આદિવાસીઓની છોકરીઓ અન્ય વિસ્તારમાં એજન્ટો વેચે છે, મનસુખ વસાવાની CMને રજૂઆત.

સોશિયલ મીડિયામાં વિરોધ કરવાથી નહી, પણ સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવવું પડશે: BJP સાંસદ

રાજપીપળા, તા15
ગુજરાત ભાજપના ડભોઈ વિધાનસભાના MLA શૈલેશ સોટ્ટાએ ગુજરાતમાં “લવ જેહાદ” મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી હતી.ત્યારબાદ ગુજરાતના સિનિયર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં “લવ જેહાદ”નો કડક કાયદો બનાવવા CM રૂપાણીને રજૂઆત કરી હતી.

BJP સાંસદ મનસુખ વસાવાએ “લવ જેહાદ” મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. એમના એ આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યુ છે.
હવેભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ “લવ જેહાદ” બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને ગરીબાઈનો લાભ લઈ ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે. આ કાર્યો કરવા માટે પણ એક પ્રકારે મોટા પાયે એજન્ટોની ટીમ સક્રિય છે.
આથી ગરીબ આદિવાસી દિકરીઓ પ્રલોભન આપી આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે, આના પર પણ રોક લગાવવા કાયદામાં જોગવાઈ કરવા સરકાર સમક્ષ મેં રજૂઆત કરી છે.

ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 5 વર્ષથી સતત “લવ જેહાદ” અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવા મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું, પરંતુ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ નથી આવવાનો. એના માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાલ પણ આદિવસીઓની છોકરીઓના કાઠિયાવાડ, મેહસાણા, અમદાવાદ સહિતના અન્ય વિસ્તારમાં લગ્ન કરાવી, લગ્ન કરાવનાર વચેટિયાઓ વર પક્ષ પાસેથી રીતસરનું કમિશન લેતા હોવાનું તથા આ કમિશનમાં યુવતીના માતા-પિતાને પણ અમુક હિસ્સો આપતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.તો ભાજપ સાંસદના કાને આ વાત ચોક્કક્સ આવી હોવી જોઈએ, એ જ કારણે એમણે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હશે.

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા