરાત રાજ્ય મહિલા આયોગના સભ્ય ભારતીબેન તડવી સહિત સંબંધિત તાલુકાના નોડલ અધીકારીઓ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમોને ખૂલ્લાં મૂકાયાં હતા.
નર્મદા જિલ્લાના ઉક્ત તમામ તાલુકાઓમાં જે તે તાલુકા વિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓ/અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, ધરતીપુત્રો, પશુપાલકો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ૨૦૨૨ના વર્ષ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સાથોસાથ દેશના ખેડૂતોને સમૃધ્ધ બનાવવાના કરેલા નિર્ધારને ચરિતાર્થ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી કૃષિ કલ્યાણની અનેકવિધ યોજનાઓ થકી લાભ લઇ પ્રગતિ કરી રહેલા ખેડૂતોની ગાથા વર્ણવાની સાથોસાથ કૃષિ ઇનપુટ સહાય, સાત પગલા ખેડૂત કલ્યાણનાં, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય, પાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ કિટ્સ સહાય, ફળ-શાકભાજીના છૂટક વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી, રાજ્યના સિમાંત ખેડૂતો અને ખેતમજૂરોને પરાંપરાગતને બદલે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ્સ આપવાની યોજના, તારની વાડની યોજના, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ(૨૦૧૬-૨૧) કૃષિ ઔધોગિક એકમો અને આંતર માળખાકીય યોજનાઓ માટે નાણાંકીય સહાયની યોજના, ટેકાના ભાવે ખરીદી, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના, સૂક્ષ્મ સિંચાઇ, કૃષિલક્ષી સહાયકારી યોજના, ટ્રેક્ટર-કૃષિ યાંત્રિકરણ, રાસાયણિક ખાતર, આત્મા અંતર્ગત અમૃત આહાર મહોત્સવ સુશાસન વગેરે અંગે આંકાડાકીય વિગતો સાથે યોજનાકીય રૂપરેખા આપી હતી.
નર્મદા જિલ્લામાં તમામ પાંચેય તાલુકાઓમાં યોજાયેલી કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં સાત પગલા ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિટ્સ અને સાધન સહાયનું વિતરણ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર એનાયત કરી તેનું સન્માન કરાયું હતું જેમા, પાકૃતિક જીવામૃત માટે ૫૦૦ લાભાર્થીઓ સરકારનો છાયડો છત્રી સહાયમાં ૨૭૫ લાભાર્થીઓ, ૧૨ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર, માનવ ગરીમાં યોજના હેઠળ ૧૯૩ લાભાર્થીઓ, માનવ કલ્યાણ યોજનામાં ૧૬૧ લાભાર્થીઓ સહિત કુલ ૧૨૪૪ લાભાર્થીઓને જે તે લાભોનું વિતરણ કરાયું હતું.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા