અમદાવાદ સોલા સિવિલના RMO અને ડોકટરને રૂપિયા 8 લાખની લાંચ લેતા ACBએ ઝડપ્યા.

અમદાવાદ: કોવિડ દર્દીઓને ચા, પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રકટરનું રૂપિયા 1.18 કરોડનું બિલ પાસ કરવા બાબતે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરો દ્વારા રૂ. 8 લાખની લાંચ માંગવામા આવી હતી. એસીબીની ટિમે લાંચની રકમ સ્વીકારતા સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ અને ડૉ,શૈલેષ પટેલને ઝડપી લીધા છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને સ્ટાફને ચા, નાસ્તો, પાણી અને જમવાનું ઓર્ડર મુજબ પૂરું પાડતા કોન્ટ્રેકટરનું રૂ.1.18 કરોડનું બિલ પાસ થયું ન હતું. આ રકમ મેળવવા માટે કોન્ટ્રકટરે બિલ પાસ કરવા માટે RMO અને ડૉ,શૈલેષ પટેલને સહી કરવા જણાવ્યું હતું.

આ બન્ને આરોપીઓએ શરૂમાં બિલની રકમના 30 ટકા લાંચ પેટે માંગી હતી. તે પછી રકઝક બાદ 16 ટકા લાંચની રકમ નક્કી થઈ હતી. જે પેટે રૂ.10 લાખની રકમ બંને આરોપીઓએ લીધી હતી. બાકીની રૂ.6 લાખની લાંચ તેમજ ફરિયાદી કોન્ટ્રાકટરના ભાઈની કેન્ટીનનું ટેન્ડર પાસ કરવા બીજા 2 લાખ મળી કુલ 8 લાખ માંગ્યા હતા.

ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાનમાં બન્ને આરોપીઓ લાંચની રૂ.8 લાખની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. એસીબીએ આરોપી આરએમઓ ડૉ, ગોપાલ પટેલ અને ડૉ, શૈલેષ ચેલાભાઈ પટેલની ધરપકડ કરી બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.