~~~ ભવાની મંદિર -મહુવા ~~~
ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.
—
લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી. જેમાં મોટા પુત્રનું નામ રુકમય અને પુત્રીનું નામ રુકમણી હતું. રુકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા. જે રુકમણીજીને પસંદ ન હોય, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો.
જેમાં તેમણે કહ્યું હતું કે, મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિરે આવી મારુ હરણ કરી તમારી સાથે લઈ જાવ. આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રુકમણીજીને તેમની દ્વારકા લઈ જઈ ત્યાં વિવાહ કરી લે છે. આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું પ્રતિક ગણાય છે અને આ પ્રસંગના પૂરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મૌજૂદ છે. આ દંતકથાને કારણે આજે પણ અપરિણીત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજી સમક્ષ મનોકામના કરી પૂજન-અર્ચન કરે છે.