62 કિ.મી.નું અંતર કાપવા આ ટ્રેનને ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે જેથી 10 ડબ્બાની ટ્રેન હાલમાં 2 ડબ્બા પર પહોંચી ગઈ !
રસ્તામાં 20 જેટલી માનવ રહિત ફાટકો ને કારણે દર ફાટકે એક મિનીટ ઉભી રહે છે.
ફાટક આવે ત્યારે ટ્રેન ઊભી રહી અને ગાર્ડ નીચે ઉતરી ફાટક બંધ કરે છે.
ટ્રેન આગળ જઈ ફરી ઉભી રહે ત્યાર બાદ ગાર્ડ ફરી ફાટક બંધ કરે છે ત્યારે ફરી ટ્રેન ઉપડે છે.
સરકારે કરેલો 800 કરોડનો ખર્ચ પડ્યો માથે.
ટ્રેનમાં માત્ર 20 રૂપિયા ભાડું હોય જેને કારણે ગરીબો માટે ટ્રેન તો આશીર્વાદરૂપ છે પણ ટ્રેનમાં 3 થી 4 કલાક બેસી મુસાફરી કરવી એ કંટાળાજનક.
રાજપીપળા, તા.6
એક તરફ વડાપ્રધાન મોદી દેશમાં સુપરફાસ્ટ ટ્રેન બુલેટ ટ્રેન લાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે બુલેટ ટ્રેનના જમાનામાં બળદગાડાની ગતિએ ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર ની દોડતી આ રુકરુક ટ્રેન પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં 62 કિ.મી.નું અંતર કાપવા 3 થી 4 કલાકનો સમય લાગતો હોવાથી આ ટ્રેનમાં મુસાફરી કરવી મુસાફરો માટે કંટાળાજનક પુરવાર થઇ છે.
છેલ્લા ઘણા વર્ષોથી ખોટમાં ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર અને અંકલેશ્વરથી રાજપીપળા સુધી રાજા રજવાડા દ્વારા નેરોગેજ ટ્રેન આઝાદી પહેલા ચાલુ કરવામાં આવી હતી.વખત જતા ખોટને લીધે એ ટ્રેન 2003 માં બંધ પણ થઈ ગઈ, પણ પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નારણ રાઠવાએ નેરોગેજ ટ્રેન માંથી બ્રોડગેજ ટ્રેન બનાવવાની મંજૂરી અપાવી.એ ટ્રેનને 800 કરોડના ખેંચે બ્રોડગેજ બનાવી 10 ડબ્બા સાથે 3 ફેબ્રુઆરી 2014 માં ફરીથી ચાલુ પણ કરવામાં આવી હતી. પણ વખત જતા ટ્રેન એની ધીમી ગતિને લીધે પ્રવાસીઓ માટે અળખામણી બની છે અને હાલ 10 ડબ્બા માથી એ ટ્રેન 2 ડબ્બાની થઈ ગઈ છે !
ભારતની તમામ રેલ્વે વિભાગની માનવરહિત ફાટકો દૂર કરાયાનો સરકારનો દાવો ખોટો
કેન્દ્ર સરકાર એવો દાવો કરી રહી છે કે ભારતની તમામ રેલ્વે માંથી માનવરહિત ફાટકો અમે દૂર કર્યા છે.પણ રાજપીપળા થી અંકલેશ્વરની એક માત્ર આ ટ્રેનના રસ્તામાં 20 જેટલી માનવ રહિત ફાટકો છે.જ્યારે ફાટક આવે ત્યારે ટ્રેન ઉભી રહે છે અને ગાર્ડ નીચે ઉતરી ફાંટક બંધ કરે છે, ટ્રેન આગળ જઈ ફરી ઉભી રહે છે બાદ ગાર્ડ ફરી ફાંટક બંધ કરે છે ત્યારે ફરી ટ્રેન ઉપડે છે.અને જ્યારે સ્ટેશન આવે એટલે એક મિનિટ ટ્રેન ઉભી રહે એ તો નફામાં.આમ કરવામાં જ લગભગ 1 થી 1:30 કલાકનો સમય વહી જાય છે.જેને કારણે પેસેન્જરો પણ કંટાળે છે.
સરકારે કરેલો 800 કરોડનો ખર્ચ પડ્યો માથે.
વર્ષ 2003 માં આ ટ્રેનને બ્રોડગેજ કરવા સરકારે મંજૂરી આપી.બ્રોડગેજ થયા બાદ 800 કરોડના ખર્ચે 2014 માં આ ટ્રેન ફરી શરૂ થઈ, 50 કિમિ પ્રતિ કલાકની સ્પીડ પણ નક્કી કરાઈ.પણ માનવ રહિત ફાંટકોને લીધે 50 કિમિ પ્રતિ કલાક કરતા પણ ઓછી સ્પીડથી ચાલવાને લીધે ધીમે ધીમે પેસેન્જરો ઘટવા લાગ્યા, 62 કિમીનું અંતર કાપવા આ ટ્રેનને 3 થી 4 કલાક જેટલો સમય લાગે છે જેથી 10 ડબ્બાની ટ્રેન હાલમાં 2 ડબ્બા પર પહોંચી ગઈ.
વર્ષ 2014 માં ચાલુ થયેલી આ ટ્રેન હાલની તારીખે સંપૂર્ણ ખોટમાં ચાલી રહી છે.રાજપીપળાથી સવારે 5:45 વાગે ઉપડતી ટ્રેનમાં તો પેસેન્જર મળી જાય છે પણ સાંજે આવતી વખતે પેસેન્જરો ઘણા ઓછા હોય છે.રોજની એક ટ્રીપ માટે 300 લીટર ડીઝલનો વપરાશ થાય છે.તમામ ખર્ચ જોતા એક ટ્રીપમાં 20,000 રૂપિયાનો ખર્ચ થાય છે એની સામે આવક જોઈએ તો 2000 થી 3000 થાય છે.ટ્રેનની સ્પીડ ફાટકોને લીધે ટ્રેનની સ્પીડ વધારી શકાય તેમ નથી.જો ફાટકો બનાવી દેવામાં આવે તો સ્પીડ પણ વધે અને ટ્રેનમાં મુસાફરો પણ વધી શકે છે.રાજપીપળાથી અંકલેશ્વર અપડાઉન કરતા વિધાર્થીઓનુ ટાઈમ પર ટ્રેન ન પહોંચાડતા ભણતર બગડે એમ હોવાથી તેઓ ટ્રેનની મુસાફરી પસંદ કરતાં નથી.
રાજપીપળાથી અંકલેશ્વર વચ્ચે બસમાં ભાડું 60 રૂપિયા લેવામાં આવે છે જયારે ટ્રેનમાં માત્ર 20 રૂપિયા ભાડું હોઈ.જેને કારણે ગરીબો માટે ટ્રેન તો આશીર્વાદ રૂપ છે પણ ટ્રેનમાં 3 થી 4 કલાક બેસી મુસાફરી કરવી એ કંટાળા જનક બને છે.બીજું જોઈએ તો સ્ટેશનો તો ઘણા આવે છે પણ ટિકિટની સુવિધા પણ ટ્રેન માજ કરવામાં આવી છે.ટ્રેનમાં ચઢતા પહેલા ટીસી પાસેથી ટિકિટ લઈ પછી ટ્રેનમાં સફર કરવાનો હોય છે. ત્યારે સરકારે આ ટ્રેનની સ્પીડ વધારે અને પ્રવાસીઓને વધુ સુવિધા આપે એવી જનતાએ માંગ કરી છે.