આધુનિક વ્રતકથા….
એક ગરીબ હોસ્પિટલ હતી… બિચારી ખુબ જ ગરીબ હતી.. ગરિબાઈના કારણે કેટલાંક ધારાધોરણ જાળવી નહોતી શકી.. એ ભોળીને એને કાઈ જરુર પણ ના લાગી.. એક વાર દૈવીકોપને કારણે સળગી ગઈ… એના છોકરા રઝળી પડ્યા.. કિડી મકોડા બળીને ખાખ થઈ ગયા એને એની કાંઈ પડી નથી.. એને એના છોકરાની ચિંતા હતી…
ચિંતામાં ને ચિંતા એ રસ્તા ઉપર બેઠી હતી. ત્યાં બીજી ચાર પાંચ હોસ્પિટલો એની સામેથી પસાર થઈ.. બધાના હાથમા મોટો થાળ હતો.. થાળને એ લોકોએ અલગ અલગ રંગના રેશ્મી કપડાથી ઢાંકયો હતો… આપણી ગરીબ હોસ્પિટલને એમા રસ પડ્યો.
“મારી હોસ્પિટલ બહેનો.. મારી હોસ્પિટલ બહેનો..
આ તમે શેનું વ્રત કરો છો.. જરા અમને પણ જણાવો..”
ગરીબ હોસ્પિટલની આવી આજીજી સાંભળીને બીજી ગરીબ હોસ્પિટલને દયા આવી… એમને લાગ્યુ.. આ કોઈ નક્કી દુખયારી હોસ્પિટલ લાગે છે… ભારેખમ થાળને બીજા હાથમા લઈ સુરતવાળી ગરીબ હોસ્પિટલે કહ્યુ.
“નક્કી… મારી દુખયારી હોસ્પિટલ તું ભારે મુસીબતમાં લાગે છે…..”
અને રાજકોટવાળી ગરીબ હોસ્પિટલ ચોધાર આંખે રડી પડી….
“હું દાઝી છું તનમનથી દાઝી શુ.. બુન… મારા તો છોકરા રઝળી પડ્યા છે..”
અમદાવાદવાળી ગરીબે કહયુઃ
” રડ માં.. રડમાંં.. મારી દુખયારી બુન રડ મા..
અમેય તારી જેમ આ મુસીબત સહન કરી ચુક્યા છે..
પણ માતાજીના વ્રતે અમે પાછા સાજાસમાં થયા છીએ.
રાજકોટવાળી એ કહ્યું.. “એ માતાજીનું નામ કહો બહેનૌ”
બધીયું એક સાથે બોલી…” તપાસમાતા..”
‘ આ માતાના વ્રત કરવાથી… તમારા શહેરના મેયર આગને કુદરતી ગણી લેશે.. પોલીસવાળા તારા છોકરાને સાચવી લેશે.. ફાયરવાળા તપાસ ઢીલી કરશે.. વહીવટી તંત્ર તપાસ તપાસ રમશે.. આરોગ્ય મંત્રાલય કદી પણ રિપોર્ટ ન આપે કમિટી નિમી દેશે. ટૂંકમાં તારી મુશિબતો ટળશે….”
“આ વ્રતની વિધિ સમજાવો.. “રાજકોટ વાળીએ શ્રધ્ધાથી કહયુઃ. અમદાવાદવાળીએ રાજકોટવાળીના કાનમા આંખીએ વિધી સમજાવી…
તપાસ માતા જે રીતે આ હોસ્પિટલોને ફળ્યા એવી બધી હોસ્પિટલોને પણ ફળજો..
બોલો તપાસમાં ની……..
ડો.સ્વપ્નિલ કેશવલાલ મહેતા