બનાસકાંઠાનું ગૌરવ: તાજેતરમાં ભાવનગરમાં Dy. S.P. તરીકે બદલી થયેલા સૌથી યુવાન IPS અધિકારી સફીન હસન…

*બનાસકાંઠા જિલ્લામાં કણોદર નામનું એક નાનકડું ગામડું છે. આ ગામમાં રહેતા મુસ્તફાભાઈની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મુસ્તફાભાઈ અને એમના પત્ની નસીમબેન હીરા ઘસવાનું કામ કરતા. અમુક વર્ષો પછી હીરા ઘસવાનું બંધ કરીને મુસ્તફાભાઈએ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ ચાલુ કર્યું. બે પાંદડે થવા માટે દિવસે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે અને રાત્રે કાવાની લારી ચલાવે. નસીમબેન પણ કોઈને ત્યાં સામાજિક પ્રસંગ હોય ત્યારે ત્યાં રોટલી પૂરી પાડવાનો ઓર્ડર સ્વીકારે અને ચારથી પાંચ કલાકની મહેનત કરીને પોતાની જાતે જ રોટલી બનાવે અને એ રીતે ઘર ચલાવવામાં મદદ કરે.*

*આ દંપતિનો મોટો દીકરો સફિન ભણવામાં બહુ જ હોશિયાર હતો. સરકારી શાળામાં અભ્યાસ કરતો આ છોકરો હંમેશા અવ્વલ નંબરે જ પાસ થતો. ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી પણ આ છોકરાના સપના અસામાન્ય હતા. નાનપણથી જ એણે એક સપનું સેવેલું કે મારે UPSCની પરીક્ષા પાસ કરીને ભારત સરકારના ઉચ્ચ અધિકારી બનવું છે. ઘણીવખત નસીમબેન રોટલી ઘડવા માટે રાતે 1 વાગ્યે બેસી જાય ત્યારે નાનકડો સફિન પોતાનું સપનું પૂરું કરવા માટે મમ્મીની સાથે જ ઉઠી જાય. મમ્મી રોટલી બનાવે અને સફિન બાજુમાં બેસીને વાંચે.*

*ધો.10માં સફિન 92% માર્ક્સ લાવ્યો. સાયન્સમાં અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની ફી ભરવાની એની કોઈ હેસિયત નહોતી. સફીને જે શાળામાં ધોરણ 10નો અભ્યાસ કરેલો એ જ શાળાના કેટલાક શિક્ષકોને સાયન્સની નવી સ્કુલ શરૂ કરેલી. શિક્ષકોને સફિનની ટેલેન્ટનો પરિચય હતો. નવી શાળાને આ છોકરો નામના અપાવશે એવી ખાતરી હોવાથી સફિનને 11 -12 સાયન્સની નવી શાળામાં વગર ફીએ પ્રવેશ આપ્યો.*

*શાળાનો અભ્યાસ તો પૂરો થઈ ગયો પણ હવે કોલેજની ફીની વ્યવસ્થા કેમ કરવી. સફીન પોતાનો ખર્ચો કાઢવા માટે વિદ્યાર્થીઓને ટ્યુશન આપે અને એની આવકમાંથી પોતાના રહેવા જમવાનો ખર્ચ કાઢે. પરિસ્થિતિ સામે ઘૂંટણિયે પડવાને બદલે આ છોકરો હિંમતભેર આગળ વધતો રહ્યો.*

*કોલેજ પૂરી કરીને હવે UPSCની તૈયારી માટે દિલ્હી જવાનું હતું. દિલ્હીનો ખર્ચ આ પરિવારને કોઈ સંજોગોમાં પોસાય તેમ જ નહોતો પણ જો તમારો ઈરાદો મજબૂત હોય તો કુદરત મદદ પણ કરે જ છે. સફિન કોલેજકાળ દરમ્યાન સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સાથે જોડાયેલો હતો. ઝૂંપડપટ્ટીના બાળકોના અભ્યાસ માટે અને ગામડાના ગરીબ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે તેઓ અને તેમની ટીમ સતત પ્રયાસ કરતા રહેતા. આ દરમિયાન જ હુસેનભાઈ અને ઝરીનાબેનનો સંપર્ક થયો. આ દંપતીએ સફિનના સપનાને પાંખો આપવાનું કામ કર્યું. કોઈપણ જાતના લોહીના સંબંધ નહોતા છતાં માનવતાના નાતે સફિનના દિલ્હીના અભ્યાસનો બધો જ ખર્ચ આ દંપતીએ ઉપાડી લીધો.*

*સફીને પોતાના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી. યુપીએસસીની પરીક્ષા વખતે એ પરીક્ષા આપવા જતો હતો ત્યારે જ અકસ્માત થયો. લોહીલુહાણ હાલતમાં પણ એણે હોસ્પિટલે પડ્યા રહેવાના બદલે પરીક્ષા ખંડમાં જવાનું પસંદ કર્યું. પગ ભાંગ્યો હતો એટલે ખૂબ પીડા થતી હતી પણ પીડાની પરવા કર્યા વગર આ છોકરાએ પેઈન કિલર ગોળીઓ ખાઈને પરીક્ષા આપી.*

*પહેલા જ પ્રયત્નમાં આ છોકરાએ UPSCની મેઈન પરીક્ષા પાસ કરી લીધી. ઇન્ટરવ્યૂને એક મહિનાની વાર હતીને સફિન બીમાર પડ્યો. એને હોસ્પિટલાઈઝ કરવો પડ્યો. ત્રણ અઠવાડિયા હોસ્પિટલમાં વિતાવ્યા અને ઇન્ટરવ્યુના એક અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાંથી રજા મળી. UPSCની સાથે સાથે કુદરત પણ એની પરીક્ષા લઇ રહી હતી. સફિનનો ઈરાદો મક્કમ હતો. હોસ્પિટલની પથારીમાં પણ એને ઇન્ટરવ્યૂની તૈયારી ચાલુ રાખી અને ઇન્ટરવ્યૂ આપ્યું જે ઇન્ટરવ્યૂમાં એણે સમગ્ર ભારતમાં સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા.*

*UPSCનું ફાઇનલ પરિણામ આવ્યું અને સફિનનું સપનું પૂરું થયું. માત્ર 22 વર્ષની ઉંમરે એ IPS ઓફિસર બની ગયા. પોતાના માદરે વતન ગુજરાતમાં જ એની નિમણૂક થઈ અને સફિન હસન ગુજરાત રાજ્યનો સૌથી નાની ઉંમરનો IPS ઓફિસર બની ગયો. સફિન હસન ગુજરાતી માધ્યમમાં જ ભણેલો છોકરો છે. એણે UPSCની પરીક્ષા પણ ગુજરાતી માધ્યમમાં જ આપી હતી. જો કે પ્રચંડ આત્મવિશ્વાસને લીધે એણે ઇન્ટરવ્યૂ અંગ્રેજીમાં જ આપ્યું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતાઓ ક્યારેય ઓછી ન આંકવી.*

*ઉત્તીર્ણ થયા બાદ સરકાર દ્વારા તેમના કાર્ય રૂપે પ્રથમ જામનગર ખાતે ASP તરીકે નિમણૂક આપવામાં આવી અને જ્યાં તેમને તેમના કાર્યનો પૂર્ણતઃ પરિચય આપ્યો અને લોકોના હૃદયમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું ત્યાર બાદ તેમના પ્રોબેશન સમયગાળો પૂર્ણ થતાં તેઓ હૈદરાબાદ પોલીસ ટ્રેનિંગ અર્થે રવાના થયા અને ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ થોડા દિવસ પહેલા જ ગુજરાત કેડરના આ સૌથી યુવાન આઇપીએસ ઓફિસરની તાલીમી અધિકારી તરીકેની નિમણૂંક ગુજરાત સરકારે ભાવનગર જિલ્લામાં કરી છે.*

*સફિન હસને મક્કમ ઈરાદા અને પ્રચંડ પુરુષાર્થથી એ સાબિત કરી દીધું કે નાના માણસોને પણ મોટા સપનાઓ જોવાનો અને પુરા કરવાનો અધિકાર છે અને એ અશક્ય પણ નથી.*
*मंजिले उन्ही को मिलती है,*
*जिनके सपनो में जान होती है,*
*सिर्फ पंखो से कुछ नही होता दोस्तों,होसलो से उडान होती है…!!!*