માણસ અને સંજોગો અનુકૂળ હતાં, તો બધી બાબતો પસંદ હતી. જે વસ્તુ કે વિચાર માટે જન્મજાત નફરત હતી તે પણ ગમતી હતી. અચાનક યુવાન એવી યુવતીને પસંદ કરે જે સાવ અલ્લડ કે બેફિકર હોય અને પોતે રુઢિચુસ્ત વાતાવરણમાંથી આવતો હોય. પ્રેમમાં પડેલાને એ મુક્તતા ગમવા લાગે છે. જીવનમાં આવતી નવી પરંપરા પસંદ પડે છે. સમય જતાં બેફિકર સ્વભાવ ઇગોને હર્ટ કરે તો બીજી મિનિટમાં તો વ્યક્તિ તેના ચારિત્રની ચર્ચા કરવા સુધી પહોંચી જાય છે.
ગમતી છોકરી, નોકરી કે બાબતમાં જરા સરખી પ્રતિકૂળતા સહેવી માણસના સ્વભાવમાં નથી. સંજોગો બગડે એટલે દુશ્મન. સંબંધની વ્યાખ્યામાં અનુકૂળતાનો ઈગો અંદર સુધી આવી ગયો છે. કોઇ વ્યક્તિ આપણી વાતો અને વિચારમાં હા પાડે એટલે એ ગમે. ગમે તેટલો ગાઢ સંબંધ હોવા છતાં તમારા વિચાર સાથે પ્રતિકૂળ પ્રતિભાવ આપે એટલે દુશ્મન.
તમારી રાજકીય માન્યતા હોય કે અંગત માન્યતા, તેને સલામ મારવી દરવખત શક્ય ન પણ બને. આ સમયે જૂના સંબંધને પૂર્ણવિરામ મૂકી દેવાનું?… આ વાત ખાલી વ્યક્તિગત જ નહિ, પણ સમાજ અને દેશ માટે પણ લાગુ પડે.
જે સંસ્થાએ ઓળખ આપી અને એ જ સંસ્થામાં વાંધો પડે એટલે સંસ્થાની ખામીઓ દેખાવા માંડે. સંસ્થા કરતાં પોતે મહાન હોય તેવા પોતે કરેલા ઉપકારના લીસ્ટના રોદણાં શરૂ. દેશની સરકાર, કાયદો કે નેતા પ્રતિકૂળ એટલે દેશ થોડો ખોટો થઈ જાય….
લોકશાહીના જનક સોક્રેટિસે લોકશાહીના ઘડતર માટે નિયમો બનાવ્યા અને લાગુ પણ કરાવ્યા. આખા એથેન્સમા વાહવાહી થતી. એક સંજોગોમાં આ જ કાયદાની સાચી ખોટી સમજે તેને મ્રૃત્યુદંડની સજા કરી. સોક્રેટિસને યુવાનોને ભડકાવવા અને દેવીદેવતામા શ્રદ્ધા નહિ રાખવાની આ સજા થઇ હતી. સજાના સમયે રાજ્યમાં ઉત્સવ હોવાના કારણે સજાનો અમલ મહીના પછી કરવાનું નક્કી થયું. સોક્રેટિસના શુભચિંતકોએ ભગાડવાનો પ્લાન કર્યો. સોક્રેટીસ આ જાણ્યું અને ભાગવાની ના પાડી. સોક્રેટિસ મજાની વાત કરી કે હું જ ભાગી જઇશ તો મારા બનાવેલા કાયદાનો અમલ કોણ કરશે? આ કાયદા પર ભરોસો કોણ કરશે? એથેન્સના કાયદાનો આત્મા મને માફ નહિ કરે. અહીં રહીને આ જ કાયદા હેઠળ સત્તા ભોગવી, સુખ ભોગવ્યા. હવે રેલો આવ્યો એટલે ભાગી જવાનું? કોર્ટે તેને તક પણ આપી કે તુ ચર્ચા કરવાનું બંધ કર, પણ સત્ય બોલવાનું બંધ કરવા કરતાં મ્રૃત્યુની પસંદગી કદાચ લોકશાહીના જતન માટે ફળદાયી લાગી હશે.
બસ, અનુકૂળતા વહાલી અને પ્રતિકૂળતાનો તિરસ્કાર…? ફેસબુક કે વોટ્સએપમાં તમારી કોમેન્ટમાં વાહવાહી ગમે અને સચોટ ટીકા થાય તો સંંબંંધોનેે આસાનીથી બ્લોક કરી દેેતાં કોણ ખચકાય છે …
હા, અર્થ વગરની દલીલ પર ગુસ્સો આવે…પણ હું ક્યાં જજ છું કે આ દલીલ અર્થ વગરની હતી કે સકારાત્મક હતી તે નક્કી કરી શકુ… જિંદગી સતત પસંદ-નાપસંદ માર્ગ પર ચાાલે છે. માણસજાત ભગવાન બદલતા ખચકાટ નથી, તો ઇન્સાન ક્યા ચીજ હૈ….
Deval Shastri🌹