*સેન્સેક્સ 900 અને નિફ્ટી 272 પોઇન્ટ ઊછળ્યો*

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં મજબૂતીને પગલે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ બજેટ પહેલાંના સ્તરે આવી ગયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ 900 પોઇન્ટ અને પ્રી બજેટ 40,812ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 272 પોઇન્ટ વધીને 11,980ના મથાળે બંધ રહ્યો હતો. તેજીવાળાઓએ શેરોની જાતેજાતમાં લેવાલી કાઢી હતી. લગભગ તમામ ઇન્ડેક્સ તેજી સાથે બંધ આવ્યા હતા. જોકે પંજાબ નેશનલ બેન્કના ત્રીજા ત્રિમાસિક પરિણામો પ્રતિકૂળ આવતાં શેરમાં ભારે વેચવાલી થઈ હતી. નિફ્ટી ઇન્ડેક્સમાં આવેલો ઉછાળો એ 23 સપ્ટેમ્બર, 2019 પછી સૌપ્રથમ વાર આટલો મોટો ઉછાળો ઇન્ટ્રા-ડેમાં આવ્યો હતો. બે દિવસમાં નિફ્ટી ઇન્ડેક્સ 2.7 ટકા વધ્યો હતો.