આજે ૧૯મી ડિસેમ્બર દિવ,દમણને ગોવાનો આઝાદ દિન”

“આજે ૧૯મી ડિસેમ્બર દિવ,દમણને ગોવાનો આઝાદ દિન”

૧૯૬૧ ડિસેમ્બર મહિનો છે. ઉના, કોડીનાર અને દેલવાડાનાં રેલવે સ્ટેશનોમાં અચાનક જ ખાલી રેલગાડીઓ ગોઠવાઈ ચૂકી છે. સ્ટેશનમાં ગમે ત્યારે ઊપડવા માટે તૈયાર રહેતી ટ્રેનો કંઈક નવાજુનીનાં એંધાણ આપે છે. જૂનાગઢથી કલેક્ટર, ઉપરી પોલીસ અધિકારીઓ અને બીજા આગેવાનોના પણ ઉના સુધી આંટાફેરા વધી જાય છે. છેક દૂર જામનગરના કાંઠે નૌકાદળના જહાજ ‘આઈએનએસ દિલ્હી’ના નાવિકો પણ કંઈક તૈયારીમાં લાગેલા છે. જામનગરના જ એરબેઝ પર લશ્કરી વિમાનો પણ શસ્ત્રો અને બળતણથી ટાંકીઓ ફૂલ કરે છે. દીવની આસપાસ આવેલાં ગામોમાં લશ્કર ખડકાયું છે. એક ટુકડી ઘોઘલા ગામની પાંજરાપોળમાં સંતાઈ છે. ક્યાંક તો લશ્કરે જમીનમાં ખાડા ખોદી પોઝિશન લેવા માટે જગ્યા બનાવી રાખી છે. સામે પક્ષે દીવમાં ત્યાંના પોર્ટુગિઝ ગવર્નરે પથ્થરોની ખાણમાં કામ કરતાં મજૂરોને છૂટા કરી દીધા છે. પણ આ બધી તૈયારી શેની હતી?
જંગની?
હા, તૈયારી તો જંગની જ હતી.
***
વાત જાણે એમ હતી કે અંગ્રેજો તો ૧૯૪૭માં ભારત છોડીને ઘરભેગા થઈ ગયેલા. પણ પોર્ટુગીઝોનો હજુએ ગોવા, દમણ, દીવ અને દાદરા-નગર હવેલી પર કબજો હતો. સરકાર રાહ જોઈને બેઠી હતી કે ક્યારે પોર્ટુગીઝો આ પ્રદેશો ભારતને હવાલે કરી વતન તરફ રવાના થાય. પ્રદેશો ખાલી કરવાને બદલે પોર્ટુગીઝ લશ્કરે ભારતને સળી કરી. ગોવાના અંજદીવ ટાપુ પાસેથી પસાર થતી ભારતીય આગબોટ ‘સાબરમતી’ પર ૨૪મી નવેમ્બરે પોર્ટુગલ સેનાએ ગોળો ફેંક્યો. એ ગોળાએ પોર્ટુગીઝો વિરુદ્ધ ભારતીય પ્રજાના મનમાં આગ પ્રગટાવવાનું કામ કર્યું. આખા દેશની લાગણી એક જ હતી કે હવે આ ફિરંગી પ્રજા ભારતમાં ન જોઈએ.
ગોવા, દમણ અને દીવમાં બહુ થોડા પોર્ટુગીઝો હતા જેમને ડરાવવા માટે બંદૂકના બે ભડાકા જ પૂરતાં હતા. પણ પોર્ટુગીઝોએ લડત આપવાનું નક્કી કર્યું. પોર્ટુગીઝ સરકારને એવો વહેમ કે ભારત આપણા પર હુમલો કરશે તો બ્રિટન ભારત સામે લડાઈ જાહેર કરી દેશે. એવું ન થાય તો પણ નહેરુ આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જશે. એટલે બન્ને સ્થિતિમાં ફાયદો તો પોર્ટુગલને જ હતો. પણ એવું થયું નહીં. ગોવા, દીવ, દમણ આઝાદ કરવા માટે ૧૩મી ડિસેમ્બરે ત્રણેય સ્થળોએ લશ્કરી આક્રમણની તૈયારી આરંભાઈ ગઈ. સામે પક્ષે પોર્ટુગલોએ પણ ૪૫૦ વર્ષથી દીવાલે લટકતી બંદૂકો ઉતારી ફાઇટિંગનો ઇરાદો જાહેર કરી દીધો. દીવનાં ૧૨ પૈકી ૧૦ દેવળોમાં શસ્ત્રો ખડકાઈ ગયાં હતાં. ભારતની સેના બ્રિગેડિયર જશવંતસિંહની આગેવાનીમાં દીવ ફરતે પહોંચી ગઈ. આજે ગુજરાત સાથે દીવને જોડતો પુલ છે એ પુલ ત્યારે ન હતો. તો પણ ૧૭મીએ રાતે અંધારપટ વચ્ચે લશ્કરે દીવ પર આક્રમણ ચાલુ કર્યું. મુખ્ય ટાર્ગેટ દીવનો કિલ્લો હતો. સેના તો સવારે દીવના કિલ્લા સુધી પહોંચી ગઈ. ત્યાં સુધીમાં દરિયામાં ઊભેલા આઈએનએસ દિલ્હીએ ગોળા ફેંકવાના ચાલુ રાખ્યા હતા. સવારે જામનગરથી ઊડેલાં વાયુસેનાનાં વિમાનોએ પણ થોડી બોમ્બવર્ષા કરી. બોમ્બમારાથી દીવમાં લાગેલી આગ આઠ કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. હવાઈ હુમલાથી તૂટી ગયેલી દીવની જેલમાંથી કેટલાક કેદીઓ ભાગી ગયેલા તો કેટલાક ત્યાં જ દટાઈ મરેલા. કેદ ભોગવી રહેલા કેદીઓની સજા મોતમાં ફેરવાઈ ગઈ.
જશવંતસિંહની સેના દીવમાં પ્રવેશી એના છ કલાકમાં જ પોર્ટુગલે સફેદ વાવટા ફરકાવી દીધા. પણ પોર્ટુગીઝોની મુરાદ મેલી હતી. દીવના ગવર્નર આલ્બર્ટો ફર્નાન્ડોએ ૨૨૨ ગુનેગારોને લૂંટફાટ માટે છૂટા મૂકી દીધેલા. જોકે ભારતીય સૈનિકો તેમને પહોંચી વળ્યા હતા. લડાઈ પૂરી થઈ ત્યાં સુધીમાં ભારતના ૧૩ અને પોર્ટુગલના ૧૦૦ સૈનિક મરાયેલા. ખાલી ટ્રેનો હકીકતમાં જરૂર પડે તો આજુબાજુનાં ગામડાંના લોકોના સ્થળાંતર માટે તૈયાર રખાઈ હતી. પણ પોર્ટુગીઝો બહુ ઝડપથી પાણીમાં બેસી જતાં તેની જરૂર પડી નહીં. આલ્બર્ર્ટોએ શરણાગતિ પહેલાં પોતાના મહેલને ડાઈનામાઈટ વડે ઉડાવી દીધેલો. થોડા કલાકોમાં ૪૦ ચોરસ કિલોમીટરનું દીવ ભારતના નકશામાં સત્તાવાર રીતે પ્રવેશી ચુક્યું હતું.
***
કર્નલ ભોંસલેની આગેવાનીમાં બીજી ટુકડી દમણ તરફ આગળ વધતી હતી. સૈનિકો પહેલાં કલાઈ ચોકી પહોંચેલા. ત્યાંથી પગે ચાલીને ખાડી પાર કરી જમ્પર ચોકી સુધી આવ્યા. ત્યાં આખી રાત ગોળીબાર થયો. દમણના ગવર્નર એન્ટોનિયો પિન્ટો પોતે સ્ટેનગન ચલાવતા હતા અને તેમને પણ સાથળમાં ગોળી વાગેલી. ૨૧ કલાકની લડાઈ પછી જ્યારે ભારતીય સેનાએ કબજો કર્યો ત્યારે ૫૪૦ પોર્ટુગીઝ સૈનિકો, ૨૩ અધિકારીઓ, ૨૬૦ પોલીસને કેદ કરેલા. દમણ હાથમાં આવતા સૈનિકોએ સૌથી પહેલાં ફિરંગીઓની જમ્પર ચોકી ખાતેનો ધ્વજ ઉતારી ભારતીય ધ્વજ ચડાવી ત્યાં શ્રીફળ વધારેલું.
ભારતીય સેનાના હાથમાં દમણ આવ્યું એટલે છ કલાકમાં, વીજળી, પાણી, આરોગ્ય જેવી પ્રાથમિક સેવાઓ ફરી ચાલુ કરી દીધેલી. તો વળી ૨૪ કલાકમાં પોસ્ટ ઓફિસ સિક્કા મારતી થઈ ગઈ હતી. ૧૯મી ડિસેમ્બરે શાકભાજી વગેરેની તંગી હતી એટલે દમણથી વાપી ટ્રકો મોકલી આ બધો સામાન મંગાવાયેલો. મહિનાઓથી બંધ પડેલું દમણનું સિનેમાઘર ૨૧મી ડિસેમ્બરે ફરી ચાલુ કરાયેલું અને તે જ દિવસે વળી પ્રેક્ષકોને મફત ફિલ્મ બતાવાયેલી. દમણ સરકારની તિજોરી આઠ લાખ રૂપિયાની મૂડી સાથે અકબંધ હતી. ફિરંગીઓએ દમણની પ્રજાને કહેલું કે ભારતીયો પાસે કોઇ અદ્યતન શસ્ત્રો નથી. બ્રિટિશરો મૂકી ગયેલા જુના ભંગાર શસ્ત્રો છે. માટે આપણે ચિંતાનું કોઈ કારણ નથી. પણ એવું થયું નહીં અને થોડા સમય પછી ફિરંગીઓએ ત્યાં પણ શરણાગતિ સ્વીકારી લીધી.
***
દરમિયાન મેજર કેન્ડેથની આગેવાનીમાં ગોવા પણ ભારતે કબજે લઈ લીધેલું. ઓછામાં ઓછી જાનહાની અને ચોકસાઈપૂર્વકના ભારતીય સેનાના અભિયાનની અમેરિકાના ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ સહિતનાં અખબારોએ પ્રશંસા કરી હતી. કુલ ૩૭,૫૫૫ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પોર્ટુગીઝ શાસનને ખતમ કરવામાં ભારતીય સેનાને ૪૧ કલાક કરતાં વધુ સમય લાગ્યો ન હતો. સમગ્ર ભારત કરતાં મોડા આઝાદ થયેલા ગુજરાતના બે પ્રદેશો દીવ અને દમણ આજે તેની અલગ પ્રકારની‘આઝાદી’ માટે કુખ્યાત થયા છે એ વળી જુદી વાત છે!
* લડાઈ બાદ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ સૌરાષ્ટ્રના એક ગામે જતા હતા. એ વખતે તેમને રસ્તામાં સૈનિકોની એક ટુકડી મળી. ત્યારે રાજ્યપાલ ગાડી રોકાવી અભિનંદન આપવા માટે નીચે ઊતરી આવ્યા હતા.
* ‘અકબરનામા’માં થયેલી નોંધ પ્રમાણે ફેબ્રુઆરી ૧૫૮૦માં અકબરે ભરૂચના જાગીરદાર મિર્ઝા અઝિઝના કાકા કુત્બુદ્દીન ખાનને દમણ પર હુમલો કરી કબજે લેવા હુકમ કરેલો. જોકે એ વખતે પોર્ટુગીઝો પાવરફુલ હતા એટલે મોગલો ફાવ્યા નહીં.
* દીવની લડાઈ વખતે પારડી ગામે એક ભેંસને ગોળો વાગતા ભેંસ ઊડીને ૨૦ ફીટ ઉછળેલી અને તેના ફૂરચા નીકળી ગયા હતા.
* ઉનાની હોસ્પિટલમાં એક સૈનિક પોતાનો અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. એ વારંવાર ડોક્ટરોને પૂછતો કે દીવ જિતાઈ ગયું? દીવ જિતાઈ ગયું આખરે તેને ખબર પડી કે આપણે વિજેતા થયા ત્યારે જ તેણે લાંબી સોડ તાણી.
* ૧૭મીએ એક પોર્ટુગીઝની પત્નીએ પોતાના પતિને અહીં લડતા મૂકી લિસ્બન પરત જવાની ના પાડી હતી. પરિણામ એ આવ્યું કે એ જ મધરાતે થયેલા બોમ્બ ધડાકામાં બન્ને સંતાનો સહિત માર્યાં ગયાં