*કોરોના વોરિયર્સના સંતાનોના ડિજિટલ શિક્ષણ માટે સહાયનો પ્રવાહ…સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા…*

અમદાવાદ: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી પડેલી આપદામાં મદદરૂપ બનવા સ્વેચ્છાએ શારીરિક અને આર્થિક રૂપે સેવા સુશ્રુષાનો ધોધ વહાવ્યો છે.
હાલ પણ કોરોનાની વિકટ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા ખાનગી કંપનીના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં C.S.R.પ્રવૃતિઓ એટલે કે કોર્પોરેટ સોશયલ રીસ્પોન્સીબિલીટી (સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ) હેઠળ સિવિલ હોસ્પિટલમા ૧૦૦ જેટલા ટેબ્લેટ ભેટ કરવામાં આવ્યા હતા.

સરકાર દ્વારા કાર્યરત ડિજીટલ ભારત મિશનને પ્રોત્સાહન આપવાના હેતુસર તેમજ બાળકોને ઓનલાઇન શિક્ષણમાં વધુ પરિપક્વ બનાવવા માટે ખાનગી કંપની દ્વારા ૧૦૦ જેટલા અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટેબલટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ ટેબલેટ નર્સિસ, લેબ ટેકનીશીયન, વર્ગ-૪ના કર્મચારીઓ કે જેમના સંતાન ઘોરણ ૪ થી ૧૧ માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય તેમાં ૨ વર્ષનું બાયજુસ ઓનલાઇન એપના સબસ્ક્રિપશન સાથે કોરોના વોરીયર્સને ભેટ કરવામાં આવ્યું હતું.
વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થાના ડાયરેક્ટર ડૉ. બીનિતા વર્ડીયાએ કહ્યુ કે “અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી રહી છે. એશીયાની સૌથી મોટી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરી રહેલા મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ કર્મીઓના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુસર આ નેમ હાથ ધરવામાં આવી છે”.

સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદીએ સંસ્થા તરફથી મળેલ ભેટને સ્વીકારતાં કહ્યું કે વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પરિવારના બાળકોના કારકિર્દી ઘડતર ની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.તેમના કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થવા માટેના પ્રયાસો ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે.

આ સેવાભાવી સંસ્થા દ્વારા અમારી હોસ્પિટલને અગાઉ પણ કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપયોગી નીવડે એવા અત્યાધુનિક વેન્ટિલેટર, હાઇ ટેક મશીનરી , બાય પેપના માસ્ક ભેટ કરવામાં આવ્યા હતા જે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખૂબ જ ઉપયોગી રહ્યા છે. હું વડોદરા સ્થિત એન.જી.ઓ.ની સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત કરવામાં આવેલી આ પહેલને બિરદાવું છુ. આવી જ રીતે અન્ય સંસ્થા અને વ્યક્તિ સમાજઉપયોગી બની દેશને આ મહામારીમાંથી ઉગારવામાં મદદરૂપ બને તેમ ડૉ. જે.પી.મોદીએ ઉમેર્યુ હતુ.