રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત “હોમ સ્ટે” પોલિસી સમજ અપાઇ

રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત
“હોમ સ્ટે” પોલિસી સમજ અપાઇ

ગુજરાત બહારના પ્રવાસીઓને હોટેલના ઉપરાંત ‘હોમ સ્ટે’નો મળશે વિકલ્પ

‘હોમ સ્ટે’ થકી પ્રવાસીઓ ગુજરાતની સંસ્કૃતિ, રીતિ-રિવાજો અને ભોજનથી પરિચિત થશે

‘હોમ સ્ટે’માં ઓછામાં ઓછું 1 રૂમ અને વધુમાં વધુ 6 રૂમ સુધીનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે
રાજપીપળા: તા 19

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નર્મદા જિલ્લાના કેવડીયામાં લોકાર્પણ થયા બાદ પ્રવાસીઓ માટે રહેવા જમવાની સગવડ માટે સરકારે હોમ સ્ટે યોજના અમલી બનાવી છે.રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ ગાંધીનગર દ્વારા “હોમ સ્ટે” પોલિસી અંગે જાગૃતિ અને સમજ આપવા અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં “હોમ સ્ટે” પોલિસી શું છે? તેની સાચી સમજ અપાઈ હતી. ગુજરાતમાં બહારથી આવનાર પ્રવાસીઓ હોટેલના વિકલ્પ ઉપરાંત સ્થાનિક લોકોના આવાસમાં “હોમ સ્ટે” થકી ગુજરાતની સંસ્કૃતિ, રીતિ-રિવાજ, ભોજનની અનુભૂતિ મેળવશે.
અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના રિસર્ચ આસિસ્ટન્ટ અમિષા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનાર પ્રવાસીઓને હોટલના વિકલ્પ ઉપરાંત સ્થાનિક લોકોના આવાસમાં પણ રોકાઈ ઘરના વાતાવરણમાં ગુજરાતી સંસ્કૃતિ રિત-રિવાજ તથા ભોજનની અનુભૂતિ મેળવી શકે તે હેતુથી “હોમ સ્ટે” પૉલિસી વર્ષ 2014થી અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ તરફથી આ હોમ સ્ટે પોલિસી લોન્ચ કરવામાં આવી છે જેનાથી શહેરીજનો અને ગામડાના લોકોને હોમ સ્ટે યોજના થકી લાભ થશે. તેઓએ 100 રૂપિયાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જે બાદ તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
હોમ સ્ટે થકી લોકોને આવકનો એક સ્ત્રોત ઉભો થશે. બહારથી આવતા પ્રવાસીઓ ગ્રામ્ય લેવલની રહેણી-કરણી તથા ગુજરાતી ભોજન અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાનો અનુભવ કરી શકશે. જેનાથી આપણી પરંપરાઓ અને આપણી ઓળખ અન્ય દેશોમાં અને રાજ્યોમાં પહોંચશે.

રાજપીપળા નગરપાલિકાના એન્યુઅલ મેનેજર નિશાબેન પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવતા પ્રવાસીઓને આપણી ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળે અને દેશ-વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ પહોંચે અને અહીંના લોકોનો ઇન્કમ સ્ત્રોત વધે એજ હોમ સ્ટે પોલિસીનો મુખ્ય હેતુ છે.
હોમ સ્ટે યોજનામાં જોડાવાની અને તેનો લાભ લેવાની સરળ ઓનલાઈન પ્રક્રિયા છે. tcglhomestayaparc.org ની વેબસાઈટ ઉપર જઈને ન્યુ ફોર્મનું રજીસ્ટ્રેશન કરી શકાય છે.100 રૂપિયા અથવા 200 રૂપિયા ભરી આ યોજનામાં જોડાઈ શકાય છે અને ત્યાર બાદ ગુજરાત ટુરિઝમ દ્વારા ટેલીફોનિક વધુ માહિતી આપવામાં આવે છે.

તસવીર: જયોતિ જગતાપ, રાજપીપળા