કૌભાંડી હિરેન ઊંઝાથી ભાગ્યો હતો કે અધિકારીઓએ ભગાડયો? વેપારીઓમાં ગણગણાટ શરૂ

કૌભાંડી હિરેન ઊંઝાથી ભાગ્યો હતો કે અધિકારીઓએ ભગાડયો? વેપારીઓમાં ગણગણાટ શરૂ

જીએસટી ના અધિકારીઓ કરતા કૌભાંડી હિરેનનું નેટવર્ક વધારે મજબૂત

ઊંઝામાં ધમધમતા બોગસ બિલિંગ કૌભાંડ ઉપર અધિકારીઓના છૂપા આશીર્વાદ

કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા ઊંઝાના હિરેન પટેલને જીએસટીના અધિકારીઓએ અંબાજીથી ઝડપી લીધો હતો. હવે પાંચ દિવસ સુધી ઊંઝાથી અંબાજી, અંબાજીથી આબુ ,આબુથી ઉદયપુર અને ઉદયપુરથી પાછા અંબાજી સુધી ભાગેલો હિરેન ખરેખર ભાગી ગયો હતો કે પછી અધિકારીઓએ તેને ભગાડ્યો તે મુદ્દાને લઈને વેપારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

જો ખરેખર હિરેન અધિકારીઓની મદદ વગર ભાગ્યો હોય તો જીએસટીના અધિકારીઓ કરતા તેનું નેટવર્ક મજબૂત હોય તે વાત પાકી સાબિત થઇ રહી છે કેમકે જ્યારે અધિકારીની ટીમ તેને પકડવા જે તે સ્થળે પહોંચે તે પહેલા જ તે ભાગી જવામાં સફળ રહેતો હતો. ઊંઝામાં જીએસટી ચોરી કર્યા વગર ધંધો કરતા વ્યાપારીઓની રજૂઆત છે કે જો આ પ્રકરણની તટસ્થ તપાસ થાય તો ચોક્કસ મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થાય અને તેની સાથે સંકળાયેલા મોટા માથાઓ સુધી તપાસનો રેલો પહોંચે તો ચોક્કસ આ દૂષણ અટકી શકે.

માત્ર ઊંઝાજ નહીં પરંતુ ગુજરાત ભરમાં ધમધમી રહેલા બોગસ બિલિંગ કૌભાંડમાં મોટાભાગના કૌભાંડીઓ જીએસટીના કર્મચારીઓ -અધિકારીઓ કે પછી નિવૃત્ત કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ જ કૌભાંડ આચરી રહ્યા હોવાની વિગતો જગજાહેર છે.અગાઉ પણ સંખ્યાબંધ અધિકારીઓની કૌભાંડીઓ સાથેની સંડોવણી છતી થઇ હતી તેમ છતાં સિનિયર અધિકારીઓ દ્વારા તેમને છાવરી લેવામાં આવ્યા છે.

ઘણા કિસ્સામાં ખુબ જ વિવાદ ઉભો થાય કે કૌભાંડો સાથેની સંડોવણીની વાતો છેક ગાંધીનગર સુધી પહોંચી જાય તો અધિકારીઓની અને કર્મચારીની બદલી કે સામાન્ય સજા કરી વાત પૂરી કરી દેવામાં આવી રહી છે.જેને પગલે બોગસ બિલિંગ કરતા કૌભાંડીઓને અને તેમને માર્ગદર્શન આપી રહેલા કર્મચારીઓ અધિકારીઓને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય તેવો ઘાટ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ જીએસટી ના અધિકારીઓ એ ઊંઝા ના વેપારીઓ પર ત્રાટકીને સંખ્યાબંધ પેઢીઓ ઉપર દરોડા પાડી તપાસ આદરી હતી. જેમાં કૌભાંડ કરોડો રૂપિયાનું હોવાની વિગતો આપતા અધિકારીઓને એક જ ફોન આવતા તાકીદે તપાસ આટોપી લેવી પડી હતી અને મુખ્ય સૂત્રધાર એવા સંજય પટેલને પણ અધિકારીઓએ ઝડપી શક્યા નહોતા. જ્યારે રાજકીય પરિબળો બદલાયા અને સંજયના માથેથી વગદાર રાજકીય અગ્રણીઓનો હાથ હટી જતા અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો.