જિલ્લા કલેકટર ડી. એ. શાહના અધ્યક્ષ પદે યોજાયેલ નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક

જિલ્લા કલેકટર ડી. એ. શાહના અધ્યક્ષ પદે યોજાયેલ નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આ માટે રચાયેલી કેવડીયા એરિયા ડેવલપમેન્ટ અને પ્રવાસન નિગમ સત્તા મંડળમાં સમાવિષ્ટ કેવડીયા સહિત ૧૪ ગામોના સર્વાંગી વિકાસ માટે વિશેષ અગ્રતા આપવા સુચના અપાઇ.
ચૂંટણીને લક્ષમાં લઇને પ્રજાના કલ્યાણ માટે યોજનાઓ ની ગ્રાન્ટ લેપ્સ ના જાય તે જોવા પણ જણાવ્યું.
કેવડીયા સહિત ૧૪ ગામોમાં સર્વાંગી વિકાસ માટે વિશેષ અગ્રતા આપવા અંગે જરૂરી સમજ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું.
અમલીકરણ અધિકારીઓને જરૂરી સમજ સાથે માર્ગદર્શન પુરૂ પાડતા જિલ્લા કલેકટર ડી. એ. શાહ
રાજપીપલા,તા.20
નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાકીય પ્રશ્નો સહિત લોકોની જાહેર સુખાકારી માટે કરાતી અન્ય રજૂઆતોનો વાજબી, ઝડપી અને સમયસર સુચારૂ ઉકેલ લાવવાની સાથોસાથ પ્રજાસમૂહને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ કરાવવાની દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ટ બનાવી પ્રજા કલ્યાણની બાબતો સંદર્ભે સઘન અને અસરકારક અમલીકરણ થકી જે તે કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે જોવા “ટીમ નર્મદા” ને ખાસ અનુરોધ કર્યો છે.
જિલ્લા સંકલનસહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા જિલ્લા કલેકટરની ડી. એ. શાહે કોવિડ-૧૯ ના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા મુજબ ફરજીયાત માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા, સેનીટાઇઝેશન વગેરે જેવી બાબતોનો ચૂસ્ત અમલ કરવાની સાથોસાથ જિલ્લામાં હાથ ધરાનારી ચાર કેટેગરીમાં કોરોના વેક્સીનની તેમજ તેના સર્વેની કામગીરીની જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાનું આરોગ્યતંત્ર આ દિશામાં રાઉન્ડ ધી ક્લોક કાર્યરત છે.
જિલ્લા કલેક્ટર ડી.એ. શાહે જિલ્લાના તમામ વિભાગોને તેમના બજેટેડ કામોની રોજેરોજની સમીક્ષા કરીને રીવાઇઝડ બજેટની ચિંતા સેવવાની સાથોસાથ તમામ શાખાધિકારીઓને સંભવત: આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓને લક્ષમાં લઇને પ્રજાકલ્યાણ માટેની યોજનાઓની ગ્રાન્ટ લેપ્સ ન જાય તેની ખાસ તકેદારી રાખવાની સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કેવડીયા એરિયા ડેવલોપમેન્ટ અને પ્રવાસન નિગમ સત્તામંડળની કરાયેલી રચના અને તેમા સમાવિષ્ટ કેવડીયા સહિતના ૧૪ ગામોના સર્વાંગી વિકાસ માટે વિશેષ અગ્રતા આપવા અંગે જરૂરી સમજ સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. તદ્ઉપરાંત, સુલપાણેશ્વર અભ્યારણના ફરતે ઇકો સેન્સીટીવ ઝોન હેઠળ સમાવિષ્ટ જિલ્લાના ૧૨૧ ગામોના ઇકોઝોન સંદર્ભે કોઇ ગેરસમજ ઉભી ન થાય તે અંગેની વિસ્તૃત સમજ આમજનતા સુધી પહોંચાડવા સંબંધિત વિભાગોને જરૂરી સમજ અપાઇ હતી.
આ બેઠકમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા તરફથી રજૂ કરાયેલ કરજણ નહેર, નર્મદા નહેર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટસમાં રોજગારી સહિત આરોગ્ય, ટ્રાયબલ-સબ-પ્લાન, વન, ડીજીવીસીએલ, માર્ગ-મકાન, પોલીસ વગેરે જેવા વિભાગો સાથે સંકળાયેલી બાબતો ઉપરાંત ધારાસભ્ય પી.ડી.વસાવા તરફથી રજૂ કરાયેલ ટ્રાયબલ-સબ-પ્લાન અને એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટની બાબત સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તેના સુચારૂ ઉકેલ માટે સંબંધિત અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જરૂરી સૂચના સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં બાકી તુમારોના નિકાલ, બાકી કાગળોના નિકાલ, કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ, નિવૃત્ત થયેલ અને નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શન, ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ, ખાનગી અહેવાલ, પ્રવરતા યાદી પ્રાથમિક તપાસ ખાતાકીય તપાસ વગેરે જેવી બાબતોની પણ શ્રી જિલ્લા કલેક્ટર શાહે સમીક્ષા કરી જે તે કામગીરી સમયસર કરવાની સાથે તેનો યોગ્ય નિકાલ થાય તે જોવાની પણ તેમણે સૂચના આપી હતી.

રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા