રાજકોટ પોલીસ કમિશનર ઉત્તરાયણને લઇને જાહેર કરી ગાઇડલાઇન, કહ્યું- પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખે તો દંડ થશે.

રાજકોટ,19 ડિસેમ્બરઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિનો તહેવાર ગુજરાતી ખૂબ જ હોંશેથી ઉજવે છે, નવા વર્ષના આ તહેવારને પણ લોકો પહેલાની જેમ માણી નહીં શકે. તેનું કારણ ફક્ત કોરોના જ છે. તાજેતરમાં જ કોરોનાના કારણે રાજકોટ પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા, તુક્કલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે, તેમજ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ફેલાય નહીં તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કર્યું છે, જાહેરનામા મુજબ તા.18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.

ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય તેવા લખાણ વાળી પતંગ ઉડાવી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતાં હોવાથી ચાઇનીઝ દોરાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

મકરસંક્રાંતી પૂર્વે પોલીસ કમિશનર હર હંમેશ જાહેરનામુ પ્રસિદ્ધ કરતા હોય છે. જેનું મુખ્ય કારણ એ છે કે લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને. પરંતુ લોકો ઘણી ખરી વખત બેજવાબદાર બની ચાઇનિઝ તુક્કલ, ચાઇનિઝ દોરી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ખરીદે છે સામે વેંચનારની પણ નૈતિક જવાબદારી છે કે જાહેનામાનું ચુસતપણે પાલન કરે.