વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી.

વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશે: આગામી બે વર્ષ સુધી ડેમમાં પાણી ખુટશે નહીં – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

કેવડિયા ખાતે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરે છલકાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મા નર્મદાના નીરના ઇ-વધામણાં– પૂજન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે મા નર્મદાના જળનું પૂજન- અર્ચન કરાયું

રાજપીપલા, તા 16 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે જળ જરૂરી છે. “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી સરદાર સરોવર ડેમ ખાતે મા નર્મદા નીરના ઇ-વધામણાં કરતાં જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું હતું કે, આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખૂબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૭ મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય. નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જરૂર પડી તો ઉપવાસ આંદોલન, સંઘર્ષ કરીને સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરાવ્યું.
તેમણે કહ્યું હતું કે, સાત વર્ષ સુધી UPA ની સરકારે ડેમના દરવાજા પણ લગાવવાની મંજૂરી આપી ન હતી, પણ નરેન્દ્રભાઇ મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં ડેમના દરવાજા લગાવવાની અને બંધ કરવાની મંજૂરી તેમજ ગયા વર્ષે ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી પણ આપી. નર્મદા ડેમનું સંપૂર્ણ કામ આપણે પુરૂ કર્યુ. તેના ફળ સ્વરૂપે કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં છેવાડાના ગામ સુધી, ૭૦૦ કિ.મી. સુધી આ નર્મદાના પાણીને પહોંચાડીને ગુજરાતની જનતાને આપણે સિંચાઇ, ખેતી અને પીવાના પાણી આપી શક્યા છીએ. મા નર્મદે-સર્વદે ખરા અર્થમાં સાબિત થઈને ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી કહ્યું હતું કે, આજે પુન: સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ ભરાયો છે અને આજે મા નર્મદાના પવિત્ર નીરના ઇ-વધામણાં કર્યા છે. આવનાર બે વર્ષ સુધી મા નર્મદાનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારીને વિકાસની નવી દિશા કંડારશે. “જળ વિના જીવન નહી” અને “પાણી વિના વિકાસ નહી”. ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે અને મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને મુખ્યમંત્રીએ ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્ચાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.

નર્મદા બંધ સતત બીજા વર્ષે પૂર્ણ ભરાયો એનો ખૂબ આનંદ છે. નર્મદા બંધનું કામ પૂરું કરાવી તેનો લાભ સુલભ બનાવનારા પ્રધાનમંત્રિ નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે નર્મદા વિકાસ મંત્રીના મારા કાર્યકાળ દરમિયાન નર્મદા બંધ સતત બીજા વર્ષે પુર્ણ ભરાયો એનો ખૂબ આનંદ છે.તેના લીધે ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઇ નો લાભ મળશે. તેમની ખેતીની આવકમાં વધારો થશે. ૧૬ જિલ્લાના જે તળાવો ખાલી રહ્યા છે એને પણ નર્મદાના પાણી થી ભરી શકાશે.

માનનીય મુખ્યમંત્રીએ સતત ત્રણ મહિના ચિંતા સેવી અને સતત માર્ગદર્શન આપ્યું તેના પરિણામે આજે સતત બીજા વર્ષે નર્મદા બંધ પૂર્ણ સ્તર સુધી ભરી શકાયો છે એવી લાગણી વ્યક્ત કરતા સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે ૩૪ હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી ૧૭ હજાર mcm જેટલી પાણીની આવક થઇ. તેમ છતાં, મુખ્યમંત્રીના સતત માર્ગદર્શનથી સરોવર વધુ એકવાર પૂર્ણ ક્ષમતા સુધી ભરી શકાયો. હાલમાં ૫૮૭ કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે. ૧૦ લાખથી વધુ ખેડૂતોને અને ૧૪ લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક ૭૫૦ કિમી દૂરના વિસ્તારો સુધી પાણીનો લાભ આપી શકાશે.

૭ મહાનગર પાલિકાઓ, ૧૬૫ શહેરો અને ૯ હજાર થી વધુ ગામોને પીવાનું પાણી મળશે. પાણીના ટીપે ટીપાનો અમે ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં નર્મદાના પાણીનો ઉપયોગ કરીને ૩.૩૨ કરોડ મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે જેની કિંમત સવા તેર કરોડ થાય છે. આ બંધ ઇજનેરીની અદભૂત કમાલ ગણાય છે. વિખ્યાત બુર્જ ખલીફા જેવા ૨૭ મકાનો બનાવી શકાય અને લંડનથી ન્યુયોર્ક સુધીનો પાકો રસ્તો બનાવી શકાય એટલી બાંધકામ સામગ્રી તેના નિર્માણમાં વપરાઈ છે.

ગુપ્તાએ નર્મદા બંધ સાકાર કરવામાં પ્રધાનમંત્રીના યોગદાનને યાદ કરતાં, જન્મ દિવસના હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા