સરકારની કૌશલ્ય તાલીમથી સાગબારા તાલુકાના મોટી પરોડી ગામની ગીતા વસાવાની માટીના ચૂલાથી શહેરના પીઝા પાર્લર સુધીની સંઘર્ષમયી પ્રેરકગાથા.
દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ રીટેઇલના કોર્ષમાં તાલીમબધ્ધ થઇને વડોદરામાં ડોમીનોઝ પીઝા પાર્લરમાં માસિક રૂા. ૬૫૦૦/- ના પગારથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા આજે બારડોલીમાં મેનેજરનું પદ શોભાવી માસિક રૂા. ૨૩૦૦૦/- નો પગાર મેળવે છે.
અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગ્રામીણ ભાઇ-બહેનોને તેમનુ ભાવિ ઉજ્જવળ બનાવવાનો રાહ ચીંધતી મોટી પરોડી ગામની ગીતા વસાવા.
નર્મદાના આદિવાસી વિસ્તારમાં ખેતીકામ કરતી કોઇ યુવતી શહેરના પીઝા પાર્લરમાં ગ્રાહકોને પીઝા પીરસવાનું (સર્વ) કરવાનું કામ કરીને સૌને અચંબામાં મૂકી દીધા છે. સાગબારા તાલુકાના મોટી પરોડી ગામની ગીતા વસાવાએ રોજગારીની સાથે શ્રેષ્ઠ કારકિર્દી માટે સેવેલા આવા જ સ્વપ્નને ખરેખર સાચા અર્થમાં કેવી રીતે સાકાર કરીને બતાવ્યું છે તે જાણવા જેવું છે.
સાગબારાની તાલુકાના મોટી પરોડી ગામની ગીતા ક્રૃષ્ણાભાઇ વસાવા કહે છે કે પોતે બારમું ધોરણ પાસ કર્યા બાદ આગળ ભણવાની સાથે ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઉત્સૂક હતી. પરંતુ ગીતાના માતા-પિતા તેને આગળ ભણાવવા તૈયાર ન હોતા. માતા-પિતાની મરજી વિરૂધ્ધ અડગ મનની ગીતા કહે છે કે મેં જીદ કરીને દીન દયાલ ગ્રામીણ કૌશલ્ય યોજના અંગેની છાપામાં આવેલી જાહેરાત વાંચીને જે તે સમયે સાગબારામાં ચાલતા તાલીમ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને ઉકત કેન્દ્રમાંથી તાલીમ અંગેની જરૂરી જાણકારી અને માર્ગદર્શન મેળવ્યા બાદ પૂરતી ધગશ સાથે રીટેઇલના કોર્ષમાં જોડાઇ હતી. આમ, આ કોર્ષમાં કૌશલ્યની સજજતા કેળવીને કાચા માટીના ઘરમાં ચૂલા પર ચા બનાવતી ગીતા રાત દિવસ માનવ કિડીયારીઓથી સતત ઉભરાતા વડોદરા જેવા શહેરના વાસણા વિસ્તારમાં ડોમીનોઝ પીઝા પાર્લરમાં ૨૦૧૬ ના વર્ષમાં શરૂઆતમાં માસિક રૂા. ૬૫૦૦/- ના પગારથી પીઝા પીરસવાનું (સર્વ) કરવાની નોકરીમાં જોડાઇ હતી.ગીતા કહે છે કે ક્રમશઃ રૂા. ૭૫૦૦/- અને છેલ્લે રૂા. ૮૫૦૦/- ના માસિક પગાર વધારાની સાથે તેમની કંપની દ્રારા મેનેજરની જગ્યા માટે લેવાયેલી કસોટીમાં ગીતાએ સફળતા હાંસલ કરતા એપ્રિલ-૨૦૧૯ થી સુરત ખાતેના ડોમીનો પીઝા પાર્લરમાં માસિક રૂા. ૨૨૦૦૦/- ના પગારમાં મેનેજરની જગ્યાએ બઢતી મેળવી હતી. ત્યારબાદ ગત ઓકટોબર- ૨૦૧૯માં બારડોલી ખાતે ગીતાની બદલી થતાં ગીતા આજે બારડોલીમાં ઇન્સેન્ટીવ સાથે માસિક રૂા. ૨૩૦૦૦/- હજાર જેટલો પગાર મેળવી રહી છે.
ગીતા વસાવા જણાવે છે કે, તેણીની વધુ ઉચ્ચ અભ્યાસની ધગશને લીધે વડોદરા ખાતેની તેની નોકરીની સાથોસાથ ભાવનગરની કોલેજમાંથી સમાજ સેવા ક્ષેત્રની એમએસડબ્લ્યુના અભ્યાસક્રમમાં એક્ષટર્નલ સ્ટુડન્ટ તરીકે એમએસડબ્લ્યુની પરીક્ષા પણ ઉતીર્ણ કરી છે. ગીતા આટલેથી અટકતી નથી અને હજી પણ એમ.એના અભ્યાસમાં જોડાવાની તીવ્ર ઇચ્છા વ્યકત કરતા જણાવે છે કે ચાલુ વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થયેથી તેમાં પ્રવેશ મેળવશે.
સામાન્ય આવડતને અસાધારણ કૌશલ્યમાં પરિવર્તિત કરનાર ગીતાએ આદિવાસી સમાજની દિકરીઓ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયુ છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.