બદલાયેલા ધંધાની પ્રતિક્રિયા :2 4: શુપર મોલ

મેહોણાના એક ભઈ શુપર મૉલમા શાબુ લેવા આયા.. તૉં ઉભેલી છોડીન્ કીધુ ક્ :આ શાબુનુ શેકશન ચ્યો આયુ?
આવી ‘ભાશા’ સાંભળી હમણાજ નોકરી લાગેલી એક છોકરીના ભવાં સંકોચાયા.. નવી નવી નોકરીની આમન્યા જાળવી બને એટલી વિનમ્રતાથી પેલા ‘શજ્જન’ ને કહયુ:
” સર! આપે શાબુ નહિ પણ સાબુ અને શેકશન નહિ પણ સેકશન એવો ઉચ્ચાર કરવો જોઈએ..” અને પેલો સજ્જન ગિન્નાયો..
‘છોડી.. તાર્ તો માશતર થવાની જરુર હતી…’જવાબમા પેલી છોકરીએ કશુ બોલ્યા વગર પેલા
સજજનને સાબુના સેકશનમા રવાના કર્યા..પછી મનોમન બબડી.
” હા… તે હું માસ્તર જ હતી. આ તો… ” મનમા પણ તે પોતાનુ અધુરુ વાકય પુરૂના કરી શકી.
5:હિરાઘસુ
“હિરા ઘસવામા વળી શુ આવડત…? તુ તો પાછો ભણેલો ગણેલો.. તું તો આમ ચપટીમા શીખી લઈશ.. એમ કહીને મેં ચપટી વગાડી… પણ એ હજી અવઢવમા હતો.. સ્કુલમા આટલું ભણાવ્યા પછી, હિરા ઘસવા માટે એનુ મન નહોતુ માનતુ.. પણ મારી જીદના કારણે એ હિરાની ઘંટી સુધી ખેંચાઈ આવ્યો… મેનેજરે એને ઉપરથી નીચે લગી પારખ્યો.. પછી મને પુછયુ:
“આ તારો દોસ્તાર પહેલા શુ કામ કરતો હતો?”
હુ કાંઈ જુઠઠુ બોલી દઉ એ પહેલા એ જ બોલ્યો:
“પહેલા પણ હિરા જ ઘસતો હતો. સાહેબ..”
પણ આટલું બોલતા બોલતા તો એની પાંપણ ઉપર ધસી આવેલા આંસુ કોઈ મોધાં ડાયમંડની જેમ ચમકી ઊઠયા..
6.સમાધાન
“ટામેટા 120 રુપિયે કિલો? કાંઈ શરમ જેવુ છે કે નહિ?” આ બાજુવાળી બેન 80 રૂપિયે કિલો વેચે છે..”
એ બેન ખાલી બી. એ., બી. એડ, છે. એણે ખાલી ટાટ પાસ કરી છે, હું એમ. એ., એમ એડ, છુ, મે ટાટ અને એચ. ટાટ બંને પાસ કરી છે.. ચાર વરસનો તો ભણાવવાનો અનુભવ છે.. કિસ્મત અને કોરોના સાથે સમાધાન કર્યુ એટલુ પુરતુ છે.. હવે ભાવ સાથે નહિ કરુ.. એમ કહીને મારી સામે એ તાકી રહયો…હું જ શરમથી નજર નીચી કરીને ત્યાંથી નિકળી ગયો.. આગળ ટામેટા કેટલા મોધાં હશે શુ ખબર….
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા