જીએનએ જામનગર: સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી છોકરીઓને પણ સૈનિક શાળામાં જોડાવા માટેના દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ આગામી શૈક્ષણિક સત્રથી પ્રારંભિક સ્તરે ધોરણ VIથી છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. કુલ જગ્યાઓમાંથી દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ બંનેમાંથી જે પણ વધુ હોય એટલી જગ્યાઓ છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે.
શાળામાં છોકરીઓ માટે એક વિશેષ છાત્રાલય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. છોકરીઓને અભ્યાસની સાથે સાથે, છોકરાઓની જેમ જ સૈન્ય તાલિમ પણ આપવામાં આવશે જેથી તેઓ સશસ્ત્ર દળોમાં સંરક્ષણ અધિકારી તરીકે જોડાઇ શકે.
પ્રથમ વખત, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આગમી શૈક્ષણિક સત્ર માટે ઑનલાઇન પ્રવેશ પ્રક્રિયાઓ 20 ઓક્ટોબર 2020થી શરૂ થઇ ગઇ છે જે 19 નવેમ્બર 2020 સુધી ચાલશે અને 10 જાન્યુઆરી 2021 (રવિવાર)ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. આ વિશે વિગતવાર માહિતી www.nta.ac.in પરથી મેળવી શકાય છે અને રસ ધરાવતા ઉમેદવારો ફક્ત https://aissee.nta.nic.ac.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.
બાલાછડી સૈનિક શાળા ખાતે આ વર્ષે છોકરાઓ અને છોકરીઓ બંને માટે પ્રવેશનું કાર્ય ફક્ત ધોરણ VI માટે છે જ્યારે ધોરણ IX માટે નથી.