‘ડર કે આગે સેવા હે’ ના જીવન મંત્ર સાથે અવિરત સેવા આપતા કર્મઠો. એનેસ્થેસિયા વિભાગમાં બાહોશી પૂર્વક ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા તબીબો .

અમદાવાદ* ‘કોરોના’ આ શબ્દથી હવે કોઈ અજાણ નથી.. કોરોનાએ અનેક લોકોને સંક્રમિત કર્યા છે… રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે અનેક પગલાં લીધા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ આજે અનેક દર્દીઓને સારવાર અપાઇ રહી છે… દર્દીઓની સેવા સુશ્રુષા માટે સંખ્યાબંધ તબીબો અવિરત સેવા આપી રહ્યા છે. કોરોનાના સંક્રમણની શક્યતા વચ્ચે આ તબીબો ‘ડર કે આગે સેવા હૈ’ ના જીવન મંત્ર સાથે સતત કાર્યરત રહ્યા છે.
એનેસ્થેસિયા વિભાગના એડિશનલ પ્રોફેસર ડોક્ટર તરલીકા કહે છે કે, ‘ તબીબોને પણ કોઇ પ્રકારની શારીરિક તકલીફ હોઇ શકે છે… એવી પરિસ્થિતિમાં પણ અમે દર્દીઓને સારવાર આપવામાં ક્યારેય કચાશ નથી રાખતા. 1200 બેડની હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ હું એનેસ્થેસિયા નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું… અનેક પ્રકારના દર્દીઓ સારવાર માટે આવ્યા અને સાજા થઈને પરત પણ ગયા… કોવિડના પ્રોટોકોલ પ્રમાણે સ્વભાવિક રીતે દર્દીના સગા જોડે ન જ હોય, એવા સંજોગોમાં અમારી જવાબદારી વિશેષ બને છે.. ક્યારેક દર્દીઓ બેભાન અવસ્થામાં પણ હોય ત્યારે તેમની વિશેષ કાળજી લેવી પડે છે…આ દર્દીઓની સારવાર દરમિયાન અમને પણ કોરોના સંક્રમણ લાગી શકે છે. મને પોતાને ૧૯૮૨થી શ્વાસની તકલીફ છે, મારા હૃદયના ધબકારા ઘણા અનિયમિત રહે છે, તેમજ મારા ફેફસાનો મોટો ભાગ પણ ક્ષતિગ્રસ્ત છે, પરંતુ તેને અવગણીને મેં મારી ફરજ ચાલુ જ રાખી છે.. હાલમાં પણ ૧૦ થી ૧૫ જેટલા રેસિડેન્ટ ડોક્ટર સંક્રમિત છે અને સારવાર હેઠળ છે, ડોક્ટર્સના પરિવારજનોને પણ ચેપનું જોખમ રહે છે, પરંતુ દર્દીઓની સેવા એ જ અમારો જીવન મંત્ર છે’ એમ તેઓ ઉમેરે છે.
પ્રોફેસર અને એનેસ્થેસિયા વિભાગના ઇન્ચાર્જ હેડ ડોક્ટર દિક્ષિતા ત્રિપાઠી કહે છે કે, ‘કોરોના કાળમાં સૌથી પડકારજનક કામગીરી icu મેનેજમેન્ટની છે.. ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દર્દીઓની સારવાર એક પ્રકારનો તબીબી પડકાર હોય છે… ઓક્સિજન મેનેજમેન્ટ ,વેન્ટિલેટર મેડિકલ મેનેજમેન્ટ જેવી વિવિધ કામગીરી નિભાવી પડતી હોય છે પરંતુ કોઈ પણ કપરી પરિસ્થિતિમાં દર્દીઓની સેવા સુશ્રુષા એ અમારી પ્રાથમિકતા છે… મારો પોતાનો પણ થોડાક સમય પહેલા કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને બ્લડ ઇન્ફેક્શન થયું હતું, કોરોના અતિ ગંભીર બનતા ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા, કોરોના થયા બાદ શારીરિક નબળાઈ અનુભવી રહી હતી, પરંતુ સારવાર બાદ તરત જ ફરજ પર હાજર થઈ મેં મારી કામગીરી શરૂ કરી…

રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનો અમલ કરવાનો અનુરોધ કરતાં ડૉ ત્રિપાઠી કહે છે કે, માસ્ક પહેરવું, સેનીટાઇઝેશન, હાથ ધોવા, ભીડમાં ન જવું જેવી સૂચનાઓનું પાલન લોકોએ કરવું જ જોઈએ…
આવા તો અનેક તબીબો અને પેરા મિડેકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાના સંક્રમણની ભિતી વચ્ચે દિવસ રાત દર્દીઓની સેવામાં વ્યસ્ત રહે છે. દર્દીનારાયણની સેવા જ એમના માટે સર્વસ્વ છે. સલામ છે આવા કર્મનિષ્ઠોને…