*વિચારને વહેંચવાના ભાવથી પુસ્તકોનું દાન કરાય છે*

ભાવનગરઃ આ શહેરનું એક હુલામણું નામ છે, અને એ છે “ભાવેણું” આ શબ્દ મૂળ એક કાઠીયાવાડી શબ્દ છે કે જેનો અર્થ થાય છે ભાવ(અંતરના) વાળું. આ શહેરની દરેક પ્રવૃત્તિમાં ભાવ હોય છે અને આ શહેરના ભાવમાં ક્યારેય અભાવ નથી હોતો. પછી પ્રવૃત્તિ કલાની હોય, સાહિત્યની હોય કે પછી સામાજિક હોય. જે થાય તે દિલથી થાય.આવી એક સુંદર પ્રવૃત્તિ એટલે પુસ્તક દાનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તક દાન જેવી પ્રવૃતિઓ કે કાર્યક્રમો ખૂબ ઓછા થતા જોવા મળે છે. આવું કંઈક અલગ ભાવનગરને જ સુઝે અને એને કરી પણ દેખાડે. ત્રણ વર્ષમાં એક લાખથી વધુ પુસ્તકોનું દાન આપવુંએ સામાન્ય તો નથી જ. ભાવનગરના નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્ય થયું છે. ભાવનગરના ઉદય દવે, ચિતાર્થ ઓધારીયા, હિતેન્દ્રસિંહ ગોહિલ સહિતનાં સાત યુવાનો આ ટ્રસ્ટ ચલાવે છે.