*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત કરાઇ. કોરોના કાળમાં અત્યાર સુધીમાં ૩ લાખ ૧૦ હજારથી વધુ દર્દીઓએ ઓપીડીનો લાભ મેળવ્યો*

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની સૂચના અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી ફરી વખત શરૂ કરવામાં આવી છે.

કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી 1 વાગ્યાની ઓપીડી દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે કાર્યરત હતી. જે હવેથી બપોરે ૨થી ૪ દરમિયાન પણ દર્દીઓની સારવાર અર્થે કાર્યરત રહેશે.

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.પી‌.મોદી જણાવે છે કે “અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે ઓ.પી.ડી.ની મુલાકાત લેતા હોય છે. અમારા ત્યાં દર મહિને અંદાજે 90 હજારથી વધુ o.p.d.ની સંખ્યા રહેતી હોય છે.નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની મળેલ સૂચના અનુસાર અમે આજથી જ સાંજની ઓ.પી.ડી શરૂ કરી છે .જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે તેવું તેમણે ઉમેર્યું હતુ”.

વિશ્વભરમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી છે.
સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્રદેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં હોઈ અને કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો હતો.

રાજ્યભરમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી દર્દીઓ માટે ફરી શરૂ કરવા સુચના આપવામાં આવી હતી.

જેને ધ્યાને લઇને આજરોજથી જ અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સંધ્યા ઓ.પી.ડી. ફરી વખત શરૂ કરવામાં આવી છે.
દર્દીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે હેતુસર મેડિસિન, ઓર્થોપેડિક, બાળરોગ,સ્કીન જેવા વિવિધ પ્રકારના રોગોની સંધ્યા ઓ.પી.ડી દર્દીઓને લાભદાયક નીવડશે.