*૭ વર્ષની બાળકીનું કેન્સરવાળું હાડકું શરીરમાંથી બહાર કાઢી તેમાંથી ટ્યુમર દૂર કરી ફરી ફીટ કરાયું : પ્રથમવાર 3D પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો*
ગુજરાતનાં વડોદરામાં રહેતા ૨૮ વર્ષીય અર્જુન માળીનો ખભ્ભો વારંવાર ઉતરી જતો હતો. રાત્રે ઉંઘમાં, બાઈક ચલાવતી વેળા કે વજન ઉપાડતી વેખતે તેનો ખભ્ભો ઉતરી જતો હતો. આ તકલીફનાં લીધે તેને નોકરી પણ ગુમાવવી પડી હતી. છેલ્લા સાત વર્ષમાં અર્જુનનાં ખભ્ભાનું હાડકું ૩૦ વખત ખસી ગયું હતું. અર્જુનને આ તકલીફમાંથી મુક્તિ ત્યારે મળી જ્યારે ગોત્રીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી. ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે, અર્જુનનાં ખભ્ભાનું હાડકું વારંવાર ઉતરી જવાની ચોક્કસ ખામીને ઓળખવા માટે ખભ્ભાનું 3D મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પહેલી વખત હતું જ્યારે આવી સ્થિતિમાં દર્દીની સારવાર કરવા માટે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં 3D ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ડોક્ટરોએ ખભ્ભાના હાડકાનું 3D મોડલ બનાવ્યું હતું. 3D મોડલથી ડોક્ટરોને હાડકું ખસી જવાના ડાયનેમિક્સ તેમજ ખામી ક્યાં છે તે વિશે જાણવા મળ્યું હતું. 3D મોડલના ઉપયોગથી ડોક્ટરોને એ પણ જાણવા મળ્યું કે, અર્જુનનાં સોકિટમાં ૨૦ ટકા હાડકામાં ખામી હતી જ્યારે ખભ્ભામાં ૧૦ ટકા હાડકામાં ખામી હતી. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી ૨ લાખ રૂપિયામાં થાય છે પરંતુ અર્જુનને સરકારી હોસ્પિટલમાં આ સર્જરી કરવાનો ખર્ચ માત્ર ૧૦ હજાર રૂપિયા થયો હતો.
અન્ય એક કેસમાં અમદાવાદ સિવિલમાં આવેલા કેન્સર વિભાગે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે. દ્વારકાની ૭ વર્ષની બાળકીનું કેન્સરવાળું હાડકું બહાર કાઢી તેમાંથી ટ્યુમર દૂર કરી ૬ કલાકની સર્જરી બાદ હાડકું ફરી ફીટ કરાયું છે. આ ઓપરેશન માટે પ્રથમવાર 3D પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. થાપાનું હાડકું ટેક્નોલોજીથી કાઢી તેને કેન્સર મુક્ત કરાયું હતું. બાળકીનું હાડકું પાછું પ્લેટ અને બાદમાં સ્ક્રુની મદદથી સફળતાપૂર્વક ફીટ કરાયું હતું. આ સર્જરી માટે આખું હાડકું કાઢવાને બદલે પહેલાં હાડકાનો એકસ-રે, સિટીસ્કેન અને એમઆરઆઈ કરીને 3D પ્રિન્ટિંગ મશીન દ્વારા હાડકાની સાઈઝ નક્કી કરાઈ હતી. બાળકીનાં થાપાનું હાડકું ૩૦ સેમીનું જ્યારે ગાંઠ ૧૮ સેમીની હતી. આ ટેકનોલોજી વિના બાળકીના ૩ સેમી ઘૂંટણની સાથે ૧૮ સેમી ટ્યુમરવાળું હાડકું એમ કુલ ૨૧ સેમી જેટલું હાડકું કાઢવું પડે તેમ હતું. તેને બદલે ટેકનોલોજીની મદદથી હાડકાનું ચોક્કસ માપ કાઢ્યું અને હાડકું આડુંઅવળું કપાય નહીં તે માટે 3D પ્રિન્ટિંગથી ડેમો મોડેલ બનાવીને જીગ ડિવાઈસથી કાપ્યું અને સર્જરી કરાઈ હતી. આ સારવાર દરમિયાન 3D પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ પ્રથમવાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સર્જરી ખાનગી હોસ્પીટલમાં રૂપિયા ૮થી ૧૦ લાખ રૂપિયાનાં ખર્ચે થતી હોય છે ત્યારે આ ઓપરેશન સરકારી કેન્સર વિભાગ દ્વારા નિ:શુલ્ક કરવામાં આવ્યું છે.
સમાજનાં વિકાસનો માપદંડ નાગરિકોનાં સ્વાસ્થ્ય ઉપર નિર્ભર હોય છે. રૂપાણી સરકારે છેલ્લા ૩ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે સંવેદનશીલ અભિગમ સાથે અનેક ક્રાંતિકારી નિર્ણયો કરીને રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે નવી આરોગ્ય નીતિ બહાર પાડીને આરોગ્ય સુવિધા વધારવાનો પ્રયાસ કર્યો છે. રૂપાણી સરકાર છેવાડાના વિસ્તારોમાં રહેતા દર્દીઓને આરોગ્ય ચિકિત્સાનો લાભ મળે તે માટે દરેક વિસ્તારોમાં મેડીકલ કોલેજો બનાવી રહી છે. સરકારી હોસ્પિટલમાં પણ ઉત્કૃષ્ટ સારવાર નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા રાજકોટને એઈમ્સની સુવિધા આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર-ક્ચ્છનાં દર્દીઓને સુપર સ્પેશ્યલાઈઝ્ડ આરોગ્ય સેવાઓનો લાભ મળશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર ગરીબ દર્દીઓ માટે મા અમૃતમ અને મા વાત્સલ્ય સહિતની લાભકારી યોજનાઓ ચલાવીને ગરીબ દર્દીઓ પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. રૂપાણી સરકાર નિ:શુલ્ક ધોરણે આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવસેવાનું સંવેદનશીલ કાર્ય કરી રહી છે તેમ કહીએ તોય જરા પણ ખોટું નથી.