*કોરોનાના કાળમાં ફટાકડાનો વેપાર બુઝાયો. – સિધ્ધાંત મહંત.

‌કોરોનાના સમયચક્રમાં એક પછી એક તહેવાર આવીને જતાં પણ રહે છે. સૌ તહેવારોની ફીક્કી ઉજવણીના કારણે વેપાર ધંધાને માઠી અસર પડી રહી છે. તો વળી સીઝનલ વેપાર ધંધા કરતા લોકોને આ વખતે કોરોનાનું મહાસંકટ નડ્યું છે. ક્યાંક રાતોરાત ધંધો બદલવાની પણ નોબત આવી ચૂકી છે. નજીકમાં જ મહાપર્વ દિવાળી આવી રહી છે. ત્યારે આ પર્વ ઉપર પણ કેટલીક અસરો જોવા મળી રહી છે. ખેડા જિલ્લાના વડામથક નડીઆદમાં દર વર્ષે દિવાળીના પખવાડિયા અગાઉ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફટાકડાની હાટડીઓ શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે ફટાકડાના વેપાર ધંધાને માઠી અસર પડી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. મુખ્ય માર્ગો ઉપર આ વખતે જુજ હાટડીઓ જ હાલ શરૂ થઈ છે. એકઅંદરે પહેલા કરતા ચાલુ વર્ષે ફટાકડાના વેપારમાં ઘટાડો થયો હોય તેવું સ્પષ્ટ ચિત્ર બજારમાં દેખાય રહ્યું છે. તો બીજી તરફ મોટા ભાગના લોકો આ વખતે ફટાકડા નહીં ખરીદે તેવી ભીતિ પણ વેપારી આલમમાં ચર્ચાઈ રહી છે. દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે છેલ્લી ઘડીએ એટલે કે અગીયારસ બારસ બાદ જ ફટાકડામાં ઘરાકી ખુલશે તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. દર વર્ષે છુટક ફટાકડાનો વ્યવસાય કરતા કેટલાક લોકોએ તો આ વખતે પાટો બદલ્યો છે. અને બીજા વ્યવસાય તરફ વળ્યા છે. આ બધા પાછળનું કારણ ફક્ત એક જ છે ફીક્કા પડેલા તહેવારોની જેમજ જો દિવાળી પર્વ પણ ફીક્કો જશે તો ? આ તો વાત થઇ ફટાકડાના વ્યવસાયની આવા તો અનેક વ્યવસાયો છે જેમકે મિઠાઇ, ફરસાણ, ઘર સજાવટની વસ્તુઓ વગેરે વ્યવસાય ઉપર માઠી અસર પડી છે. આવો આપણે ઓનલાઇનના યુગમાં ઓફ લાઈન વસ્તુઓ ખરીદીયે અને લોકલ બિઝનેસને આગળ ધપાવીએ……… જેથી કરીને આવા વ્યવસાય કરતા લોકોને મદદ મળી રહે. અને હા બજારમાં જઈએ ત્યારે ખાસ કરીને લારીવાળા કે શ્રમિકોની પાસે રકઝક ન કરીએ. કારણ કે એ 5, 10, 20, 50 કે 100 રૂપિયામાં તેનો નફો હોય છે. આપણે હોટલમાં જઈએ તો આવી જુજ રકમ આપણે વેટર પાછળ ફાળવી દેતા અચકાતા નથી તો આ શ્રમજીવીઓ તો પેટ માટે ધંધો કરે છે. ચાલો લોકલ બિઝનેસને આગળ ધપાવી કોરોના સંકટમાં પડી ગયેલા વ્યવસાયને ઉભા કરવામાં મદદ કરીએ…… #એક_યોગદાન_તમારુ
આલેખન :- સિધ્ધાંત મહંત, જર્નાલિસ્ટ
નડિયાદ-ખેડા 9998527193
Siddhantmahant@gmail.com.